ગરીબ અને નિસહાય લોકોના દબાણ દૂર કરાતા રોષ: ડીસાના જુના શાકમાર્કેટ નજીક શાકભાજી વેચવા રોડ ઉપર બેસતા પાથરણા વાળાના કારણે દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામ થતા આ રોજિંદી સમસ્યા વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. ત્યારે આ મામાલે પાલિકા દ્વારા મંગળવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને આ વિસ્તારના મોટાભાગના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જોકે દબાણની આ કામગીરી સામે સ્થાનિક પાથરણા વાળા ગરીબ અને જરૂરિયાત મન્દ લોકોમાં નારાજગી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રેંકડી ઉપર અને પાથરણા ઉપર બેસી રોજગારી મેળવતા મોટાભાગના લોકો ગરીબ છે તેમાંય કેટલીક મહિલાઓ વિધવા અને નિસહાય છે અને માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે તેવા સમયે પાલિકા દ્વારા આ દબાણો હટાવાતા આ ગરીબ અને જરૂરિયાત મન્દ લોકોની આજીવીકા છીનવાઈ ગઈ છે.તેથી તેમના પરિવારને ભૂખે મરવાનો વારો આવ્યો છે. તેથી પાલિકા સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
વેપારીઓ અને વાહન ચાલકોની રજૂઆતના પગલે કાર્યવાહી: આ મામલે પાલિકાના દબાણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા રોજિંદી છે કેમ કે અહીં મુખ્ય બજાર આવેલા છે અને આ મુખ્ય રોડ ઉપર સૌથી વધુ અવર જવર હોય છે અને તેમાંય આ પાથરણા અને લારીઓ વાળા વહેલી સવારથી અહીં રોડ ઉપર અડિંગો જમાવી દેતા હોય છે અને રોડ ઉપર આવી જતા દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે જોકે આ સમસ્યા મામલે સ્થાનિક બજારના વેપારીઓ અને વાહન ચાલકોની રજૂઆતના કારણે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.