(જી.એન.એસ) તા. 18
અમરેલી/ભાવનગર,
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પહેલા વરસાદે જ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તબાહીનું તાંડવ મચાવ્યું છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જો કે સામાન્ય વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં પહેલા વરસાદમાં જ ચાણક્યાપુરીનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. ગરનાળામાં પાણી ભરાતા છતાં વાહનચાલકો જરૂરી કામો હોવાના કારણે પાણીમાંથી પસાર થવા મજબૂર.
આમ તો અમદાવાદમાં નાગરિકોની સમસ્યા દૂર કરવા અમદાવાદ મહાનગર પાલિકાએ આ વખતે ચોમાસાને લઈને એકશન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત આ વખતે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત સંકલન રાખી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે જેના માધ્યમથી એ ખ્યાલ આવે છે કે ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે. આ જાણકારીના આધારે ત્યાંના સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસ કરાશે.
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે માત્ર નોંધ લેવા જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે ડેસર તાલુકામાં પણ એ જ હાલત છે. જોકે કરજણમાં અડધા ઇંચ જેવા વરસાદ સાથે પાદરા, સાવલી, સિનોરમાં માત્ર નોંધ લાયક વરસાદ રહ્યો હતો. જોકે વડોદરા તાલુકામાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, છોટાઉદેપુર તાલુકા ખાતે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે પાવીજેતપુરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાવા સહિત નસવાડીમાં અડધથી વધુ, કવાંટમાં નજીવો ઝરમર અને સંખેડામાં અડધા ઇંચ જેટલા વરસાદથી રોડ રસ્તા ભીના થયા હતા.
તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાવનગરના મહુવામાં વરસાદે 56 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1969 બાદ પ્રથમ વખત જૂનમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવામાં ગતરોજ 225 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લે 1969 માં મહુુવામાં 193 મીમી વરસાદ નોંધાયો હતો. કંડલામાં પણ 53 વર્ષમાં ત્રીજી વખત જુનમાં વધુ વરસાદ નોંધાયો છે. કંડલામાં 1971 માં 170.8 મીમી, વર્ષ 2015 માં 185 મીમી અને ગતરોજ 114.0 મીમી વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ડાંગના સુબીરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડામાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. વઘઇ અને આહવામાં વિતેલા બે કલાકમાં 1 – 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુબીરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવણ, વઘઇમાં સવારથી જ 2 – 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેશોદ, કોડિનાર, તલાળા, વાલોડ અને નીઝરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. વિતેલા 2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્ર નગર શહેરનો ધોળીધજા ડેમ ઓવર ફ્લો થયો છે. ડેમનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું છે. આ સાથે આર્ટસ કોલેજ સામેનો પુલ અને જિલ્લા પંચાયત પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સતર્ક બન્યું છે. અને જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
મોરબીના હળવદમાં ધોધમાર વરસાદને પગલે હળવદથી રણમલપુર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ઘણાંદ પાસે ખારી નદી બે કાંઠે થતા સંપર્ક તુટ્યો છે. રણમલપુર, અંજાર, ઘણાંદ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ભાર વરસાદના કારણે પાણની આવકમાં વધારો નોંધાયો છે.
બોટાદનાં લાઠીદડ ગામ ખાતે નદીમાં કાર તણાયા મામલે દુ:ખદ સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં લાપતા 7 લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે. ધટનાનાં ત્રણ દિવસ પછી તમામ 7 લાપતા વ્યક્તિઓનાં મૃતદેહો મળી આવ્યા છે. આજે સવારથી જ NDRF ની ટીમે લાપતા લોકોની શોધખોળ આદરી હતી. ઘટના સમયે કારમાં 9 લોકો સવાર હતા જે પૈકી 2 નો આબાદ બચાવ થયો હતો.
મોરબીમાં ધોધમાર વરસાદ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ ત્રણ ડેમના ત્રણ દરવાજા પાંચ ફૂટ માટે ખોલવામાં આવ્યા છે. મચ્છુ ડેમમાં પાણીની આવક 13,425 ક્યુસેક નોંધાઇ છે. અને જાવક 13,425 નોંધાઇ છે. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોર, ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, મેધપર, ગામને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની માહિતી અનુસાર, આજે 19 અને કાલે 20 તારીખના રોજ વરસાદનું જોર અમુક જીલાઓમાં ઘટશે, જોકે સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર આવશે નહીં. જેમાં રાજ્યના તમામ જિલ્લામાં 51 ટકાથી 75 ટકા સુધી વરસાદ થશે. તેથી આ બે દિવસ દરમિયાન પણ સાવચેત રહેવાનું IMD દ્વારા સૂચવવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ વરસાદ ફરી જોર પકડશે અને 22 તારીખ સુધી ફરી સંપૂર્ણ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. પરિણામે આ સમય દરમિયાન પણ જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળવું તેવું IMD દ્વારા સૂચવવામાં આવ્યું છે.