LoC પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું: DGMO
પાકિસ્તાનના મુરિદકેમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યું: એર માર્શલ એ.કે.ભારતી
(જી.એન.એસ) તા.11
નવી દિલ્હી,
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના નવ ઠેકાણા પર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાને અનેક વખત ડ્રોન તથા મિસાઇલ વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપ્યો. એવામાં 10મી મે, 2025ના રોજ બંને દેશોએ સાંજે 5 વાગ્યાથી સંઘર્ષ વિરામ લાગુ કર્યું છે. એવામાં આજે(11 મે) ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG Air Ops) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદનો સમાવેશ થાય છે.
સેનાના અધિકારીઓએ ફોટોગ્રાફ્સ સાથે વિગતવાર સમજાવ્યું કે સ્ટ્રાઈક પહેલા પરિસ્થિતિ કેવી હતી અને સેનાની કાર્યવાહી પછીનું દ્રશ્ય કેવું હતું. તેમણે કહ્યું કે ભારતના બદલાના ડરથી કેટલાક આતંકવાદી ઠેકાણા ખાલી કરાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર માટે, હુમલા માટે નવ આતંકવાદી છાવણીઓ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી. 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે, પાકિસ્તાને ગત દિવસોમાં ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ આ પ્રયાસ સતત નિષ્ફળ રહ્યા. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલો દ્વારા અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાના પ્રયાસ કર્યા, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ ખતરાઓને નિષ્ફળ કરી દીધા. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદીઓનો ખાતમો કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ખતમ કર્યા. સાથે જ આતંકવાદી ઠેકાણાઓના પૂરાવા બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા.
DGMOએ કહ્યું કે, અમારા હુમલામાં 100થી વધુ આતંકવાદી ઠાર મરાયા, જેમાં યૂસુફ અઝહર, અબ્દુલ મલિક રઊફ અને મુદસ્સિર અહમદ જેવા હાઈ વેલ્યૂ ટાર્ગેટ સામેલ છે. આ આતંકવાદી IC 814 હાઈઝેક અને પુલવામા જેવા હુમલાથી જોડાયેલા હતા, અમે બોર્ડર પાર આતંકવાદીઓના કેમ્પોની ઊંડાણપૂર્વક ઓળખ કરી. જેમાં કેટલાક ઠેકાણા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા. જે મુરીદકે, જો કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓથી જોડાયેલા રહ્યા છે. LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેના તરફથી નાગરિક વિસ્તારો જેવા કે ગુરૂદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા.
વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ(DGAO) એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, વાયુસેનાએ ખુબ સાવધાનીપૂર્વક માત્ર આતંકવાદીઓને નિશાન બનાવ્યા અને કોઈપણ નાગરિકને નુકસાન ન થવા દીધું. અમારી સમગ્ર યોજના આ રીતે બનાવવામાં આવી હતી કે માત્ર આતંકવાદી કેમ્પો પર સટીક પ્રહાર કરવામાં આવે અને કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે.
DGAO એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, પરિસ્થિતિ કઠિન છે, અમે આ પ્રેસ કોન્ફરન્સ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ જરૂરી બની ગયું હતું. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ બંને જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ઘણી અંદર હતી, એટલા માટે તેની પસંદગી કરવા રણનીતિક રીતે મહત્ત્વની હતી. IAFએ સટીક હુમલા માટે સેટેલાઈટ અને ઇન્ટેલિજેન્સ આધારિત ટાર્ગેટિંગ અને પ્રેસિશન મ્યૂનિશનનો ઉપયોગ કર્યો.
સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી અને કહેવાયું છે કે આ યુદ્ધવિરામ કરવામાં ત્રીજા કોઈ દેશનો હાથ નથી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.’



