કેક કાપતા યુવકોને બસ ડ્રાઇવરે સાઈડમાં જવાનું કહેતા ઊશ્કેરાયા, ઓફિસમાં તોડફોડ અને મારામારી કરી
(જી.એન.એસ),તા.૧૫
અમદાવાદ
અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે રસ્તા વચ્ચે કેક કાપી રહેલા પાંચ યુવકોને લક્ઝરી બસના ડ્રાઇવરે સાઇડમાં ખસવા કહ્યું તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી વેપારી મહેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો. એક આરોપી છરી બતાવતો પણ CCTVમાં નજરે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને શહેર કોટડા પોલીસે આ ફૂટેજની મદદથી આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મેમ્કો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કાર્ગોનો વેપાર કરે છે. ગત 12 ડિસેમ્બરે તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમની લક્ઝરી બસના ડ્રાઇવર રાજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે, મેમ્કો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક યુવકો રસ્તા વચ્ચે ઊભા રહીને કેક કાપી રહ્યા છે. રાજુભાઈએ તેમને સાઇડમાં ખસવા કહ્યું તો તે ગુસ્સે થઈ ઝઘડો કરવા લાગ્યા. આ જાણીને મહેન્દ્રકુમારે પોતાના કર્મચારી રમેશભાઈને ત્યાં મોકલ્યા. રમેશભાઈએ યુવકોને સમજાવીને બસને રવાના કરી અને પછી બસને ઓફિસના પાર્કિંગમાં મૂકી. ત્યારબાદ આ યુવકો મહેન્દ્રકુમારની ઓફિસમાં ઘૂસી આવ્યા અને ત્યાં તોડફોડ કરી તેમને તથા તેમના પુત્રને માર માર્યો. એક શખસે છરી પણ બતાવી હતી. છરી બતાવી ટ્રાવેલ્સ માલિક અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો.જેથી, પોલીસને ફોન કરતા તમામ શખસો ફરાર થઈ ગયા હતા. મહેન્દ્રભાઇએ અમરીશ, રાહુલ, વિવેક અને અજાણ્યા બે શખસો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

