રોડ-રસ્તા,જમીન, સ્વચ્છતા, આરોગ્ય તથા વીજળી સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનો કરાયા
પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેકટર: બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી,મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ રસ્તા, ગટર, સ્વચ્છતા, આરોગ્ય, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા.