(જી.એન.એસ) તા. 23
વડોદરા,
થોડા દિવસો પહેલા વડોદરાના હરણી વિસ્તારમાં પોલીસને એક ટ્રકમાંથી હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, તે સમયે ટ્રકનો ડ્રાઈવર ત્યાંથી ફરાર હતો જેની શોધખોળ કરતાં પોલીસ અધિકારીઓ દ્વારા ફરાર ટ્રક ચાલકને રાજસ્થાનના એક ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
વડોદરાની હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકમાંથી હાઇબ્રીડ ગાંજાના 45 પેકેટ મળી આવ્યા હતા. પરંતુ ટ્રક ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાથ લાગી ન હતી. હરણી પોલીસે 27 લાખની કિંમતના ગાંજાના કેસ અંગે ગુનો નોંધ્યો હતો. જેની તપાસ પોલીસ કમિશનરે એસઓજીને સોંપી હતી.
આ મામલે પોલીસની ટીમે ટ્રકમાંથી મળેલા કાગળોને આધારે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પરાલીયાધામટ ગામે વેશ પલટો કરી વોચ રાખી હતી. બે થી ત્રણ દિવસની મહેનત બાદ પોલીસે ગાંજાનો જથ્થો છોડી ભાગી ગયેલા ટ્રક ચાલક સુરતાન ખાન ઉર્ફે નિનિયા અમીન ખાનને ઝડપી પાડ્યો છે. આરોપીને વડોદરા લાવી રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે.