ડીસા-સમૌ રોડનું કામ ‘ગોકળગાય’ ગતિએ : ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ

ડીસા-સમૌ રોડનું કામ ‘ગોકળગાય’ ગતિએ : ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ

જુનાડીસાથી સમૌને જોડતા ૨૦-૨૫ કિમીના માર્ગ પર કોન્ટ્રાક્ટરની અક્ષમ્ય બેદરકારી

જુનાડીસાથી સમૌને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતાને કારણે આ રસ્તો સ્થાનિક લોકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બન્યો છે. ૨૦ થી ૨૫ કિલોમીટર લાંબા આ રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકારી ​નિયમ મુજબ રોડના કામ દરમિયાન ઉડતી ડસ્ટ (ધૂળ) ને રોકવા માટે કોન્ટ્રાક્ટરે સમયાંતરે પાણીનો છંટકાવ કરવાનો હોય છે. જોકે, અહીં કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાની તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે, રોડ પર નાખેલી કપચી અને માટીમાંથી સતત ધૂળની ડમરીઓ ઊડે છે. આ ડસ્ટને કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી, જે અકસ્માતને સીધું નિમંત્રણ આપી રહ્યું છે.

​આ રોડની બિલકુલ નજીક જ શાળાઓ આવેલી છે. રોડ પરથી પસાર થતા ભારે વાહનોને કારણે ઉડતી ડસ્ટ સીધી શાળાના વર્ગખંડોમાં પહોંચે છે. માસૂમ બાળકોના શ્વાસમાં આ ધૂળ જવાથી તેમને ફેફસાં અને શ્વાસની ગંભીર બીમારીઓ થવાની ભીતિ સેવાઈ રહી છે. શિક્ષકો અને વાલીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, “છેલ્લા એક વર્ષથી અમે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. ઘરોમાં અને દુકાનોમાં ધૂળના થર જામી ગયા છે. બીમાર પડવાની બીક લાગે છે.” વાહન ચાલકો, ગ્રામજનો અને શાળા પરિવારે તંત્ર પાસે માંગ કરી છે કે રસ્તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. જ્યાં સુધી કામ ચાલુ છે ત્યાં સુધી દિવસમાં ઓછામાં ઓછું ૩-૪ વાર પાણીનો છંટકાવ કરવામાં આવે.તેમજ ​બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે.​જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *