પ્રાકૃતિક કૃષિ એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, સમગ્ર જીવન-દર્શન છે : હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની
(જી.એન.એસ) તા. 5
ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં હિસારમાં ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે, દેશને મજબૂત ખેતી પદ્ધતિની દિશામાં લઈ જવો હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતી એ હવે સમયની જરૂરિયાત બની ગઈ છે. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી થતા નુકસાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીનની ઉત્પાદનક્ષમતા નષ્ટ થઈ રહી છે. એ ઉપરાંત માનવ આરોગ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે, જેના પરિણામે કૅન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટૅક જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા રાજ્ય સરકાર દ્વારા ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય, હિસાર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત પ્રાકૃતિક ખેતી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધતાં પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું કે, હું 180 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરૂ છું અને મને તેમાં રાસાયણિક ખેતી કરતા વધુ ઉત્પાદન મળે છે. રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી (જૈવિક ખેતી) તદ્દન અલગ છે. જૈવિક ખેતી ખૂબ જ ખર્ચાળ છે, તેનાથી હવાનું પ્રદુષણ પણ વધે છે. જ્યારે, પ્રાકૃતિક કૃષિ નહીવત ખર્ચે થાય છે, જે હવાનું પ્રદૂષણ પણ ફેલાવતી નથી.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર આરોગ્યદાયક પાક મેળવવાનો રસ્તો નથી, આ પદ્ધતિ જમીનની ઉત્પાદનક્ષમતામાં વધારો કરે છે, પાણીના સંરક્ષણમાં મદદરૂપ થાય છે અને ઉત્પાદન ખર્ચ પણ ઘટાડે છે. પ્રાકૃતિક ખેતીથી માત્ર ખેડૂતોની આવકમાં વધારો થાય છે એટલું નહીં, પરંતુ ઉપભોક્તાઓને સ્વાસ્થપ્રદ અને પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાનું છે. આ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે ₹2481 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આ યોજના હેઠળ જોડાઈ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવવા અનુરોધ કર્યો હતો.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ કોઈ વિકલ્પ નથી, પરંતુ ભવિષ્યની અનિવાર્યતા છે. રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું કે, આપણે સૌએ મળીને એક વ્યાપક રણનીતિ બનાવીને દેશને રાસાયણિક ખેતીના વિષચક્રમાંથી બહાર લાવવો જોઈએ અને ભવિ પેઢી માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવું જોઈએ. રાજ્યપાલશ્રીએ ખેડૂતોંને રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળી, લોકોના આરોગ્યની સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવા અપીલ કરી હતી.
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ અંગે ખુબ સુંદર માર્ગદર્શન આપવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, સમગ્ર જીવન-દર્શન છે. આ ખેતી અપનાવવાથી કુદરતનું શોષણ થતું નથી. જ્યારે, માનવ મૂલ્યો, સંસ્કાર અને પર્યાવરણનું રક્ષણ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ખાતરી આપી હતી કે, આ અભિયાનને સમગ્ર રાજ્યમાં ઝડપથી આગળ વધારવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. હરિયાણા સરકાર દ્વારા વર્ષ 2025-26 સુધીમાં એક લાખ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાનો લક્ષ્યાંક છે.
મુખ્યમંત્રીશ્રીએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, હરિયાણામાં નિયમિતપણે પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમોનું આયોજન કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને ઉત્પાદન વેચવામાં સરળતા રહે તે માટે બ્રાન્ડિંગ અને પેકેજીંગ માટે રૂ.20,000 સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયની ખરીદી માટે રુ.30,000 ની સબસીડી આપવામાં આવે છે. રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 20 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 563 કરોડ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 15,145 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું કે, ખેડૂતોને ખોટા ખાતર અને બિયારણ વેચતી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તે માટે અમે વિધાનસભામાં કાયદો લાવીને ખોટા બિયારણ/દવા/ખાતર ના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત અંગ્રેજો સમયથી ચાલી આવતા ખેડૂતોના રૂપિયા 133 કરોડના દેણાને પણ જડમૂળમાંથી સમાપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પટ્ટાદાર ખેડૂતો, કે જેઓ ઘણા સમયથી ખેતી કરે છે પરંતુ તેમની પાસે જમીનની માલિકીનો હક નથી તેમને માલિકીનો હક અપાવવા માટે કૃષિ ભૂમિ પટ્ટા નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે ગુરુગ્રામમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક માર્કેટ સ્થાપવાની જાહેરાત કરીને વધુમાં ઉમેર્યું કે, આ માર્કેટમાં બાગાયત વિભાગ દ્વારા વિશેષ લેબોરેટરી સ્થાપવામાં આવશે, જેમાં શાકભાજી અને અન્ય પાકોની નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે એક વિશિષ્ટ સમિતિની પણ રચના કરવામાં આવશે.
આ સંમેલનમાં હરિયાણાના કૃષિમંત્રી શ્રી શ્યામસિંહ રાણા, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ અને પબ્લિક હેલ્થ મંત્રી શ્રી રણબીરસિંહ ગંગવા, ધારાસભ્ય શ્રી રણધીર પનિહાર, ધારાસભ્ય શ્રી વિનોદ ભાયાના, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજાશેખર વૃંદ્રુ, ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. બી.આર. કંબોજ, મહારાણા પ્રતાપ બાગાયત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. એસ. કે. મલ્હોત્રા, લાલા લજપતરાય પશુચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. નરેશ જિંદાલ, રાજ્ય સરકારના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.