બેરીકેટિંગ હટાવવામાં નહીં આવે તો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ નજીક રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે.અને રસ્તા પહોળા કરવાની આ કામગીરીમાં તંત્ર દ્વારા હાઇવેની ચારે તરફ બેરીકેટિંગ કરવામાં આવી રહ્યું છે.જોકે અમદાવાદ હાઈવે પર બ્રિજ નજીક બેરીકેટીંગ તો કરી દેવાયુ પરંતુ આ બેરીકેટીંગ કરાતા હવે અમદાવાદ હાઈવે પર આવેલી અનેક સોસાયટીના લોકોને હાઇવે પર આવવાનો રસ્તો બંધ થયો છે. તેને કારણે સ્થાનિકો આકરા પાણીએ આવ્યા છે. ત્યારે સ્થાનિકોએ હાઇવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કરી આ બેરીકેટિંગ દૂર કરવા માંગ કરી છે અને જો આ બેરીકેટિંગ નહિ દૂર કરાય તો આંદોલન સહીત હાઇવે ચક્કાજામની ચીમકી ઉચારી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા છેલ્લા કેટલાક સમયથી લોકો માટે માથાના દુખાવા સમાન બની હતી. ત્યારે હવે આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા તંત્ર દ્વારા એરોમા સર્કલ પર આવેલું વિશાળ ગાર્ડન ધારી સર્કલ દૂર કરવામાં આવ્યું છે અને હવે તે બાદ તંત્ર દ્વારા એરોમા સર્કલની ચારે તરફના માર્ગો પર ઠેર ઠેર બેરીકેટિંગ કરી સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.
જોકે અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરીકેટિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે આ હાઇવે પર અનેક સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીના રહીશો આ માર્ગ પરથી સીધા હાઇવે રોડ પર જઈ શકતા પરંતુ હવે બેરીકેટિંગ મૂકી આ માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. જેને લઇ સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત તો કરાઇ પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો આખરે સ્થાનિકોએ હાઇવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરીકેટિંગ મુકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.