(G.N.S) Dt. 3
સુરત,
મોડર્ન ટેક્નોલોજી સાથે પરંપરાનું સંયોજન કરી નવી પેઢી સુધી પહોંચતી જરીકલા ઘરેલુ ઉદ્યોગ થકી ૫૦થી વધુ લોકોને આપે છે રોજગારી
ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા ૧૨૦ વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે.
સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી પરંપરાગત જરીકળાને આધુનિક યુગની માંગ સાથે જોડીને સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે.
એક સમય હતો જ્યારે સુરતની જરી શહેરની શાન ગણાતી હતી. મુઘલકાળ દરમિયાન સુરતમાં તૈયાર થતું જરીનું કાપડ વિદેશ સુધી નિકાસ થતું હતું. ગોપીપુરા, નવાપુરા, વાડીફળીયા જેવા વિસ્તારો જરી ઉદ્યોગના કેન્દ્રબિંદુ હતા. સમય જતાં ઉદ્યોગ થોડો મંદ પડ્યો, પરંતુ હવે ફરીથી તેમાં નવી ઉર્જા જોવા મળી રહી છે.
વિશેષ વાત એ છે કે આજે પણ સુરતમાં તૈયાર થતી જરી બનારસ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બેંગ્લોર જેવા રાજ્યોમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને સાડીમાં ગૂંથવામાં આવે છે. સોના અને ચાંદીના તારથી બનેલી આ જરી સાડીઓ આજે ફરીથી યુવા પેઢીની પસંદ બની રહી છે.
મોર્ડનાઈઝેશન સાથે પરંપરાનો સંગમ કરી જરી ઉદ્યોગને જીવંત રાખતા ચેતનકુમાર પ્રવિણભાઈ જરીવાલા જણાવે છે કે, અમારો પરિવાર ૧૦૦ થી ૧૨૦ વર્ષથી પરંપરાગત વ્યવસાય જરી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. પહેલાં જૂની પદ્ધતિથી કામ થતું હતું, પરંતુ સમયની સાથે અમે નવી ટેક્નોલોજી અને મશીનો અપનાવ્યા છે. પરિવારના દરેક સભ્યને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે વ્યવસાય સરળતાથી આગળ વધી રહ્યો છે. જરી બનાવવાની સાથે સાથે સોના-ચાંદીના તારની સાડીઓનું ઉત્પાદન અને વેચાણ પણ પરિવાર પોતે જ કરે છે. ઘરેથી જ મેન્યુફેક્ચરિંગ થતું હોવાથી ખર્ચમાં બચત થાય છે અને ગુણવત્તા પર નિયંત્રણ રહે છે.
તેઓ વધુમાં કહે છે કે, આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં જ્યાં દેશી પદ્ધતિથી સંચા ચલાવવામાં આવતાં, ત્યાં આજે આધુનિક મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ચેતનભાઈ પોતે બી.કોમ એલ.એલ.બી.નો અભ્યાસ કરી ચૂક્યા છે, છતાં વકીલાત છોડીને વારસામાં મળેલા જરી ઉદ્યોગને આગળ વધારવાનું પસંદ કર્યું છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “લોકોને લાગે છે કે જરી ઉદ્યોગ લુપ્ત થઈ રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે અમે નવી પદ્ધતિઓ અપનાવી આ ઉદ્યોગને નવી દિશા આપી રહ્યા છીએ.”
રોજગારી અને આત્મનિર્ભરતાનું પ્રતિક એટલે જરી ઉદ્યોગઃ- જરિવાલા પરિવાર આજે માત્ર પોતાનો વ્યવસાય જ ચલાવી રહ્યો નથી, પરંતુ ૫૦થી વધુ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે. લઘુગૃહ ઉદ્યોગ તરીકે શરૂ થયેલો આ વ્યવસાય ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિચારને સાકાર કરે છે. જરીવાલા પરિવાર માટે જરી માત્ર ધંધો નથી, પરંતુ વારસો, ઓળખ અને સાધના છે.
જરી ઉદ્યોગનો ઇતિહાસ:-
જરી ઉદ્યોગ ભારતની અતિ પ્રાચીન અને વૈભવી હસ્તકળાઓમાંની એક છે. તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. ગ્રીક ઇતિહાસકાર મેગેસ્થનીઝના ગ્રંથોમાં પણ ભારતીય સોનાચાંદીના તારોથી બનેલા વસ્ત્રો અને કઢાઈનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, નવાબો અને દરબારીઓ માટે તૈયાર થતી વસ્ત્રસજ્જામાં જરીનો વિશેષ ઉપયોગ થતો હતો. મુઘલકાળ દરમિયાન જરીઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું. આ સમયગાળામાં સુરત દેશનું મહત્વપૂર્ણ વેપારી બંદર હોવાથી અહીં તૈયાર થતી જરી અને જરીથી બનેલું કાપડ દેશ-વિદેશમાં નિકાસ થતું હતું. સુરત, બનારસ, કાંચીપુરમ અને દક્ષિણ ભારતના વિવિધ પ્રદેશોમાં જરી કળા લોકપ્રિય બની હતી.
સુરતમાં તૈયાર થતી જરી તેની બારીકાઈ, શુદ્ધ સોના-ચાંદીના તાર અને દીર્ઘકાળ સુધી ટકાઉ ગુણવત્તા માટે જાણીતી રહી છે. પરંપરાગત રીતે ઘરઆંગણે થતા લઘુઉદ્યોગરૂપે વિકસેલા જરી વ્યવસાયમાં પેઢી દર પેઢી કારીગરોએ પોતાની કુશળતા અને અનુભવનો નિચોડ આપ્યો છે. સમયાંતરે ટેક્નોલોજી અને ફેશનમાં ફેરફાર થવા છતાં જરીઉદ્યોગે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું છે. આધુનિક યુગમાં પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનના સંયોજનથી જરીઉદ્યોગ ફરી નવી ઓળખ મેળવી રહ્યો છે. GI ટેગ મળવાથી સુરતની જરીને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, અને આ પરંપરાગત હસ્તકળાના સંરક્ષણ અને સંવર્ધનને નવી દિશા મળી છે.

