રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન


(જી.એન.એસ) તા. 8

દ્વારકા,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે  પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતાં પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌ માતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગૌ માતા પોતાના સમગ્ર જીવનકાલ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ગૌ માતાનું દૂધ તમામ કરતાં સર્વોત્તમ છે એનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણાપણું હોય છે તે જોવા મળે છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. જેના પરિણામે આપણે ગૌ માતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ.

તેમણે કહ્યું હતું કે, વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે ગૌ માતાનું સંરક્ષણ. આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધએ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.

ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ તેવું કહી રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે. જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. પ્રાકૃતિક કૃષિમાં  ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌ માતા જ આપે છે જે ગૌ માતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધરતીપુત્રો રાસાયણિક કૃષિ ત્યજી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે “રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન” બનાવી પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા આપી છે, જેના માટે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધરતીપુત્રો જો ગૌ માતાનું સંરક્ષણ અને સંવર્ધન કરે તેનું પાલન પોષણ કરે તો ગૌ માતા તેમની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપી ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવી શકે છે, તેવું પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના શ્રી ગિરીશભાઈ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌસેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂપરેખા આપી હતી. રાજ્યપાલશ્રીએ દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું. સંસ્થાના અગ્રણીશ્રી રામજીભાઈ મજીઠીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગૌશાળાની મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌ સંવર્ધન અને ગૌશાળા સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર સહિત અધિકારીશ્રીઓ, ગૌશાળામાં ટ્રસ્ટ્રીઓ તેમજ ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *