(જી.એન.એસ) તા. 21
નવી દિલ્હી,
દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટી સંગઠનાત્મક ફેરફારો કરી નેતૃત્વમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી(PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને છત્તીસગઢમાં પણ પોતાનો વિસ્તાર કરવા માંગે છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત અને છત્તીસગઢમાં પોતાનું સંગઠન મજબૂત કરે તો ભાજપ કરતાં પહેલા કોંગ્રેસને ઝટકો લાગે, કારણ કે બંને રાજ્યમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી દળ છે, પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવ્યા છે. જ્યારે સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ પદની જવાબદારી મહારાજ મલિકને સોંપવામાં આવી છે.આ બેઠકમાં સંગઠનના મહાસચિવ સંદીપ પાઠક, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદો એનડી ગુપ્તા અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આપ દ્વારા આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હવે પાર્ટીની સામે પંજાબને બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનીષ સિસોદિયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મનીષ સિસોદિયા પંજાબમાં ખૂબ જ સક્રિય હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.