(જી.એન.એસ) તા. 11
જુનાગઢ,
જૂનાગઢ મનપાની ચૂંટણી માં હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ઓળખાતી વોર્ડ નંબર 9 ની સીટ, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે. અહીંથી દિગ્ગજ ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડી રહ્યા છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા તેમના રાજકીય પદાર્પણની શરૂઆત થઇ રહી છે. પાર્થ કોટેચા મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની જીત વિકાસના એજન્ડા પર આધારિત હોવાનો દાવો કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેમને ભવનાથ અને મા આંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ સાથે તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી. નડ્ડા, સી.આર.પાટિલ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નેતાઓ,આગેવાનોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરાંત, તેમણે પર્યટન વિસ્તારના વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે વધુ પ્રવાસીઓ આ વિસ્તાર તરફ આકર્ષાય, જેથી ક્ષેત્રની ગતિશીલતા વધે. તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર માત્ર જૂનાગઢની જનતા માટે જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના મુલાકાતીઓ માટે પણ મહત્વ ધરાવે છે, અને ભાજપનો લક્ષ્ય વિસ્તારને વધુ વિકસિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.