રાષ્ટ્રીય પરિસંવાદ, આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન

રાષ્ટ્રીય પરિસંવાદ, આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન


એકતાનગર, કેવડિયા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે

(જી.એન.એસ) તા. ૭

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ તથા ભારત પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તા.૧થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પરંપરાગત પૂજા અર્ચના, ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ, પ્રદર્શન, વેચાણ, જીવંત નિદર્શન, ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, જનજાતિય ગૌરવ રથયાત્રા, પુસ્તક વિમોચન તેમજ આદિજાતિ સમુદાયના વિકાસની યોજનાઓનો શુભારંભ તથા વિકાસ કાર્યોના લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આદિવાસી દેવ-દેવીઓની તથા ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત તેમજ વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા.

જનજાતિય ગૌરવ વર્ષ તથા ભારત પર્વની ઉજવણી નિમિત્તે વિશાળ એકતાનગર થીમ પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં તા.૧થી ૧૫ નવેમ્બર-૨૦૨૫ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર અને સંઘર્ષગાથાના પ્રદર્શનના માધ્યમથી તેમના અમૂલ્ય યોગદાનને વિવિધ રાજ્યોના પ્રવાસીઓને અવગત કરાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અન્વયે ૧૫ દિવસ દરમિયાન પરંપરાગત પીઠોરા ચિત્રકલા અને વારલી ચિત્રકલા સહિતની સમગ્ર દેશની જનજાતિઓની કલા સંસ્કૃતિનું પ્રદર્શન, આદિવાસી પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, આદિવાસી પરંપરાગત ખાદ્યબનાવટોનું પ્રદર્શન, વેચાણ તથા જીવંત નિદર્શન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર દેશમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયોનો વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જગવિખ્યાત છે. આ પર્વ નિમિત્તે આદિવાસીઓના સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્યસભર વારસાને ઉજાગર કરવા દરરોજ સાંજે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રખ્યાત આદિવાસી નૃત્યો પ્રદર્શિત કરવામાં આવે છે, તેમજ પરંપરાગત આદિજાતિ પોશાક અને પરંપરાગત નૃત્ય સંગીતના વાદ્યોનું નિદર્શન કરવામાં આવે છે.

આદિવાસીઓની વર્ષો જૂની પારંપરિક વનૌષધિય ચિકિત્સાપ્રણાલી વિખ્યાત છે. જનજાતિય ગૌરવ વર્ષ અને ભારત પર્વ નિમિત્તે આદિજાતિ વૈદ્ય-ભગતો દ્વારા પરંપરાગત આદિવાસી ચિકિત્સાપ્રણાલીનું જીવંત નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ યાત્રાને અનુલક્ષીને એકતાનગર ખાતે એક વિશેષ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી મહાનાયક ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાના સમગ્ર જીવનના વિવિધ પાસાઓને આવરીને તેમની રાષ્ટ્રીય ચળવળ, જીવન યશગાથા તેમજ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના ગૌરવપૂર્ણ યોગદાનના ઈતિહાસને પ્રતિકાત્મક રૂપે નાટકના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવશે.

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉત્સવને સમગ્ર આદિવાસી વિસ્તારમાં જન-જન સુધી પહોંચાડવા અને તેમાં નાગરિકોની સહભાગીદારી બની રહે તે હેતુસર અંબાજીથી એકતાનગર અને ઉમરગામ, વલસાડથી એકતાનગર સુધી બે રૂટમાં જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે તા. ૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી ખાતેથી તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉમરગામ, વલસાડથી લીલી ઝંડી આપીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વધુમાં, ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વિશાળ જનસમૂહ તથા ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર વર્ણવતા પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના વિકાસ યોજનાઓના શુભારંભ તથા વિકાસ કાર્યોના લોકાર્પણ પણ કરવામાં આવશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *