(જી.એન.એસ) તા. 9
રાજકોટ,
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવી પહોંચ્યા છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલો તેમનો આ પ્રવાસ ધાર્મિક સ્થળો અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રને આવરી લેશે, જેના માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ આવી પહોંચ્યા છે. 10મી ઓક્ટોબરે સોમનાથ અને સાસણ જશે. સવારે 10:00 વાગ્યે રાષ્ટ્રપતિ સર્કિટ હાઉસથી હિરાસર એરપોર્ટ જવા રવાના થશે. હિરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. બપોરે 12:00 વાગ્યે: સોમનાથ ખાતે તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ગીર જવા રવાના થશે, જ્યાં તેઓ સિંહ દર્શન કરશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
11મી ઓક્ટોબરે દ્વારકા, જામનગર અને અમદાવાદ જશે, રાષ્ટ્રપતિ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા પહોંચીને તેઓ દ્વારકાધીશના દર્શન કરશે અને બપોરનું ભોજન લેશે. ત્યારબાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ જવા રવાના થશે, જ્યાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત વિદ્યાપીઠનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. રાષ્ટ્રપતિના આ ઉચ્ચસ્તરીય પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજકોટ, સોમનાથ, દ્વારકા, સાસણ અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

