(જી.એન.એસ) તા. 8
પન્ના,
મધ્યપ્રદેશમાં આવેલ પન્ના જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં જાનૈયાઓથી ભરેલી એક પિક અપ વાન ડિવાઈડર સાથે અથડાતા રસ્તા પર પલટી મારી ગઈ હતી, જેમાં 24 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને જાનૈયાઓને હોસ્પિટલ પહોંચાડ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે પિક અપના ઓવરલોડને કારણે આ ઘટના બની છે. ઘટના પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માત પન્ના જિલ્લાની કકરહટી ચોકી પાસે બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 7 અને 8 જૂન દરમિયાન રાત્રે બની હતી. એક પિક અપ વાનમાં જાનૈયાઓ ખચોખચ ભરેલા હતા. જે બાંધીકલાના રહેવાસી ચંદ્રભાન આદિવાસીની જાન લઈને તિલહા ઈંટવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પિક અપ પોતાની સ્પીડ લીમીટ કરતા વધારે ઝડપથી ચાલી રહી હતી. આ વચ્ચે અચાનક પિક અપનું બેલેન્સ બગડ્યુ અને ડ્રાઈવરે ગાડી પર કન્ટ્રોલ ગુમાવી દીધો. જેના કારણે પિક અપ રસ્તાના ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો.
અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તેમણે ઘાયલોને વાહનમાંતી બહાર કાઢ્યા. એટલામાં એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ. તમામ ઘાયલોને તરત જ જિલ્લાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા આ ઘાયલોમાં મહિલાઓ, બાળકો અને પુરુષોનો પણ સમાવેશ થાય છે.