ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯૧૯૨ યાત્રાળુંઓએ લીધી મુલાકાત

ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯૧૯૨ યાત્રાળુંઓએ લીધી મુલાકાત


મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં ૨૨૩૫ ગુજરાતી યાત્રિકોએ મેળવ્યો ઉતારો

ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું

(જી.એન.એસ) તા. 13

પ્રયાગરાજ / ગાંધીનગર,

તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઉભી કરવામાં આવેલી રહેવાની સુવિધાનો ૨૨૩૫ લોકોએ લાભ લીધો છે. આટલા ગુજરાતી યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો હતો.

મહાકુંભમાં સેક્ટર – ૬માં નાગવાસુકી મંદિરથી નજીક ભારદ્વાજ માર્ગ ઉપર ૩૩૦૦૦ ચોરસ ફૂટ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મહાકુંભમાં આવતા યાત્રિકોને મળી રહે તે હેતુ ધાર્મિક પ્રવાસન, હેરીટેજ પ્રવાસન તથા રાષ્ટ્રીય સિંહ અભયારણ્ય જેવા વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનની અત્યાર સુધીમાં ૬૯,૧૯૨ લોકોએ મુલાકાત લીધી છે. ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે.

મજાની વાત તો એ છે કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ચોવીસ કલાક માહિતી આપતા હેલ્પ ડેસ્ક માર્ગદર્શકની ભૂમિકા અદા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૧૫૧૯ યાત્રિકોએ હેલ્પ ડેસ્ક નંબર 1800-180-5600 ઉપર ફોન કરી વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન મેળવ્યું છે.

એમાં ખાસ કરીને રેલ્વે સ્ટેશનથી સંગમ સ્થાન ઉપર કેવી રીતે જવું, વાહનો ક્યા સ્થળે પાર્ક કરવા, પોતાના સ્થાનેથી સંગમ સ્થાને કેવી રીતે જવું સહિતના વિષયો મહત્તમ હતા. હેલ્પ ડેસ્ક ઉપર સ્થાનિક ભૂગોળની તાલીમ મેળવેલી વ્યક્તિ માહિતી આપતી હોવાથી પ્રવાસીઓને સરળતા રહે છે. 

સેક્ટર – ૬માં ઉભી કરવામાં આવેલી આવાસીય સુવિધાની વ્યવસ્થા જોઇએ તો ૪૦૩ જેટલા પ્રવાસીઓ ઉતારો મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા અને પુરુષો માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૨૩૫ યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો છે. આ આવાસીય સુવિધાનું ભાડું પણ સાવ નજીવું રાખવામાં આવ્યું છે.

સખી મંડળો દ્વારા સંચાલિત ૮ ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ગુજરાતી ભોજન મળી રહે છે. આ ઉપરાંત ૧૩ ક્રાફ્ટ સ્ટોલ થકી ગુજરાતની હસ્તકલાને મહાકુંભમાં લોકો સમક્ષ મૂકવામાં આવી છે. અહીં આરોગ્ય કેન્દ્ર પણ ગુજરાત પેવેલિયનમાં બનાવવામાં આવ્યું છે. નાનામોટા દર્દોની ફરિયાદ સાથે અત્યાર સુધીમાં ૯૦૨ પ્રવાસીઓ આ આરોગ્ય કેન્દ્રમાં દવા – સારવાર મેળવી છે.

મહાકુંભમાં આવી રીતે આવાસીય સુવિધા ઉભી કરવામાં દેશના જૂજ રાજ્યો જ આગળ આવ્યા છે, તેમાં ગુજરાત પણ છે. સેક્ટર – ૬થી નાગ વાસુકી મંદિર વાળા માર્ગથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમિટરના અંતરે હોવાથી પ્રવાસીઓ માટે ગુજરાત પેવેલિયનમાં ઉતરવું સરળ રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ તેમની પ્રયાગરાજની યાત્રા વેળાએ ગુજરાત પેવેલિયનની મુલાકાત લઇ સુવિધા, પ્રદર્શન ખંડનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ૨૬૪ પથારીની સુવિધા ધરાવતા હોલનું ઉદ્દઘાટન કર્યું હતું. ૧૪૪ વર્ષ બાદના યોગથી ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતી યાત્રાળુંઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધા સરાહનીય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *