સાત દિવસીય મેળામાં વિવિધ 50 પ્રકારની દિલધડક હરીફાઈ
20 થી 26 ફેબ્રુઆરી સુધી અશ્વ મેળામાં લાખોની જનમેદની ઉમટશે; લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આગામી 20 થી 26 ફેબ્રુઆરી સુધી ૧૪ માં મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવશે. જસરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી અશ્વ મેળો યોજાય છે. જેને મહાશિવરાત્રીના લોક મેળા તરીકે ઓળખવામાં આવે છે. આગામી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ થી ૨૬/૦૨/૨૦૨૫ એટલે કે ૭ દિવસ સુધી જસરા ગામમાં ભવ્યાતિભવ્ય અશ્વ અને આનંદ મેળો યોજાવાનો છે ત્યારે આ ૧૪ મા મેગા અશ્વ-શોની તૈયારીઓ માટે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે અને કમિટી દ્વારા દેશના સૌથી મોટા અશ્વ મેળા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જેમાં દિવસે અશ્વ મેળો અને રાત્રીના સમયે આનંદ મેળામાં હજારોની સંખ્યામાં આવતા લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે ગયા વર્ષ કરતા મેળાના દિવસમાં વધારો કરવા આવ્યો છે. જેમાં પાંચ દિવસની જગ્યાએ સાત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અશ્વ મેળામાં ભાઈઓ અને બહેનો માટે કબડ્ડી સ્પર્ધા પણ રાખવામાં આવી છે. તેમજ ગૌમાતા અને નંદી મહારાજની સુંદરતા વગેરેની હરીફાઈ પણ રાખી છે. સાથે સાથે ડોગ સ્પર્ધા રાખી છે અને ઊંટની પણ અલગ અલગ હરીફાઈઓ રાખવામાં આવી છે આમ કુલ ૫૦ જેટલી હરિફાઈઓ યોજાશે. જેને લઇ અશ્વ મેળાના મેનેજમેન્ટને લઈને અલગ અલગ સમિતિઓની રચના કરવા આવી છે.ભારતભર માંથી આવતા જાતવાન અશ્વો અને અશ્વ માલિકોની સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ સમિતિઓ બનાવી જવાબદારી સોંપવામાં આવી છે.