કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ


(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

‘સાધના’ સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ મા. શ્રી પ્રદીપજી જોશી, ગુજરાત પ્રાંતના મા. સંઘચાલક શ્રી ડૉ. ભરતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગરનાં મા. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી-ટ્રસ્ટીશ્રી ભાનુભાઈ ચૌહાણે મંચસ્થ મહાનુભાવો, ‘સાધના’ ટ્રસ્ટીગણ તથા અન્ય મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. મુદ્રક-પ્રકાશક-ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ પટેલે મહાનુભાવોને શ્રીરામગ્રંથ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું તથા ટ્રસ્ટી-વ્યવસ્થાપક શ્રી નારાયણભાઈ મેઘાણીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં મા. શ્રી પ્રદીપજી જોશીએ કહ્યું હતું કે, ‘પૂ. હેડગેવારજીએ આજથી ૧૦૦ વર્ષ પહેલાં સંઘકાર્ય શરૂ કરવાનું વિચાર્યું હતું ત્યારે પણ હિન્દુત્વનું કામ કરતી અનેક સંસ્થાઓ સક્રિય હતી જ. ડૉ. હેડગેવારજીની કામ કરવાની પદ્ધતિ અભિનવ હતી. હિન્દુઓને સંગઠિત કરવાનું કામ કરતી વખતે, અન્ય તમામ સંગઠનોની સાથે રહીને સહયોગની ભૂમિકાથી આગળ વધવાનું નિશ્ચિત કર્યું કારણ કે, ડૉ. હેડગેવારજી સંપૂર્ણ સમાજને પોતાનું કાર્યક્ષેત્ર બનાવવા માગતા હતા અને ડૉ. હેડગેવારજીએ પ્રથમથી જ  સંઘને પ્રાસંગિક રાખવાનું કામ કર્યું છે, અને આ કામ છેલ્લાં ૧૦૦ વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યું છે. સંઘ સમાજમાં ગઈ કાલે પ્રાસંગિક હતો, આજે પણ પ્રાસંગિક છે અને આવતીકાલે પણ પ્રાસંગિક રહેવાનો છે. સંઘને અપ્રાસંગિક માનનારાં લોકો ધીરે ધીરે સંકોચાઈ રહ્યાં છે.’

તેઓએ કહ્યું હતું કે, ‘સંઘ અહીં તમામ પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર થઈ આ સ્થાને પહોંચ્યો છે. આજે પણ આપણા વિચારોને કઠેડામાં ઉભા કરવાના પ્રયાસો થતા જ રહે છે. વધુ આક્રમક રીતે આ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આપણા વિચારોને બળસંપન્ન કરવા જરૂરી છે, ત્યારે ‘સાધના’ સાપ્તાહિક આ કાર્ય સુપેરે કરશે એવો વિશ્વાસ છે.’

તેઓએ જણાવ્યું હતું કે, ‘એક સમયે કહેવાતું હતું કે, હિન્દુ સમાજ આત્મકેન્દ્રી છે. પરંતુ હવે હિન્દુસમાજ આત્મકેન્દ્રિત નહીં બહુકેન્દ્રિત બની રહ્યો છે. હાલ હિન્દુસમાજ વધુ ને વધુ સંગઠિત થઈ રહ્યો છે. આ બદલાવ હવે વિશ્વસ્તરે દેખાઈ પણ રહ્યો છે. વિશ્વ માનતું થયું છે કે, હિન્દુત્વની વિચારધારા સહયોગની છે. આમ આપણી વિચારધારા વિશ્વમાં સ્વાગત યોગ્ય બની છે ત્યારે આવનાર સમયમાં આપણું દાયિત્વ અનેક ગણું વધી જવાનું છે. સાધના સાપ્તાહિક આ દાયિત્વને સુપેરે નિભાવશે એવો મને વિશ્વાસ છે.’

આ પ્રસંગે ગણમાન્ય લેખકો, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ અનેક સંઘ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *