શિક્ષણ અને ધાર્મિકતાનો સંગમ: દીકરા જાગૃત મહેશભાઈ રીબડીયાની અદ્ભુત સિદ્ધિ
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દીકરા જાગૃત નું ગર્વભેર સન્માન કર્યું
(જી.એન.એસ) તા. 16
સુરત,
સુરતના નાની વેડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ધોરણ ૬ – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી જાગૃત મહેશભાઈ રીબડીયાએ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર જ્ઞાનની જ નહીં, પણ ધાર્મિકતા અને સંસ્કારોના સંગમની પ્રતીક છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્ વિધા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે દીકરા જાગૃતનું ગર્વભેર સન્માન કર્યું.
આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, જ્યાં શાસ્ત્રનો સાથ હોય અને ધાર્મિકતાનો આધાર મળે, ત્યાં શિક્ષણ માત્ર જ્ઞાન પ્રદાન કરતું નથી, તે સંસ્કારોની શિખર સુધી પહોંચાડે છે. ગુજરાતમાં શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે અને આજે ધાર્મિકતા સાથે ગર્વભેર દીકરા-દીકરીઓ તૈયાર થઈ રહ્યા છે. જાગૃતની આ સિદ્ધિ એ શિક્ષણ અને ધાર્મિકતાના સંગમનું એક ઉત્તમ ઉદાહરણ છે.
વધુમાં આ સિદ્ધિની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતના શિક્ષણતંત્રમાં નૈતિક મૂલ્યો અને ધાર્મિકતાનો સમાવેશ થઈ રહ્યો છે, જે આપણા યુવાનોને મજબૂત ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાન સાથે ઉચ્ચ શિખરો પર પહોંચાડશે.
આ અવસરે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જાગૃત મહેશભાઈ રીબડીયાની આ સિદ્ધિ માટે ગુરુકુલના પૂજ્ય સંતો, તેમના માતા-પિતા અને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ સિદ્ધિ ગુજરાતના શિક્ષણતંત્રમાં નવી ઊર્જા અને પ્રેરણા લાવશે તેવી આશા રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.