પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ઉતરશે મેદાનમાં ઉતરશે: ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા થકી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે. ત્યારે રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાનું સંગઠન માળખાની રચના કરાઈ હતી.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બનાસકાંઠાની બેઠકને લઈને પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓની ઉપસ્થિતિમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાસકાંઠાના માળખાની રચના કરાઈ હતી. જ્યાં પ્રદેશ પ્રમુખ દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહની હાજરી માં જિલ્લા પ્રમુખ તરીકે ધાનેરાના દોલાભાઈ ચૌધરીની વરણી કરાઈ હતી. આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત સહિત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓને લઈને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય બની છે. જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મેદાને ઉતરી પ્રજાની વેદનાને વાચા આપશે.
દારૂબંધી કાગળ પર:-શંકરસિંહ વાઘેલા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની અને કાગળ પર હોવાનો દાવો કરતા પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગામેગામ દારૂની પોટલી ઓ મળે છે. દારૂબંધીથી સરકારને નુકસાન થાય છે. જ્યારે બુટલેગરો અને નેતાઓના ખિસ્સા ભરાય છે. ત્યારે દારૂબંધી હટાવી વૈજ્ઞાનિક પદ્ધતિએ મંજૂરી આપવાની તરફેણ કરી હતી. તેઓએ શિક્ષણ અને આરોગ્ય મફતમાં પૂરું પડવાની માંગ કરતા ભાજપના રાજમાં નકલીઓની ભરમાર વચ્ચે પ્રજા નિર્ભય બની અવાજ ઉઠાવે તેવો અનુરોધ કર્યો હતો.
બાપુ કોને તારશે? કોને ડુબાડશે કે ખુદ ડૂબશે? ભાજપ-કોંગ્રેસ, રાજપા બાદ ઢળતી ઉંમરે રાજનીતિમાં સક્રિય બનેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને મેદાનમાં આવ્યા છે. તેઓ જિલ્લા-તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જંગે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓનો વધુ એક અખતરો ભાજપ કે કોંગ્રેસ કોને તારશે કે કોને ડુબાડશે? કે પછી ખુદ ડૂબી જશે? તેને લઈને રાજકીય ગલીયારાઓમાં ચર્ચા તેજ થઈ છે. જોકે, તેઓનો આ અખતરો કેટલો કારગત નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.