મંત્રીશ્રી કુંવરજી બાવળીયા – Gujarati GNS News

મંત્રીશ્રી કુંવરજી બાવળીયા – Gujarati GNS News


(જી.એન.એસ) તા. ૧૨

ગાંધીનગર,

ગુજરાતના યુવાનોને ગ્લોબલ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિડિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NAMTECH, ટાટા IIS, જસ્ટ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો (વડનગર) અને IACE જેવા અગ્રણી ઉદ્યોગો સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સરકાર, ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓ વચ્ચેનો આ ત્રિવેણી સંગમ ગુજરાતના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. 

રાજ્યના યુવાનોને આધુનિક અને વૈશ્વિક કક્ષાની તાલીમ પૂરી પાડવા માટે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે દેશના અગ્રણી ઉદ્યોગ સમૂહો સાથે સમજૂતી કરાર-MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મંત્રી શ્રી બાવળીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, આ MoU અંતર્ગત ૧૭ થી ૨૫ વર્ષની વયના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય ધોરણો મુજબ તાલીમ, ક્ષમતાવર્ધક અને સપર્ધાત્મક તૈયારીઓ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યુવાનોને આધુનિક ટેકનિકલ માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમજૂતી કરાર અંતર્ગત પસંદગી થયેલા ઉમેદવારો માટે અદ્યતન તકનીકી, પ્રાયોગિક તાલીમ, નિષ્ણાત મેન્ટરશીપ, મોક એસેસમેન્ટ તેમજ ઉદ્યોગોની શ્રેષ્ઠ કામગીરીનો પરિચય કરાવવામાં આવશે. રાજ્યના પ્રતિભાશાળી યુવાનો ‘ઇન્ડિયા સ્કીલ્સ’, ‘વર્લ્ડ સ્કીલ્સ’ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી શકે તે માટે તેમને ખાસ ‘નર્ચરિંગ’ અને મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે.

વર્ષ ૨૦૧૭થી કાર્યરત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન-GSDM દ્વારા જિલ્લા અને રાજ્ય સ્તરે ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓના સહયોગથી વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ MoUથી ઉદ્યોગોની ભાગીદારી વધુ સક્રિય બનશે અને રાજ્યના પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક મંચ પર પોતાની કૌશલ્ય પ્રતિભા પ્રદર્શિત કરવાની વધુ તકો મળશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *