બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર કાર્યક્રમ અંતર્ગત 100 મહિલાઓ માટે એક દિવસીય કિચન ગાર્ડન તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ શિબિરનો ઉદ્દેશ મહિલાઓને ઘરઆંગણે શાકભાજી અને ફળોના ઉત્પાદન, કુદરતી ખાતરની તૈયારીઓ, અને કચરાના પુનઃઉપયોગ પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને તેમને સરકારની બાગાયત વિભાગની યોજનાઓ અંતર્ગત ઉપયોગી માહિતી આપવાનો હતો.
જે.બી. સુથાર દ્વારા બાગાયતી પાકો અને યોજનાઓ અંગે મહિલાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરેન્દ્રભાઈ જોષીએ કિચન ગાર્ડન અને કેનિંગના ઉપાયો, તથા વેલજીભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી. તાલીમ પેટે મહિલાઓને શાકભાજી કીટો તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શિત કરાયા હતા.