ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ, જૂનમાં 11 ઈંચ વરસતાં સિઝનનો આશરે 32% વરસાદ નોંધાયો
(જી.એન.એસ) તા. 30
ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
ચોમાસાની સારી શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે, વાવણી લાયક વરસાદ વરસતા તેઓ પણ ઝૂમી ઉઠયા છે.
પંચમહાલના પાનમ, મોરવા હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમનો એક ગેટ ખોલી 3747 ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું છે. નદી કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરાયા છે.
પાનમ ડેમ અને હડફ ડેમના ઉપરવાસ માંથી પાણીની હાલ આવક હોવાથી તબક્કા વાર જળાશયમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે.પાનમ નદી અને હડફ નદીમાં જળાશયમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને તેને પગલે પાનમ ડેમમાં સતત પાણીની આવક ચાલું રહી છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પંચમહાલના પાનમ ડેમ અને મોરવા હડફ ડેમમાં પાણીની આવક થઈ હતી. પાનમ ડેમનો એક ગેટ ખોલી 3747 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે હડફ ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.


