ગુજરાતમાં નકલી ચીજવસ્તુઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નકલી ગરમ મસાલા, નકલી ઈનો, નકલી જીરું અને નકલી મીઠું પછી હવે નકલી લસણ પકડાયું છે. સુરતની APMCમાંથી આ નકલી ચાઈનીઝ લસણ ઝડપાયું હતું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સિવાય તેને ખાવાથી કેન્સર થવાનો ખતરો પણ રહે છે. તેમ ડોકટરોનું કહેવું છે.
ભારતમાં 2014થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતની APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ખેડૂતોની આજીવિકા અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે મોટી માત્રામાં ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત થતા ખળભળાટ મચી ગયો છે.
સુરત APMCએ 2,150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કર્યો છે. તેમજ આ લસણ અહીં કેવી રીતે પહોંચ્યું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અહી ચાઈનીઝ લસણ સપ્લાય કરનાર આરોપીઓને શોધવા પોલીસે તપાસ પણ તેજ કરી છે. ચાઈનીઝ લસણ કેન્સરનું જોખમ વધારે છે.
સૌથી અગત્યનું, ધાતુઓ, સીસા અને ક્લોરિનનો ઉપયોગ ચાઇનીઝ લસણ ઉગાડવામાં થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેમાં જાડી કળીઓ હોય છે. જો કે આ લસણની છાલ ઉતારવી સરળ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.