ભારત માલા જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ વળતરની માગણી માટે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા ડીસા પ્રાંત અધિકારી અને જમીન સંપાદન અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભારત માલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી અમદાવાદ 213 કી.મી. નવીન હાઈવે માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે. જેમાં બનાસકાંઠાને બાદ કરતાં બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે.જ્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન એવોર્ડની પ્રક્રિયા ચાલુ હોઈ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે.
બનાસકાંઠાના મોટાભાગના ગામોમાં ખેડૂતો ત્રણેય સિઝન વાવેતર કરે છે તથા જમીનના ભાવો પણ ઘણા ઊંચા હોઇ મળતા વળતરથી ખેડૂત પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી. વળી નવીન કોરિડોરના કારણે તથા નવીન જંત્રી મુસદાના કારણે પણ આજુબાજુના ગામોમાં જમીનના ભાવ આસમાને બોલાઈ રહ્યા છે .જેના કારણે પુનઃવસન અશક્ય બનશે જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી કરી તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાના શાંત ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી પોતાનો હક મેળવશે તે અંગે રજુઆત કરી આજે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.