વિજ્ઞાન જાથા દ્વારા તાંત્રિક વિદ્યા વડે લોકોને ભરમાવતા વધુ એક ભુવાજીનો પર્દાફાશ: વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ફેલાવતા એક વિકલાંગ ભુવાજીને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરાના ઝાપટપુરા વિસ્તારમાંથી આબાદ ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા હતા.જ્યાં ભુવાજીએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લોકોને અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી છેતરપિંડી આચરતા ભુવાજીઓનો રાફડો ફાટ્યો છે. ગાડીઓમાં ફરતા અને સોનાની ચેનો તથા વીંટીઓ પહેરીને માતાજીના નામે દાન માંગતા ભૂવાઓ જાહેરમાં ભૂવા ભોપાળા કરે છે.એટલું જ નહીં, જિલ્લાભરમાં ઘણા વિસ્તારોમાં ભૂવાજીઓના વીડિયો પણ અવારનવાર વાયરલ થાય છે.
પરંતુ સોશિયલ મીડિયામાં પણ કોઈ મગનું નામ મરી પાડતું નથી ત્યારે સમગ્ર રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે ઉમદા કામગીરી કરતા રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત બી.પંડ્યાને કાંકરેજ તાલુકાના થરામાં એક વિકલાંગ વ્યક્તિ પોતે ભુવા ભોપાળાં કરે છે એવી ખાનગી રાહે માહિતી મળી હતી.જેથી તેઓ ટીમ સાથે સ્થળ ઉપર દોડી જઇને આકસ્મિક તપાસ કરતાં ભુવાજી વાઘાભાઈ સુથારને ઝડપી લેવામાં સફળતા મળી હતી.જેને પકડીને થરા પોલીસ મથકે લઈ જવાયો હતો.જ્યાં તેણે ખોટું કરતો હોવાનું જણાવી માફી માંગી લીધી હતી.તેથી તેની સામે કોઈ ગુનો નોંધાયો નથી પણ વિજ્ઞાન જાથાની કામગીરીને લોકોએ ભરપેટ બિરદાવી છે.જ્યારે લેભાગુ ભુવાજીઓમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના ડાકલા: બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે. તેથી બની બેઠેલા ભુવાજીઓ યેનકેન પ્રકારે લોકોને છેતરે છે.જેના પગલે ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવ્યો છે. તેમ છતાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ટાળવાનો દાવો કરતા લેભાગુ ભુવાજીઓ લોકોને શીશામાં ઉતારતાં રહે છે.જેના અવનવા કિસ્સા મીડિયામાં ચમકતા રહે છે. તેમ છતાં શિક્ષિત લોકો પણ તેમની માયાજાળમાં સપડાય છે. તેથી લેભાગુ ભુવાજીઓનો ધંધો ધમધમતો રહે છે.જ્યારે સાચા ભુવાજીઓ બદનામ થાય છે.