સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની 2.50 લાખ સુધીની ફી સરકાર ચૂકવે છે; ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના કુમાર/કન્યા વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના હેઠળ જે વિદ્યાર્થી કે જેઓના વાલીની આવક 2.50 લાખથી ઓછી હોય અને સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેઓની 2.50 લાખ સુધીની ફી સરકાર ચૂકવે છે.જે વિદ્યાર્થી જે તે કોલેજ કે સંસ્થામાં એડમિશન લેતી વખતે ફ્રીશીપ કાર્ડ રજૂ કરે તેની ફી સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં વર્ષ 2024/25 દરમિયાન 1128 ફ્રી શીપ કાર્ડ યોજના હેઠળ રાજ્યની અલગ અલગ ખાનગી સંસ્થા- કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.જેઓની સરકાર દ્વારા નક્કી કરેલ એફ.આર.સી. પ્રમાણે તેમની ફી સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.સરકાર દ્વારા બે હપ્તામાં વિધાર્થીઓના ખાતામાં ફી નાખવામાં આવે છે.જ્યાં વિધાર્થીઓએ પોતાના ખાતામાં જમા થયેલી ફી જે તે કોલેજ કે સંસ્થામાં એક સપ્તાહમાં ભરી દેવાની હોય છે.
ભારત સરકારની પોસ્ટ મેટ્રિક ફ્રીશીપ કાર્ડ યોજના હેઠળ 2.50 લાખથી ઓછી આવક ધરાવતાં વાલીઓ હોય એમના દીકરા દીકરીઓ માટે કે જેઓ મેડિકલ, એન્જીનરિંગ,પેરા મેડિકલ,એ.એન.એમ,જી.એન.એમ,પોસ્ટ બેઝીક નર્સિંગ કોર્સની ફી સરકાર દ્વારા બે હપ્તામાં ચુકવવામાં આવે છે.જેમાં પ્રથમ હપ્તો 60 ટકા અને બીજો હપ્તો 40 એમ બે હપ્તામાં વિધાર્થીઓના ખાતામાં ચૂકવામાં આવે છે.
રાજ્ય સરકારની ફ્રી શીપ કાર્ડ યોજના માત્ર દીકરીઓના વાલીઓ કે જેઓ અઢી લાખથી વધુ આવક ધરાવતાં હોય તેમની માટેની ફ્રી શીપ કાર્ડ યોજનામાં પોસ્ટ મેટ્રિક અભ્યાસ ક્રમના કોર્સમાં અભ્યાસ કરતી માત્ર દીકરીઓની ફી નક્કી કરેલ એફ.આર.સી. મુજબ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લા નાયબ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક મનીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ કઢાવવા માંગતા હોય તેઓ અમારી પાલનપુર જોરાવર સ્થિત કચેરી ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરીને કઢાવી શકે છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ ફ્રીશીપ કાર્ડનો લાભ મેળવ્યો
2023/24 -1113 વિદ્યાર્થીઓ
2024/25 -1118 વિદ્યાર્થીઓ
2025 સુધીમાં 94 વિદ્યાર્થીઓ, હાલમાં એડમિશન પ્રોસેસ ચાલું છે.