ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મ દિવસને ‘ગ્રીન ડે’ તરીકે ઉજવાયો
“એક પેડ માઁ કે નામ” અભિયાન અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મ દિવસને “ગ્રીન ડે” તરીકે ઉજવવાના ભાગરૂપે આજે ડીસા તાલુકાના ગૂગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે અને જન ભાગીદારી થકી ગૂગળ ગામમાં ૫ હેક્ટર જમીન પર ૨૫ પ્રકારના કુલ ૧૧,૦૦૦ સ્થાનિક વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીની સબસિડી આપતી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાના વીજ કનેક્શન પૂરા પાડ્યા છે, જેથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ અને ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે.ધારાસભ્યએ વડાપ્રધાનના “એક પેડ માઁ કે નામ” અભિયાનને સફળ બનાવવા સૌને સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા સામાજિક વન વિભાગ અને જન ભાગીદારી દ્વારા આજે ડીસા પંથકમાં કુલ ૨૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાંથી ગૂગળ ખાતે ૧૧,૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા છે. તેમણે વૃક્ષારોપણ પછી તેના ઉછેરની જવાબદારી પર ભાર મૂક્યો અને લોકોને પોતાના પરિવારના નામ વૃક્ષો પર લખી તેની સંભાળ રાખવા વિનંતી કરી. તેમણે ગયા વર્ષે માલગઢ ખાતે વન વિભાગ સાથે મળીને રોપવામાં આવેલા ૧૫,૦૦૦ વૃક્ષો અને અન્ય ૮,૦૦૦ વૃક્ષોના સફળ ઉછેરનો પણ દાખલો આપ્યો, જેના પરિણામે આજે એક વન કવચ ઊભું થયું છે. તેમણે પ્રકૃતિના રક્ષણને આપણી સૌની જવાબદારી ગણાવી હતી. તેમણે કીટનાશક દવાઓના ઉપયોગથી દૂર રહેવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જણાવ્યું. તેમણે ખેત તલાવડી, કુવા રિચાર્જ અને વૃક્ષારોપણ તરફ આગળ આવવા ખેડૂતોને આહ્વાન કર્યું. તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી.


