રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ પછી સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. થોડી જ વારમાં આગ લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં પહોંચી ગઈ. 40 જેટલા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આખો વિસ્તાર આગ, જ્વાળાઓ અને વિસ્ફોટોના અવાજોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.
આ અકસ્માત અજમેર હાઈવે પર ડીપીએસ સ્કૂલની નજીક થયો હતો. સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થતાં જ નજીકથી પસાર થતા ડઝનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. એક પેસેન્જર બસમાં પણ આગ લાગી હતી. ફાયર વિભાગની 20 ગાડીઓ સ્થળ પર હાજર છે. 30થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડની 20 ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સીએમ ભજનલાલ શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની જાણકારી લીધી. ઉચ્ચ અધિકારીઓને મળ્યા બાદ મુખ્યમંત્રીએ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોની ખબર પણ પૂછી હતી.