(જી.એન.એસ) તા. ૨૩
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વંદે માતરમ ગીતની તાકાત જ એટલી છે કે, ભલે તે ગુલામીના કાલખંડમાં રચાયું હોય પરંતુ તેનો અર્થ અને શબ્દો ગુલામીની છાયાં સુધી મર્યાદિત નથી રહ્યા આજે પણ એટલાં જ સુસંગત અને પ્રસ્તુત છે કે, આ વંદે માતરમ ગીત ક્યારેય અપ્રાસંગિક નહિ થાય.
આઝાદીની ચળવળને વેગ આપવાનું કારણ બનેલું વંદે માતરમ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ અમૃતકાળમાં એ જ જોમ અને જુસ્સાથી વિકસિત ભારત – આત્મનિર્ભર ભારત માટે નવું પ્રેરણા બળ બની રહેશે તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, 1875માં બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજીએ વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રચેતના સાથે સ્વતંત્રતાનો માર્ગ કંડાર્યો હતો અને જનજનમાં એવો વિશ્વાસ જગાવ્યો હતો કે, એવો કોઈ સંકલ્પ નથી જે પૂરો ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી કે આપણે પ્રાપ્ત ન કરી શકીએ.
તેમણે ઉમેર્યુ કે, દરેક ગીતનો પોતાનો એક મૂળભાવ અને મુખ્ય સંદેશ હોય છે. આ વંદે માતરમનો વિષય ભારત માતા છે. માં ભારતીની ગુલામીના બંધનો તૂટશે અને તેના બાળકો જ તેના ભાગ્ય વિધાતા બનશે એવી કલ્પનાથી માં ભારતીની વંદના આ ગીતમાં થઈ છે.
એટલું જ નહિ, મૂળ સભ્યતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાના રક્ષણની પ્રેરણા માટે રચાયેલા આ ગીતથી હચમચી ગયેલી તત્કાલિન બ્રિટીશ સરકારે વંદે માતરમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે સમયે વંદે માતરમ ગાનારાઓને જેલમાં નાંખી દેવાતા તેમના પર કોરડા વિંઝવામાં આવતા હતા. આવા જૂલ્મો બાવજૂદ પણ વંદે માતરમ સ્વતંત્રતાનો જય ઘોષ અને લાખો દેશવાસીઓના સપનાના સમૃદ્ધ ભારતનો મંત્ર બની ગયો હતો એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ વંદે માતરમ ગીતમાં ભારત માતાની જળ, ફળ અને ધન-ધાન્યથી છલકતી, વિદ્યાદાયીની સરસ્વતી, સમૃદ્ધિ દાયીની માં લક્ષ્મી અને અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરનારી મા દુર્ગા તરીકેની જે ભક્તિ વંદના કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં વંદે માતરમ ગીતની રચનાથી લઈને 1950માં બંધારણ સભાએ આ ગીતને “જન ગણ મન” રાષ્ટ્ર ગીતની સમાન દરજ્જો આપ્યો ત્યાં સુધીના રોમાંચક ઈતિહાસની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની આઝાદી માટે અનેક નામી-અનામી સપૂતો વંદે માતરમનો નારો લગાવતાં લગાવતાં ફાસીને માંચડે ચડ્યા હતા અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ ગીતની પ્રેરણાથી દેશ વાસીઓમાં ભારત માતા માટે કુરબાન થઈ જવાની ભાવના અને ભારત ભક્તિ ઉજાગર થયા હતાં. આવા ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ભારતને ગુલામીથી આઝાદી મળી પરંતુ દશકો સુધી મા ભારતીનું યોગ્ય સન્માન અને ગૌરવ ઉપેક્ષિત થતા રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવા દાયિત્વ સંભાળતાં દેશ વાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ ચેતનવંતો થયો છે. તેમણે વિરાસતોનું આગવું સન્માન કર્યુ છે અને મારી માટી-મારો દેશ, હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી, હર ઘર તીરંગા – ઘર ઘર તીરંગા જેવા અભિયાનો સાથોસાથ હજારો વર્ષોની અટલ આસ્થા અને શ્રદ્ધાના પુન: જાગરણના સોમનાથ સ્વાભિમાન પર્વથી જન-જનમાં સાંસ્કૃતિક ચેતના પણ સુદ્રઢ કરી છે.
દુશમનોએ જ્યારે કાંકરીચાળો કર્યો ત્યારે ઓપરેશન સિંદૂરથી તેમને જડબાતોડ જવાબ “બહુબલ ધારિણી” “રિપુદલ વારિણી” ભારત માતાએ આપીને આપણી પરાક્રમની પરાકાષ્ટા વિશ્વ આખાને બતાવી દીધી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષની દેશવ્યાપી ઉજવણીથી દેશના મહાન નાયકોનું પૂણ્ય સ્મરણ અને ભારત માતાની વંદના કરવાનો આપણને પુન: અવસર આપ્યો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
“વંદે માતરમ એ ગાન નથી આપણી આન, બાન અને શાન છે. આઝાદીના મહાયજ્ઞની આહુતિ છે. રાષ્ટ્રભક્તિની આહલેક છે. વિકાસની સતત ધબકતી અણનમ ઓળખ છે. પ્રજા જીવનની દરેક પ્રભાતની પ્રબુદ્ધ ચેતનાનો સ્વર છે” એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની એક કાવ્ય રચનામાં વ્યક્ત કરેલી વંદે માતરમ પ્રત્યેની અટલ શ્રદ્ધા અને રાષ્ટ્ર ભાવનાનું પણ ગૌરવસહ સ્મરણ પણ મુખ્યમંત્રીશ્રીએ સભાગૃહમાં સભ્યોના વંદેમાતરમના નારાના ગુંજારવ સાથે કર્યું હતું.

