(જી.એન.એસ) તા. 16
ગાંધીનગર,
ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે.
68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, કુલ 36,71,449 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 19,84,730 પુરુષ, 19,01,410 સ્ત્રી મતદારો, 15 અન્ય મતદારો નોંધાયા છે, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું. આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં વોર્ડ નંબર-6 ન્યુ એરા હાઇસ્કૂલ બહાર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તા વચ્ચે મારામારીની ઘટના બની છે. એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકો J.K હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા સાણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા છે.
રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું છે. જો કે, તમામ બેઠકો પર મતદારોમાં નીરસતા જોવા મળી છે. દરમિયાન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મતદાનમાં નીરસતા જોવા મળી છે. જો કે, ઓછું મતદાન અમારી તરફેણમાં રહેશે. આ સાથે તેમણે વિશ્વાસ દાખવતા કહ્યું કે, ધોરાજી, ભાયાવદર ન.પા. ચૂંટણી અમે જીતી રહ્યા છીએ, જ્યારે ઉપલેટા, જસદણ, જેતપુરમાં રસાકસી છે.
ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો થયો હતો જેમાં વોર્ડ નંબર 4માં મતદાન મથક પર હંગામો થયો હતો. કર્મચારીઓ દ્વારા ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનો આક્ષેપ થયો હતો. પ્રિસાઈડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો વહેલી સવારથીજ પ્રારંભ થયો હતો, તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. ભાવનગરની તળાજા, સિહોર અને ગારીયાધાર નગરપાલિકાની 92 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. 3 તાલુકા પંચાયતની 5 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી. કુલ 1,118 કરતા વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા.
આણંદ, કરજણ અને સાણંદ-બાવળા નપાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. તમામ જગ્યાઓ પર મતદાન શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થયું છે સાથે જ પાલિકાનાં ઉમેદવારોનું ભાવિ હવે EVM માં સીલ થયું છે. વડોદરાની કરજણ નગરપાલિકામાં સરેરાશ 66.25 ટકા મતદાન નોંધાયું છે. 28 બેઠકનાં 85 થી વધુ ઉમેદવારોનું ભાવી EVM માં સીલ થયું છે. સાણંદ- બાવળા નપા ચૂંટણીમાં પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સાણંદ નગરપાલિકામાં સરેરાશ 58 ટકા મતદાન થયું છે. જ્યારે બાવળા નગરપાલિકામાં 59 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.
ધારાસભ્ય હીરા સોલંકીએ મતદાન કર્યું હતું. જાફરાબાદમાં વોર્ડ નં-6માં આવેલ તાલુકા શાળામાં પહોંચી મતદાન કર્યું. હીરા સોલંકી અને તેમના પત્ની સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા હીરા સોલંકીએ અપીલ કરી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઇ છે. 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી, 2.29 લાખ મતદારો 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ધોરાજી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન દરમિયાન ઉમેદવારનાં પિતાનું અવસાન થયું હતું. વોર્ડ નં. 8 નાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય કંડોરિયાનાં પિતાનું નિધન થયું હતું. મળતી માહિતી અનુસાર, મતદાન મથક પર હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. અજય કંડોરિયાનાં પિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા.
ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેમાં કન્યા શાળા મતદાન મથકે ઇવીએમ મશીનનું 11 નંબરનું બટન ન ચાલતું હોવાની મતદારોએ ફરિયાદ કરી હતી. ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ હતી. જેમાં સવારે 7 વાગ્યાથી મશીનમાં ખામી હોવાનો ભાજપ ઉમેદવારે આક્ષેપ કર્યો હતો. ત્યારે અધિકારીઓ દ્વારા ઇવીએમ મશીન બદલવામાં મોડું કરવામાં આવતા ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલી આપવામાં આવ્યું હતું.
નવસારીના બિલીમોરા નગરપાલિકામાં મતદાન શરૂ થતા જ EVMમાં ગડબડીના આક્ષેપ સાથે મતદાન અટક્યું હતું. જેમાં કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કર્યો હતો. તેઓએ કોંગ્રેસનું બટન ન દબાતું હોવાનો આરોપ મુક્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઇ મોટી ઘટના સર્જાઇ હતી. જેમાં જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર 1 પર ઇવીએમ ખોટવાતા મતદાન અટક્યું હતું. ત્યારે BLOએ EVM બદલવાની કામગીરી કરી હતી. જેમાં બીજું EVM પણ ખરાબ થઇ જતા મતદારોની લાઇન લાગી હતી. જે બાદ ત્રીજું EVM મૂકી ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
પંચમહાલના હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટકાયા હતા. બે બુથમાં બેલેટ યુનિટમાં ખામી સર્જાતા તેને બદલવામાં આવ્યા અને અંદાજે 20 મિનિટના સમય બાદ પુનઃ મતદાન શરૂ કરાયું. બીજી તરફ દાહોદની ઝાલોદ પાલિકામાં પણ EVM ખોટકાતા, 1 કલાક સુધી મતદાનની પ્રક્રિયા વિલંબમાં પડી. ખેડામાં પણ EVMને લઈને સમસ્યા સર્જાઈ. EVMમાં એક બટન દબાવવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ બાદ, EVM બદલવું પડ્યું. જો કે, મતદારોની રજૂઆત ન સાંભળ્યાનો પણ આરોપ લાગ્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ બે EVMમાં ખામી સર્જાઈ હતી. ટેકનિલક ખામીનું નિકારણ લાવ્યા બાદ, ફરી મતદાન શરૂ કરાયું. મતદાનની શરૂઆતમાં તાપીના સોનગઢમાં મોકપોલ દરમિયાન જ બે મશીન ખોટકાતા તેને બદલવાની ફરજ પડી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.