(G.N.S) Dt. 19
અમદાવાદ,

અમદાવાદ જિલ્લામાં SIR સંદર્ભે મતદારોની સહાયતા માટે જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે ‘હેલ્પ ડેસ્ક’નો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકોની તમામ ERO કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ ૫૦થી વધુ સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત એન્યુમરેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમાર દ્વારા વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જિલ્લામાં શરૂ કરવામાં આવેલાં તમામ મતદાર સહાયતા કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. જ્યાં મતદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તેમજ તેઓ વાંધાઓ તથા હક-દાવાઓ પણ રજૂ કરી શકશે. વધુમાં, voters helpline app પર ઓનલાઈન પણ દાવા-સુધારા રજૂ કરી શકાશે.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

