કર્ણાટક વિધાનસભામાંથી ભાજપના 18 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષએ શુક્રવારે ‘હની ટ્રેપ’ કેસના મુદ્દા પર હોબાળો મચાવવા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ૧૮ ભાજપના ધારાસભ્યોને વિધાનસભામાંથી ૬ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. કર્ણાટક સરકારના મંત્રી અને અન્ય રાજકારણીઓ સાથે સંકળાયેલા કથિત ‘હની-ટ્રેપ’ કેસમાં વિપક્ષી નેતાઓએ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી હતી. શુક્રવારે ભાજપના ધારાસભ્યોએ ગૃહના વેલ સામે આવીને કાગળો ફાડીને હંગામો મચાવ્યો હતો. તે જ સમયે, વિધાનસભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ભાજપના 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરવા માટે આજે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચકે પાટીલે રજૂ કર્યું હતું.
તાજેતરમાં, કર્ણાટકમાં એક હાઇ-પ્રોફાઇલ હની ટ્રેપ કેસ ચર્ચામાં આવ્યો છે, જેણે રાજ્યના રાજકારણને હચમચાવી નાખ્યું છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ વિધાનસભામાં ખુલાસો કર્યો કે તેઓ માત્ર હનીટ્રેપમાંથી બચી ગયા નથી, પરંતુ 48 અન્ય રાજ્ય નેતાઓ, ધારાસભ્યો અને કેન્દ્રીય નેતાઓ પણ આવી જાળમાં ફસાઈ ગયા છે. આ દાવાએ શાસક કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ બંનેને મોટા વિવાદમાં ફસાવી દીધા છે.