(જી.એન.એસ) તા.30
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે ‘મન કી બાત’ કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-
પ્રધાનમંત્રી (અંદારીકી ઉગાદી શુભકામક્ષલુ) – બધાને ઉગાદિ ઉત્સવની શુભકામનાઓ.
આગામી સંદેશ છે-
પ્રધાનમંત્રી (સૌંસર પદવ્યાચી પારબી) – સૌંસર પડવાની શુભકામનાઓ.
હવે બીજા એક પત્રમાં લખ્યું છે-
પ્રધાનમંત્રી (ગુડીપાડવ્ય નિમિત્ત હાર્દિક શુભેચ્છા) – ગુડી પડવા નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
અન્ય સંદેશમાં લખવામાં આવ્યું છે-
પ્રધાનમંત્રી (ઇલ્લાવરક્કુમ વિશુ અશમશાગલ) – સૌને વિશુ તહેવારની શુભકામનાઓ.
એક બીજો સંદેશ છે-
પ્રધાનમંત્રી (ઈન્ની પુટ્ટાંડ નલ્લા વાઝથુક્કલ) – બધાને નવા વર્ષની શુભકામનાઓ
સાથીઓ, તમે એ તો સમજી જ ગયા હશો કે અલગ-અલગ ભાષાઓમાં મોકલાયેલા સંદેશ છે. પરંતુ શું તમે તેનું કારણ જાણો છો? આ જ તો વિશેષ વાત છે, જે આજે મારે તમારી સાથે કરવી છે. આપણા દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આજે અને આગામી કેટલાક દિવસોમાં નવ વર્ષ શરૂ થઈ રહ્યાં છે અને આ બધા સંદેશ નવ વર્ષ અને વિભિન્ન પર્વોના અભિનંદનના છે. આથી જ મને અલગ-અલગ ભાષાઓમાં લોકોએ શુભકામનાઓ મોકલી છે.
સાથીઓ, આજે કર્ણાટકમાં, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ઉગાદિ પર્વને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. આજે જ મહારાષ્ટ્રમાં ગુડી પડવો મનાવવામાં આવી રહ્યો છે. વિવિધતા ભરેલા આપણા દેશમાં, અલગ-અલગ રાજ્યોમાં આગામી કેટલાક દિવસમાં આસામમાં ‘રોંગાલી બિહૂ’, બંગાળમાં ‘પોઇલા બોઈશાખ’, કાશ્મીરમાં ‘નવરેહ’નો ઉત્સવ મનાવવામાં આવશે. આ જ રીતે, 13થી 15 એપ્રિલ વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ધૂમ દેખાશે.
તેના કારણે પણ ઉત્સાહનું વાતાવરણ છે અને ઈદનો તહેવાર તો આવી રહ્યો જ છે. એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે, પર્વોનો છે. હું દેશના લોકોને આ તહેવારોના ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા આ તહેવારો ભલે અલગ-અલગ ક્ષેત્રોમાં હોય, પરંતુ તે બતાવે છે કે ભારતની વિવિધતામાં પણ કેવી એકતા પરોવાયેલી છે. આ એકતાની ભાવનાને આપણે નિરંતર મજબૂત કરીને ચાલવાનું છે.
સાથીઓ, જ્યારે પરીક્ષા આવે છે ત્યારે યુવાન સાથીઓની સાથે હું ‘પરીક્ષા પે ચર્ચા’ કરું છું. હવે પરીક્ષા સંપન્ન થઈ ચૂકી છે. ઘણી બધી શાળાઓમાં તો ફરીથી વર્ગ શરૂ થવાની તૈયારી થઈ રહી છે. તે પછી ઉનાળાની રજાઓનો સમય પણ આવવાનો છે. વર્ષના આ સમયની બાળકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. મને તો પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા જ્યારે હું અને મારા મિત્રો આખો દિવસ કંઈ ને કંઈ ઉધામા કરતા રહેતા હતા. પરંતુ સાથે જ અમે કંઈક કન્સ્ટ્રક્ટિવ પણ કરતા હતા, શીખતા પણ હતા. ગરમીના દિવસો લાંબા હોય છે, તેમાં બાળકો પાસે કરવા માટે ઘણું બધું હોય છે. આ સમય કોઈ નવો શોખ અપનાવવાની સાથે પોતાના હુનરને વધુ ઓપ આપવાનો પણ છે. આજે બાળકો માટે એવા પ્લેટફૉર્મની ખોટ નથી, જ્યાં તેઓ ઘણું બધું શીખી શકે છે. જેમ કે કોઈ સંસ્થા ટૅક્નૉલૉજી કેમ્પ ચલાવી રહી છે તો બાળકો ત્યાં ઍપ બનાવવાની સાથે ઑપન સૉર્સ સૉફ્ટવેર વિશે જાણી શકે છે. જો ક્યાંક પર્યાવરણની વાત હોય, થિયેટરની વાત હોય, કે લીડરશિપની વાત હોય, આવા ભિન્ન-ભિન્ન વિષયના કૉર્સ થતા રહે છે, તો તેની સાથે પણ જોડાઈ શકાય છે. એવી અનેક સ્કૂલ છે જ્યાં સ્પીચ અથવા તો ડ્રામા શીખવાડે છે જે બાળકોને ઘણું કામમાં આવે છે. તે બધા ઉપરાંત તમારી પાસે આ રજાઓમાં અનેક જગ્યાએ ચાલી રહેલી સ્વયંસેવક પ્રવૃત્તિઓ, સેવા કાર્યો સાથે પણ જોડાવાનો અવસર છે.
એવા કાર્યક્રમો અંગે મારો એક વિશેષ આગ્રહ છે. જો કોઈ સંગઠન, કોઈ શાળા કે સામાજિક સંસ્થાઓ કે પછી સાયન્સ સેન્ટર, એવી સમર ઍક્ટિવિટિઝ કરાવી રહ્યાં હોય તો તેને #MyHolidays સાથે જરૂર શૅર કરજો. તેનાથી દેશભરનાં બાળકો અને તેમનાં માતાપિતાને તેના વિશે સરળતાથી જાણકારી મળશે.
મારા યુવા સાથીઓ, હું આજે તમારી સાથે MY-Bharatના એ ખાસ કેલેન્ડરની પણ ચર્ચા કરવા ઈચ્છું છું જેને આ સમર વેકેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરની એક કૉપી અત્યારે મારી સામે રખાયેલી છે. હું આ કેલેન્ડરના કેટલાક અનોખા પ્રયાસોને જણાવવા માગું છું. જેમ કે MY-Bharatની સ્ટડી ટૂરમાં તમે એ જાણી શકો છો કે આપણાં ‘જન ઔષધિ કેન્દ્રો’ કેવી રીતે કામ કરે છે. તમે વાઈબ્રન્ટ વિલેજ અભિયાનનો હિસ્સો બનીને, સીમા પર આવેલા ગામોમાં એક અનોખો અનુભવ કરી શકો છો. તેની સાથે જ ત્યાં કલ્ચર અને સ્પૉર્ટ્સ
ક્ટિવિટિઝનો હિસ્સો જરૂર બની શકો છો. તો આંબેડકર જયંતી પર પદયાત્રામાં ભાગીદારી કરીને તમે સંવિધાનનાં મૂલ્યો અંગે જાગૃતિ પણ ફેલાવી શકો છો. બાળકો અને તેમનાં માતાપિતાને પણ મારો વિશેષ આગ્રહ છે કે તેઓ રજાના અનુભવોને #HolidayMemories ની સાથે જરૂર વહેંચે. હું તમારા અનુભવોને આગામી ‘મન કી બાત’માં સમાવવાનો પ્રયાસ કરીશ.
મારા પ્રિય દેશવાસીઓ, ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શહેર-શહેર, ગામ-ગામમાં, પાણી બચાવવાની તૈયારી શરૂ થઈ જાય છે. અનેક રાજ્યોમાં વૉટર હાર્વેસ્ટિંગ સાથે સંલગ્ન કામોએ, જળસંરક્ષણ સાથે જોડાયેલાં કામોએ નવી ગતિ પકડી છે. જળશક્તિ મંત્રાલય અને અલગ-અલગ સ્વયંસેવી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે.
દેશમાં હજારો કૃત્રિમ તળાવ, ચૅક ડૅમ, બૉરવેલ રિચાર્જ, કમ્યૂનિટી સૉક પિટનું નિર્માણ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ‘કેચ ધ રેઇન’ અભિયાન માટે કમર કસી લેવાઈ છે.આ અભિયાન પણ સરકારનું નહીં, પરંતુ સમાજનું છે, જનતા-જનાર્દનનું છે. જળસંરક્ષણ સાથે વધુમાં વધુ લોકોને જોડવા માટે જળ સંચય જન-ભાગીદારી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એવો જ છે કે જે પ્રાકૃતિક સંસાધનો આપણને મળ્યાં છે, તેને આપણે આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનાં છે.
સાથીઓ, વરસાદનાં ટીપાંઓને સંરક્ષિત કરીને આપણે ઘણું બધું પાણી વેડફાતા બચાવી શકીએ છીએ. ગત કેટલાંક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના અનેક હિસ્સાઓમાં જળ સંરક્ષણનાં અભૂતપૂર્વ કાર્યો થયાં છે. હું તમને એક રસપ્રદ આંકડો આપું છું. ગત 7- 8 વર્ષમાં નવી બનેલી ટાંકીઓ, તળાવો અને અન્ય વૉટર રિચાર્જ સ્ટ્રક્ચરથી 11 અબજ ક્યુબિક મીટરથી પણ વધુ પાણીનું સંરક્ષણ થયું છે. હવે તમે પૂછશો કે 11 અબજ ક્યુબિક મીટર પાણી કેટલું પાણી હોય છે?
સાથીઓ, ભાખડા નાંગલ બાંધમાં જે પાણી જમા થાય છે, તેની તસવીરો તો તમે અવશ્ય જોઈ હશે. આ પાણી ગોવિંદ સાગર તળાવનું નિર્માણ કરે છે. તે તળાવની લંબાઈ જ 90 કિલોમીટરથી અધિક છે. આ તળાવમાં પણ 9-10 અબજ ક્યુબિક મીટરથી વધુ પાણી સંરક્ષિત નથી થઈ શકતું. માત્ર 9-10 અબજ ક્યુબિક મીટર ! અને દેશવાસીઓએ પોતાના નાના-નાના પ્રયાસોથી, દેશના અલગ-અલગ ભાગોમાં 11 અબજ ક્યુબિક મીટર પાણીના સંરક્ષણની વ્યવસ્થા કરી દીધી છે – છે ને આ શાનદાર પ્રયાસ !
સાથીઓ, આ દિશામાં કર્ણાટકના ગડગ જિલ્લાના લોકોએ પણ એક રસ્તો ચીંધ્યો છે. કેટલાંક વર્ષ પહેલાં અહીંના બે ગામનાં તળાવો પૂરી રીતે સૂકાઈ ગયાં હતાં. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ત્યાં પશુઓને પીવા માટે પણ પાણી ન બચ્યું. ધીરે-ધીરે તળાવ ઘાસફૂસ અને ઝાડીઝાંખરાથી ભરાઈ ગયું. પરંતુ ગામના કેટલાક લોકોએ
તળાવને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો અને કામમાં લાગી ગયા. અને કહે છે ને કે ‘મન હોય તો માળવે જવાય’. ગામના લોકોના પ્રયાસો જોઈને આસપાસની સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ ગઈ. બધા લોકોએ મળીને કચરો અને કાદવ સાફ કર્યો અને કેટલાક સમય બાદ તળાવની જગ્યા એકદમ સાફ થઈ ગઈ. હવે લોકોને પ્રતીક્ષા છે વરસાદની ઋતુની. ખરેખર તે ‘કૅચ ધ રૅઇન’ અભિયાનનું જ્વલંત ઉદાહરણ છે. સાથીઓ, તમે પણ સામુદાયિક સ્તર પર આવા પ્રયાસો સાથે જોડાઈ શકો છો. આ જન-આંદોલનને આગળ વધારવા માટે તમે અત્યારથી યોજના અવશ્ય બનાવો, અને તમારે એક બીજી વાત યાદ રાખવાની છે- બની શકે તો ઉનાળામાં તમારા ઘરની આગળ માટલામાં ઠંડું જળ અવશ્ય રાખજો. ઘરની છત કે ઓસરીમાં પણ પક્ષીઓ માટે પાણી રાખજો. જોજો, આ પુણ્યનું કાર્ય કરીને તમને કેટલું સારું લાગશે.
સાથીઓ, ‘મન કી બાત’માં હવે વાત સાહસની ઉડાનની. પડકાર છતાં ધગશ બતાવવાની. કેટલાક દિવસ પહેલાં જ સંપન્ન થયેલા ‘ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ’માં એક વાર ફરી ખેલાડીઓએ પોતાની લગન અને પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ વખતે પહેલાથી વધુ ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો. તેનાથી ખબર પડે છે કે પેરા સ્પૉર્ટ્સ કેટલી લોકપ્રિય થઈ રહી છે. હું ‘ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ’માં ભાગ લેનારા બધા ખેલાડીઓને તેમના જ્વલંત પ્રયાસો માટે અભિનંદન પાઠવું છું. હરિયાણા, તમિળનાડુ અને ઉત્તર પ્રદેશના રમતવીરોને પહેલું, બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવું છું.
આ રમત દરમિયાન આપણા દિવ્યાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય વિક્રમો પણ સર્જ્યા. તેમાંથી 12 તો આપણી મહિલા ખેલાડીઓનાં નામે રહ્યા. આ વખતે ‘ખેલો ઇણ્ડિયા પેરા ગેમ્સ’માં ગૉલ્ડ મેડલ જીતનારા આર્મ રેસલર જૉબી મેથ્યૂએ મને પત્ર લખ્યો છે. હું તેમના પત્રના કેટલાક હિસ્સાને સંભળાવવા માગું છું. તેમણે લખ્યું છે-
“મેડલ જીતવો બહુ વિશેષ હોય છે, પરંતુ અમારો સંઘર્ષ માત્ર પૉડિયમ પર ઊભા રહેવા પૂરતો સીમિત નથી. અમે પ્રતિ દિન એક લડાઈ લડીએ છીએ. જીવન અનેક રીતે અમારી પરીક્ષા લે છે. બહુ ઓછા લોકો અમારા સંઘર્ષને સમજી શકે છે. તેમ છતાં, અમે સાહસ સાથે આગળ વધીએ છીએ. અમે પોતાનાં સપનાંને પૂરાં કરવામાં લાગી જઈએ છીએ. અમને એ વિશ્વાસ રહે છે કે અમે કોઈનાથી સહેજે ઉતરતા નથી.”
વાહ! જૉબી મેથ્યૂ તમે સુંદર લખ્યું છે, અદ્ભુત લખ્યું છે. આ પત્ર માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. હું જૉબી મેથ્યૂ અને આપણા બધા દિવ્યાંગ સાથીઓને કહેવા માગું છું કે તમારા પ્રયાસ અમારા માટે બહુ મોટી પ્રેરણા છે.
સાથીઓ, દિલ્લીમાં એક બીજા ભવ્ય આયોજને લોકોમાં બહુ પ્રેરણા આપી દીધી છે, જોશ ભરી દીધું છે. એક નવીન વિચારના રૂપમાં પહેલી વાર ફિટ ઈન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અલગ-અલગ ક્ષેત્રોના લગભગ 25 હજાર લોકોએ ભાગ લીધો. તે બધાનું એક જ લક્ષ્ય હતું- ફિટ રહેવું અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવી. આ આયોજનમાં ભાગ લેનાર લોકોને તેમના સ્વાસ્થ્યની સાથેસાથે પોષણ સાથે જોડાયેલી જાણકારીઓ પણ મળી. મારો આગ્રહ છે કે તમે તમારાં ક્ષેત્રોમાં પણ આ પ્રકારના કાર્નિવલનું આયોજન કરો.
આ પહેલમાં MY-Bharat તમારા માટે ઘણું સહાય રૂપ બની શકે છે.
સાથીઓ, આપણી સ્વદેશી રમતો હવે પૉપ્યૂલર કલ્ચરના રૂપમાં હળીમળી રહી છે. જાણીતા રૅપર હનુમાન કાઇન્ડને તો તમે બધા ઓળખતા જ હશો.આજકાલ તેમનું
નવું સૉંગ ‘રન ઇટ અપ’ ઘણું ફેમસ થઈ રહ્યું છે. તેમાં કલારિપયટ્ટૂ, ગતકા અને થાંગ-તા જેવી આપણી પારંપરિક માર્શલ આર્ટ્સને સમાવવામાં આવી છે. હું હનુમાન કાઇન્ડને અભિનંદન આપું છું કે તેમના પ્રયાસોથી આપણી પારંપરિક માર્શલ આર્ટ્સને દુનિયાના લોકો જાણી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, દર મહિને મને MyGov અને NaMo App પર તમારા ઢગલો સંદેશાઓ મળે છે. અનેક સંદેશ મારા મનને સ્પર્શી જાય છે તો કેટલાક ગર્વથી ભરી દે છે. ઘણી વાર તો આ સંદેશાઓમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અનોખી જાણકારી મળે છે. આ વખતે જે સંદેશે મારું ધ્યાન ખેંચ્યું, તેને હું તમારી સાથે વહેંચવા માગું છું. વારાણસીના અથર્વ કપૂર, મુંબઈના આર્યશ લીખા અને અત્રેય માને મારી તાજેતરની મૉરિશિયસ યાત્રા પર પોતાની ભાવના લખીને મોકલી છે. તેમણે લખ્યું છે- આ યાત્રા દરમિયાન ગીત ગવઈના પર્ફૉર્મન્સથી તેમને ઘણો આનંદ આવ્યો. પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા ઘણા બધા પત્રોમાં મને આવી જ ભાવુકતા જોવા મળી છે. મોરિશિયસમાં ગીત ગવઈના ઘણા સુંદર પર્ફૉર્મન્સ દરમિયાન મને ત્યાં જે અનુભૂતિ થઈ તે ખરેખર અદ્ભુત છે.
સાથીઓ, જ્યારે આપણે મૂળ સાથે જોડાયેલા રહીએ છીએ તો કેટલું પણ મોટું તોફાન કેમ ન આવે, તે આપણને ઉખાડી શકતું નથી. તમે કલ્પના કરો, લગભગ 200 વર્ષ પહેલાં ભારતથી અનેક લોકો ગિરમિટિયા મજૂર તરીકે મોરિશિયસ ગયા હતા.
કોઈને ખબર નહોતી કે આગળ શું થશે. પરંતુ સમયની સાથે તેઓ ત્યાં વસી ગયા- ભળી ગયા. મોરિશિયસમાં તેમણે પોતાની એક ઓળખ બનાવી. તેમણે પોતાના વારસાને સાચવીને રાખ્યો અને મૂળ સાથે જોડાયેલા રહ્યા. મોરેશિયસ એક માત્ર ઉદાહરણ નથી. ગયા વર્ષે જ્યારે હું ગુયાના ગયો હતો તો ત્યાંના ચૌતાલ પર્ફૉર્મન્સે મને ખૂબ પ્રભાવિત કર્યો હતો
તમે જરૂર વિચારી રહ્યા હશો કે આ તો આપણા દેશના કોઈ હિસ્સાની વાત છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનો સંબંધ ફિજી સાથે છે. આ ફિજીનું ખૂબ જ લોકપ્રિય ‘ફગવા ચૌતાલ’ છે. આ ગીત-સંગીત બધામાં જોશ ભરી દે છે. હું તમને વધુ એક ઑડિયો સંભળાવું છું.
#(Audio clip Surinam)#
આ ઑડિયો સૂરીનામનો ‘ચૌતાલ’ છે. આ કાર્યક્રમને ટીવી પર જોઈ રહેલા દેશવાસીઓ, સૂરીનામના રાષ્ટ્રપ્રમુખ અને મારા મિત્ર ચાન સંતોખીજીને તેનો આનંદ લેતા જોઈ શકે છે. બેઠક અને ગીતોની આ પરંપરા ટ્રિનિદાદ અને ટૉબેગોમાં પણ ઘણી લોકપ્રિય છે. આ બધા દેશોમાં લોકો રામાયણ ખૂબ વાંચે છે. ત્યાં ફગવા ઘણું લોકપ્રિય છે અને બધા ભારતીયો પર્વ-તહેવારો ખૂબ જ ઉત્સાહ સાથે મનાવે છે. તેમનાં અનેક ગીતો ભોજપુરી, અવધિ અથવા મિશ્રિત ભાષામાં હોય છે. ક્યારેક-ક્યારેક વ્રજ અને મૈથિલીનો પણ ઉપયોગ થાય છે. આ દેશોમાં આપણી પરંપરાઓને સાચવી રાખનારા બધા લોકો પ્રશંસાને પાત્ર છે.
સાથીઓ, દુનિયામાં એવા અનેક સંગઠનો પણ છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિને સંરક્ષિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આવું જ એક સંગઠન છે – ‘સિંગાપુર ફાઇન આર્ટ્સ સૉસાયટી’. ભારતીય નૃત્ય, સંગીત અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવામાં લાગેલા આ સંગઠને પોતાનાં ગૌરવશાળી ૭૫ વર્ષ પૂરાં કર્યાં છે. આ અવસર સાથે જોડાયેલા કાર્યક્રમમાં સિંગાપુરના રાષ્ટ્રપ્રમુખ શ્રીમાન થર્મન શનમુગરત્નમજી ગૅસ્ટ ઑફ ઑનર હતા. તેમણે આ ઑર્ગેનાઇઝેશનના પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી. હું આ ટીમને મારી ઘણી શુભકામનાઓ આપું છું.
સાથીઓ, ‘મન કી બાત’માં આપણે દેશવાસીઓની ઉપલબ્ધિઓની સાથે ઘણી વાર સામાજિક વિષયોની વાત પણ કરીએ છીએ. અનેક વાર પડકારો પર પણ ચર્ચા થાય છે. આ વખતે ‘મન કી બાત’માં હું, એક એવા પડકાર વિશે વાત કરવા માગું છું, જે આપણા બધા સાથે સીધો જોડાયેલો છે. આ પડકાર છે – ‘ટૅક્સ્ટાઇલ વૅસ્ટ’નો. તમે વિચારી રહ્યા હશો, આ ‘ટૅક્સ્ટાઇલ વૅસ્ટ’ વળી કોઈ નવી બલા છે કે શું? વાસ્તવમાં, ટૅક્સ્ટાઇલ વૅસ્ટ સમગ્ર દુનિયા માટે નવી ચિંતાનું કારણ બની ગયો છે. આજકાલ દુનિયાભરમાં જૂના કપડાંને જલ્દીમાં જલ્દી હટાવીને નવાં કપડાં લેવાનું ચલણ વધી રહ્યું છે. શું તમે વિચાર્યું છે કે જે જૂનાં કપડાં તમે પહેરવાનું છોડી દો છો, તેનું શું થાય છે? તે ટૅક્સ્ટાઇલ વૅસ્ટ બની જાય છે. તે વિષયમાં ઘણું બધું સંશોધન વિશ્વભરમાં થઈ રહ્યું છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર એક ટકાથી પણ ઓછા ટૅક્સ્ટાઇલ વૅસ્ટને રિસાઇકલ કરવામાં આવે છે. એક ટકાથી પણ ઓછું ! ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ ટૅક્સ્ટાઇલ વૅસ્ટ નીકળે છે. એટલે કે પડકાર આપણી સામે પણ ઘણો મોટો છે. પરંતુ મને આનંદ છે કે આપણા દેશમાં આ પડકાર સામે લડવા માટે અનેક પ્રશંસનીય પ્રયાસો થઈ રહ્યા છે.
અનેક ભારતીય સ્ટાર્ટ અપ્સે ટૅક્સ્ટાઇલ રિકવરી ફેસિલિટીઝ પર કામ શરૂ કર્યું છે. અનેક એવી ટીમ છે, જે કચરો વીણનારા આપણાં ભાઈ-બહેનોના સશક્તિકરણ માટે પણ કામ કરી રહી છે. અનેક યુવા સાથી સસ્ટેનેબલ ફેશનના પ્રયાસોમાં લાગેલા છે. ટૅક્સ્ટાઇલ વૅસ્ટથી સજાવટની ચીજો, હૅન્ડબૅગ, સ્ટેશનરી અને રમકડાં જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. અનેક સંસ્થાઓ આજકાલ ‘સર્ક્યુલર ફૅશન બ્રાન્ડ’ને પૉપ્યૂલર બનાવવામાં લાગેલી છે. નવા-નવા રૅન્ટલ પ્લેટફૉર્મ પણ ખુલી રહ્યા છે જ્યાં ડિઝાઇનર કપડાં ભાડાં પર મળી જાય છે. કેટલીક સંસ્થાઓ જૂનાં કપડાં લઈને તેને ફરી વાર પહેરવા લાયક બનાવે છે અને ગરીબો સુધી પહોંચાડે છે.
સાથીઓ, ટૅક્સ્ટાઇલ વૅસ્ટની સામે લડવામાં કેટલાંક શહેર પણ પોતાની નવી ઓળખ બનાવી રહ્યાં છે. હરિયાણાનું પાણીપત ટૅક્સ્ટાઇલ રિસાઇકલિંગના ગ્લૉબલ હબના રૂપમાં ઉભરી રહ્યું છે. બેંગ્લુરુ પણ ઇન્નૉવેટિવ ટૅક્ સૉલ્યૂશન્સથી પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. અહીં અડધાથી વધુ ટૅક્સ્ટાઇલ વૅસ્ટને એકત્ર કરવામાં આવે છે, જે આપણા બીજાં શહેરો માટે પણ દૃષ્ટાંતરૂપ છે. આ જ રીતે તમિળનાડુનું તિરુપુર, વૅસ્ટ વૉટર ટ્રીટમેન્ટ અને રિન્યૂઍબલ ઍનર્જીના માધ્યમથી ટૅક્સ્ટાઇલ વૅસ્ટ મેનેજમેન્ટમાં લાગેલું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ફિટનેસની સાથોસાથ કાઉન્ટની મોટી ભૂમિકા થઈ ગઈ છે. એક દિવસમાં તમે કેટલાં સ્ટેપ્સ ચાલ્યાં તેની કાઉન્ટ, એક દિવસમાં કેટલી કેલેરિઝ ખાધી તેની કાઉન્ટ, કેટલી કેલરિઝ બર્ન કરી તેની કાઉન્ટ, આટલી બધી કાઉન્ટની વચ્ચે, એક બીજું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે. ઇન્ટરનેશનલ યોગ ડૅનું કાઉન્ટડાઉન. યોગ દિવસમાં હવે સો દિવસથી પણ ઓછો સમય રહી ગયો છે.
જો તમે તમારા જીવનમાં હજુ સુધી યોગને સમાવિષ્ટ નથી કર્યું તો તમે અવશ્ય કરી લેજો. હજુ મોડું નથી થયું. 10 વર્ષ પહેલાં 21 જૂન 2015ના દિને પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. હવે તો આ દિવસે યોગના એક વિરાટ મહોત્સવનું રૂપ લઈ લીધું છે. માનવતાને ભારતની તરફથી આ એક એવો અણમોલ ઉપહાર છે, જે ભવિષ્યની પેઢીને ખૂબ જ કામ આવશે. વર્ષ 2025ના યોગ દિવસનો થીમ રખાયો છે- ‘Yoga for One Earth One Health’. એટલે કે આપણે યોગ દ્વારા પૂરા વિશ્વને સ્વસ્થ બનાવવાની કામના કરીએ છીએ.
સાથીઓ, આપણા માટે ગર્વ કરનારી બાબત છે કે આજે આપણા યોગ અને ટ્રેડિશનલ મેડિસિન અંગે સમગ્ર દુનિયામાં જિજ્ઞાસા વધી રહી છે. મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદને વેલનેસનું એક શ્રેષ્ઠ માધ્યમ માનીને તેને અપનાવી રહ્યા છે. હવે જેમ કે દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી જ લો. ત્યાં આયુર્વેદ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. ગત વર્ષે હું બ્રાઝિલની યાત્રા દરમિયાન ચીલીના રાષ્ટ્રપ્રમુખને મળ્યો હતો. આયુર્વેદની આ પૉપ્યૂલારિટી અંગે અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. મને સૉમોસ ઇણ્ડિયા નામની ટીમ વિશે જાણવા મળ્યું છે. સ્પેનિશમાં તેનો અર્થ થાય છે – We are India. આ ટીમ લગભગ એક દાયકાથી યોગ અને આયુર્વેદને ઉત્તેજન આપવામાં લાગેલી છે. તેનું ધ્યાન ટ્રીટમેન્ટની સાથોસાથ એજ્યુકેશનલ પ્રૉગ્રામ્સ પર પણ છે. તેઓ આયુર્વેદ અને યોગ સાથે સંબંધિત જાણકારીઓને સ્પેનિશ ભાષામાં અનુવાદિત પણ કરાવી રહ્યા છે. કેવળ ગત વર્ષની જ વાત કરીએ તો, તેના અલગ-અલગ ઇવેન્ટ્સ અને કૉર્સીસમાં લગભગ ૯ હજાર લોકોએ ભાગ લીધો હતો. હું આ ટીમ સાથે જોડાયેલા બધા લોકોને તેમના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં હવે એક ચટપટો, અટપટો પ્રશ્ન. તમે ક્યારેય ફૂલોની યાત્રા વિશે વિચાર્યું છે? છોડ-ઝાડથી નીકળેલાં કેટલાંક ફૂલોની યાત્રા મંદિરો સુધી થાય છે. કેટલાંક ફૂલો ઘરને સુંદર બનાવે છે, કેટલાંક અત્તરમાં ભળીને ચારેકોર સુગંધ પ્રસરાવે છે. પરંતુ આજે હું તમને ફૂલોની એક બીજી યાત્રા વિશે જણાવીશ. તમે મહુઆનાં ફૂલો વિશે જરૂર સાંભળ્યું હશે. આપણાં ગામો અને વિશેષ તો આદિવાસી સમુદાયના લોકો તેના મહત્ત્વ વિશે સારી રીતે જાણે છે. દેશના અનેક હિસ્સામાં મહુઆનાં ફૂલોની યાત્રા હવે નવા રસ્તા પર નીકળી પડી છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુઆનાં ફૂલોમાંથી કૂકિઝ બનાવવામાં આવે છે. રાજાખોહ ગામની ચાર બહેનોના પ્રયાસથી આ કૂકિઝ ઘણાં લોકપ્રિય થઈ રહ્યાં છે. આ મહિલાઓની ધગશ જોઈને એક મોટી કંપનીએ તેમને ફૅક્ટરીમાં કામ કરવા માટેની ટ્રેઇનિંગ આપી. તેનાથી પ્રેરિત થઈને ગામની અનેક મહિલાઓ તેમની સાથે જોડાઈ ગઈ છે. તેમના દ્વારા બનાવાયેલાં મહુઆ કૂકિઝની માગ ઝડપથી વધી રહી છે. તેલંગણાના આદિલાબાદ જિલ્લામાં પણ બે બહેનોએ મહુઆનાં ફૂલોમાંથી નવો પ્રયોગ કર્યો છે. તેઓ તેમાંથી અલગ-અલગ પ્રકારનાં પકવાનો બનાવે છે, જેમને લોકો ખૂબ જ પસંદ કરે છે. તેમનાં પકવાનોમાં આદિવાસી સંસ્કૃતિની મીઠાશ પણ છે.
સાથીઓ, હું તમને એક બીજા સરસ ફૂલ વિશે જણાવવા માગું છું અને તેનું નામ છે ‘કૃષ્ણ કમળ’. શું તમે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જોવા ગયા છો? સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની આસપાસ તમને આ કૃષ્ણ કમળ મોટી સંખ્યામાં દેખાશે. આ ફૂલ પર્યટકોનું મન મોહી લે છે. આ કૃષ્ણ કમળ એકતા નગરમાં આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફૉરેસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યાં છે.
અહીં યોજનાબદ્ધ રીતે લાખોની સંખ્યામાં કૃષ્ણ કમળના છોડ લગાવવામાં આવ્યા છે. તમે પણ તમારી આસપાસ જોશો તો તમને ફૂલોની રસપ્રદ યાત્રા દેખાશે. તમે તમારા ક્ષેત્રમાં ફૂલોની આવી અનોખી યાત્રા વિશે મને પણ લખજો.
મારા પ્રિય સાથીઓ, તમે મને હંમેશાંની જેમ પોતાના વિચાર, અનુભવ અને માહિતી આપતા રહ્યા છો, બની શકે કે તમારી આસપાસ કંઈક એવું થઈ રહ્યું હોય જે સામાન્ય લાગે, પરંતુ બીજા માટે તે વિષય ઘણો રોચક અને નવો હશે. આગામી મહિને આપણે ફરી મળીશું અને દેશવાસીઓની એ વાતોની ચર્ચા કરીશું જે આપણને પ્રેરણાથી ભરી દે છે. તમારો સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.