વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની રચના કરી :શ્રી આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 14
બનાસકાંઠા,
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનું અભિયાન આજે જન આંદોલન બન્યું છે. : વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે જરૂરી, રાજ્યપાલશ્રીના નેતૃત્વમાં ખેડૂતોને ઓપન યુનિવર્સિટી માફક ઘર આંગણે જ પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન મળે છે તે બાબત સરાહનીય
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજ, મોરીયા ખાતે ૧૦ હજાર જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ ૫૦ હજાર ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા.
મોરીયા ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરાવી છે. દેશમાં શરૂઆતમાં ૧૨ જેટલા ટ્રેનિંગ સેન્ટર બનશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ અંગે ટ્રેનિંગ અપાશે અને આ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાલીમ આપશે. ગુજરાત આજે પ્રાકૃતિક કૃષિમાં આગવું સ્થાન ધરાવે છે. રાજ્યમાં પાંચ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીની આ પહેલ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઇમાં મહત્વનું પરિબળ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાસાયણિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે વિદેશી અળસિયા – વર્મી કમ્પોસ્ટ થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો. ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. આ તમામ ખેતીમાં સૌથી ઓછા ખર્ચે અને વધુ ઉત્પાદન મેળવવા તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાસાયણિક ખાતર ૨૪ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત્ વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા, તોફાન, અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. તેમણે તાજેતરમાં અરબ દેશોમાં આવેલા પુર વિશે જણાવ્યું હતું. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલનના માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જીને આર્થિક સધ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું. આજે સરકારશ્રી અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરાયા છે, જેમાં ઓલાદ સુધારણા, કુત્રિમ બીજદાન ટેકનોલોજી, દેશી ગાય વાછરડા પાલન માટેની યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ બનાસ સૈનિક શાળાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી થાય છે. તેમણે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે.
પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ પ્રાકૃતિક કૃષિનું અભિયાન આજે જનઆંદોલન બન્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી ઘર આંગણે જ ઓપન યુનિવર્સિટી માફક મળી રહી છે. પ્રાકૃતિક ખેતી ગામડાની સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના વેચાણ માટે એક ચેન ઉભી કરવામાં આવશે, જ્યા ખેડૂતો પોતાની ખેત પેદાશોના વધુ ભાવ મેળવી શકશે તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી કાંતિભાઈ ખરાડી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખશ્રી પી.જે.ચૌધરી, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.