ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓનું પ્રભુત્વ : વિકાસ અને પડકારો…

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓનું પ્રભુત્વ : વિકાસ અને પડકારો…


મિત્રો, આજે વાત કરવી છે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત મહિલા ફંડ મેનેજર વિષે, ભારતનું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં તેજીથી વિકાસ પામતો રહ્યો છે અને જેમાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થયો છે. જો કે હજી પણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ ભાગમાં મહિલાઓનું પ્રમાણ ઓછું છે પરંતુ આ સ્થિતિમાં થયેલી પ્રગતિને જોવામાં તે તેજી અને સંભાવના બંને દર્શાવે છે.

જે મહિલા ફંડ મેનેજર ખાસ કરીને ETFs (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) અને FoF (ફંડ ઓફ ફંડ્સ) સ્કીમ્સ પર કામ કરે છે અને ફંડ મેનેજમેન્ટ અને ડીલિંગ ક્ષેત્રમાં વધુ પડતા વર્ષોનો અનુભવ મેળવી લીધો છે જેમાં તેમની કુશળતાનું પ્રદર્શન અને માર્કેટના વ્યાપક જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, કારકિર્દી દરમિયાન વિવિધ માર્કેટ ચેલેંજોનો સામનો કરીને ફંડોના પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણ સલાહમાં ઊંડા જ્ઞાનને તેઓએ વિકસિત કર્યું છે. ઉપરાંત, તેમની કાર્યશૈલીમાં રિસ્ક મેનેજમેન્ટ, માર્કેટ ટ્રેન્ડ્સનું વિશ્લેષણ અને રોકાણ તરફી લીધેલા વ્યૂહાત્મક મહત્વપૂર્ણ નિર્ણયો અને લક્ષ્યાંકોમાં ગ્રાહકોના રોકાણને સુરક્ષિત અને વધુ ફાયદાકારક બનાવવા માટે નવિનતમ ફંડ્સ અને રોકાણ તકનીકો અપનાવી તેઓને તેમના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય વ્યાવસાયિક તરીકે પણ માનવામાં આવે છે અને તેમની ટીમ સાથે મળીને તેઓ રોકાણકારોને શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં સફળ થયા છે તેવા ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓ વિષે વાત કરીએ તો…

હાલમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓના ફંડ મેનેજર્સની સંખ્યા અને તેમની સંપત્તિનું સંચાલન (AUM) નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં, મહિલાઓ દ્વારા સંચાલિત AUM રૂ.૧૩.૪૫ લાખ કરોડ સુધી પહોંચી જવાની ક્ષમતા ધરાવે છે જે અગાઉના વર્ષની તુલનામાં ૧૦૨%નો વધારો દર્શાવે છે.

સંચાલિત સંપત્તિ અને ભાગીદારીમાં વધારો

જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં મહિલા ફંડ મેનેજરો દ્વારા સંચાલિત અથવા સહ-સંચાલિત કુલ સંપત્તિ અંદાજીત ૧૩.૪૫ લાખ કરોડ રૂપિયા છે, જે કુલ ઇન્ડસ્ટ્રીઝના લગભગ ૨૦% જેટલી છે. આ એસેટસ ૨૦૨૪ના અંતિમ દિવસોની સરખામણીમાં આશરે બમણું થયું છે અને તે ઇન્ડસ્ટ્રીઝના કુલ મૂલ્યમાં મોટો વધારો દર્શાવે છે.

મહિલા ફંડ મેનેજરોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ભારતમાં અંદાજીત ૪૯ મહિલા મેનેજરો હતા, જે એક વર્ષ પહેલા ૪૨ હતા. આ સાથે, મહિલાઓના હિસ્સેદારીનું પ્રમાણ ૮.૮૮% થી વધીને ૧૦.૧૭% થયું છે.

મુખ્ય ફંડ હાઉસ અને પ્રભાવશાળી મેનેજરો

પોતાની આગવી ઓળખ ધરાવતા ફંડ હાઉસોમાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ સૌથી આગળ છે. ઉદાહરણ તરીકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં અંદાજીત ૭ મહિલા મેનેજરો ૬૬ સ્કીમ સાથે અંદાજીત રૂ.૨.૨૭ લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરે છે જયારે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં, અંદાજીત ૫ મહિલા મેનેજરો ૧૪ સ્કીમ સાથે રૂ.૧.૮૮ લાખ કરોડ સંચાલિત કરે છે તેમજ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં ૨ મહિલા મેનેજરો દ્વારા રૂ.૧.૫૩ લાખ કરોડનું સંચાલન થાય છે.

ટોચની મહિલા મેનેજરો અને પ્રભાવ

આ ક્ષેત્રમાં કેટલીક જાણીતી મહિલાઓનું નામ ખાસ કરીને પ્રકાશમાં આવે છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના શ્રી માનસી સજેજાઅંદાજીત રૂ.૧.૪૧ લાખ કરોડ સાથે ભારતની ટોચની મહિલા ફંડ મેનેજર છે, જ્યારે નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના શ્રી કિંજલ દેસાઈ અંદાજીત રૂ.૧.૩૭ લાખ કરોડના સંચાલન સાથે આગળ છે. આ ઉપરાંત એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રી કૃષ્ણા એન અંદાજીત રૂ.૧.૩૫ લાખ કરોડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી અશ્વિની શિંદે અંદાજીત રૂ.૧.૦૨ લાખ કરોડ અને મિરે એસેટ ઇન્ડિયા મેનેજમેન્ટની શ્રી એકતા ગાલા પણ અંદાજીત રૂ.૧.૧૧ લાખ કરોડ સાથે આ ટોચની ૫ મહિલાઓ ફંડ મેનેજર્સ કુલ AUMના અંદાજીત ૪૬% સાથે, રૂ.૬.૧૩ લાખ કરોડ સંચાલિત કરે છે.

૧) એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના શ્રી માનસી સજેજા

માનસી સજેજા, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની એક અનુભવી અને નિષ્ણાંત ફંડ મેનેજર છે, જેઓ ખાસ કરીને હાઈબ્રિડ અને ડેટ ફંડ્સના સંચાલનમાં પોતાની આગવી દ્રષ્ટિ માટે જાણીતા છે. તેમના કારકિર્દીની શરૂઆત ભારતીય ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરામાં રેટિંગ એનાલિસ્ટ તરીકે થઈ હતી, જ્યાંથી તેમણે ક્રેડિટ રિસ્કના ક્ષેત્રમાં અનુભવ મેળવ્યો. વર્ષ ૨૦૦૯માં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં જોડાયા પછી તેમણે ક્રેડિટ એનાલિસ્ટ તરીકે સફળ યાત્રા શરૂ કરી અને આજે તેઓ સંસ્થા માટે નાણા વ્યવસ્થાપન અને ફંડ સંચાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવી રહ્યા છે.

શ્રી માનસી સજેજા સીએફએ (ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ) અને બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જેવી મજબૂત શૈક્ષણિક લાયકાત ધરાવે છે. આ બેકગ્રાઉન્ડના કારણે તેઓ ફક્ત માર્કેટ મૂવમેન્ટ્સ પર આધારિત નહીં પરંતુ કંપની ફંડામેન્ટલ્સના વિશ્લેષણના આધારે પણ રોકાણ નિર્ણયો લે છે.

તેમના સંચાલન હેઠળના ફંડ્સમાં એસબીઆઈ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, એસબીઆઇ ઇક્વિટી હાઇબ્રિડ ફંડ, એસબીઆઈ કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ અને એસબીઆઈ ઈક્વિટી સેવિંગ્સ ફંડ સહિતનાં ફંડ્સનો સમાવેશ થાય છે. આ બધા ફંડ્સ ભારતના ટોચના હાઈબ્રિડ ફંડ્સમાં સ્થાન ધરાવે છે અને તેમની કામગીરીની ગુણવત્તા તેમના એયુએમ (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) પરથી સ્પષ્ટ થાય છે જે લાખો કરોડ રૂપિયા સુધી પહોચે છે.

શ્રી માનસી સજેજાના સંચાલન હેઠળના ફંડ્સે લાંબા ગાળે રોકાણકારોને નફાકારક અને સ્થિર વળતર આપ્યું છે. શ્રી માનસી સજેજાએ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં એક એવા લીડર છે જેમણે ડેટ અને હાઈબ્રિડ ફંડ્સના ક્ષેત્રે પોતાના નિષ્ણાંત અભિગમ અને દૃઢ સંકલ્પ દ્વારા વિશ્વસનીયતા હાંસલ કરી છે.

૨) નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના શ્રી કિંજલ દેસાઈ

શ્રી કિંજલ દેસાઈ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં એક પ્રતિભાશાળી અને કુશળ ફંડ મેનેજર તરીકે ઓળખાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૨માં કંપનીમાં ટ્રેઇની તરીકે કરી હતી અને ધીમે ધીમે મહેનત અને પ્રતિબદ્ધતાના આધારે ફંડ મેનેજર સુધીની યાત્રા સાફળ બનાવી. હાલ તેઓ કંપનીના ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ વિભાગના મુખ્ય ફંડ મેનેજર છે અને વૈશ્વિક સ્તરે વિવિધ ઇક્વિટી ફંડ્સનું સંચાલન કરે છે.

શ્રી કિંજલ દેસાઈ એવા ફંડ્સનું નેતૃત્વ કરે છે જેમાં અમેરિકન અને એશિયન બજાર જોડાયેલા છે, જેમ કે યુએસ ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ, જાપાન ફંડ, તાઇવાન ઇક્વિટી ફંડ અને મલ્ટી કેપ ફંડ. તેઓનુ કાર્ય એવુ છે કે ભારતીય રોકાણકારો માટે વૈશ્વિક માર્કેટમાં મજબૂત અને વ્યૂહાત્મક રોકાણના વિકલ્પો તૈયાર કરે. તેમના દૃઢ વિશ્લેષણ અને વૈશ્વિક અર્થતંત્ર પર ઊંડા જ્ઞાનને કારણે તેમના દ્વારા સંચાલિત ઘણા ફંડ્સે નોંધપાત્ર રિટર્ન આપ્યા છે.

અભ્યાસની વાત કરીએ તો તેમણે ઇન્ડિયા અને યુકેમાંથી અર્થશાસ્ત્ર તથા ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે યુનિવર્સિટી ઓફ વોરવિક માંથી MSc ઇન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ઇકોનોમિક તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ માંથી બિહેવિયરલ ફાઈનાન્સ પર સ્પેશિયલ કોર્સ કર્યું છે. સાથે જ તેમણે સીએફએ લેવલ – ૧ પણ પૂર્ણ કર્યું છે.

શ્રી કિંજલ દેસાઈ એક એવી વ્યક્તિ છે જેમના માર્ગદર્શન હેઠળ રોકાણકારો વૈશ્વિક બજારમાં આત્મવિશ્વાસ સાથે પગલા મૂકી શકે છે. તેમના અનુભવ, વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને મૂલ્ય આધારિત રોકાણની પદ્ધતિએ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડને એક મજબૂત વૈશ્વિક પોઝિશન પર પહોંચાડ્યું છે.

૩) એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રી કૃષ્ણા એન

શ્રી કૃષ્ણા એન એ એક પ્રતિભાશાળી અને અનુભવ પ્રાપ્ત ફંડ મેનેજર છે, જે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે પોતાની કારકિર્દી પ્રાઈસ વોટરહાઉસ કૂપર્‍સ (પીડબ્લ્યુસી) જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રારંભ કરી અને પછી એક્સિસ એમએમસી સાથે જોડાયા. તેમનો શૈક્ષણિક અભ્યાસ બેચલર ઓફ કોમર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) તરીકે મજબૂત છે. કૃષ્ણા એન હાલમાં અક્સિસ મ્યુચ્યુઅલ ફંડના અંદાજીત ૨૩ વિવિધ ફંડ્સનું સંચાલન કરે છે, જેમાં બ્લૂચિપ, મિડકેપ, સ્મોલકેપ, ફોકસ્ડ, ફ્લેક્સી – કેપ અને ઇએસજી સહિતના ફંડ્સ શામેલ છે.

તેમના નેતૃત્વ હેઠળ આ ફંડ્સે રોકાણકારોને સારો રિટર્ન અને સારી વૃદ્ધિ આપી છે. તેઓ વ્યૂહાત્મક દૃષ્ટિ અને જોખમ સંચાલનમાં નિપુણ છે અને રોકાણકારો માટે મજબૂત અને વિશ્વસનીય પોર્ટફોલિયોની રચના કરે છે. શ્રી કૃષ્ણા એનની વ્યાવસાયિક કુશળતા અને નિષ્ઠા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડને બજારમાં એક મજબૂત અને વિશ્વસનીય સ્થાન પર લઈ ગઇ છે.

૪) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી અશ્વિની શિંદે

શ્રી અશ્વિની શિંદે એ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના એક અનુભવી અને વ્યૂહાત્મક દૃષ્ટિ ધરાવતા ઈટીએફ ફંડ મેનેજર છે. તેમણે ફાઇનાન્સ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત અત્યંત મક્કમ પાયાથી કરી છે અને આજે તેઓ ભારતના સૌથી વિશાળ ઈટીએફ પોર્ટફોલિયોમાંથી એકનું સંચાલન કરે છે. ઈટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સના જગતમાં શ્રી અશ્વિની શિંદેની કામગીરી પારદર્શિતા, લગાતાર પરિણામો અને રોકાણકાર મૈત્રી અભિગમ માટે ઓળખાય છે.

તેમના દાયિત્વ હેઠળના મુખ્ય ઈટીએફમાં નિફ્ટી૫૦ ઈટીએફ, સેન્સેક્સ ઈટીએફ, ભારત ૨૨ ઈટીએફ, નિફ્ટી બેન્ક ઈટીએફ અને નિફ્ટી ટોપ ૧૫ ઇક્વલ વેઇટ ઈટીએફ જેવા પોપ્યુલર ફંડ્સનો સમાવેશ થાય છે. તેઓ લગભગ અંદાજીત રૂ.૧ લાખ કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વાળી ઈટીએફ સ્કીમ્સનું સંચાલન કરે છે. જે માત્ર આંકડો નથી, પણ તેમના પ્રભાવશાળી નેતૃત્વ અને માર્કેટની ઊંડી સમજનું પ્રમાણ છે.

શ્રી અશ્વિની શિંદેની શૈક્ષણિક કારકિર્દી પણ એટલી જ મજબૂત છે – તેઓએ B.Com. અને M.Com. પૂર્ણ કર્યા છે તેમજ સીએ ઇન્ટર પણ ક્લિયર કર્યું છે. અગાઉ તેઓ ટ્રેઝરી ઓપરેશન્સ અને મ્યુચ્યુઅલ ફંડ ઓપરેશનમાં પણ સેવા આપી ચૂક્યા છે, જેનાથી તેમને રોકાણની પાછળ રહેલી વ્યવહારિક દ્રષ્ટિ અને રિસ્ક મેનેજમેન્ટની પદ્ધતિઓની ઊંડાણપૂર્વક સમજ મળી છે.

સારાંશરૂપે, શ્રી અશ્વિની શિંદે એ એવા ઈટીએડ વિશેષજ્ઞ છે, જેઓ ઓછા ખર્ચે, વધુ કાર્યક્ષમ અને લાંબા ગાળાના લાભ માટે રોકાણકારોને સફળ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની પારદર્શક અને વ્યુહાત્મક કામગીરીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડને ભારતીય રોકાણબજારનો વિશ્વસનીય આધારસ્તંભ બનાવી દીધો છે.

૫) એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના શ્રી રોશી જૈન

શ્રી રોશી જૈન હાલમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડમાં સિનિયર ફંડ મેનેજર (ઇક્વિટીઝ) તરીકે કાર્યરત છે. તેમના પાસે બંને નાણાકીય અને મેનેજમેટ શૈક્ષણિક લાયકાત છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ), સીએફએ ચાર્ટરહોલ્ડર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. શ્રી રોશી જૈને અંદાજીત બે દાયકા સુધી નાણાકીય ક્ષેત્રમાં કામગીરી કરી છે. તેમણે તેમની કારકિર્દી વિપ્રોમાં શરૂ કરી હતી અને ત્યારબાદ ગોલ્ડમેન સાક્સ અને ત્યાર પછી ફ્લ્રેન્કલિન ટેમ્પલટનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે, જ્યાં તેમણે વિવિધ ઇક્વિટી ફંડ્સ સંભાળ્યા હતા.

વર્ષ ૨૦૨૧માં તેમણે એચડીએફસી એએમસીમાં પ્રવેશ કર્યો અને ધીરે ધીરે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ, એચડીએફસી ટેક્સસેવર અને એચડીએફસી ફોકસ્ડ ૩૦ ફંડ જેવી મોટી સ્કીમ્સની જવાબદારી સંભાળી. એચડીએફસી એએમસીમાં જોડાયા બાદ તેમણે પોર્ટફોલિયોનું પુનઃનિર્માણ કરીને આઈટી, ફાર્મા, બિએફએસઆઈ અને ડિફેન્સ સેક્ટરમાં વધારે ઓવરવેઇટ કર્યા છે. આજે તેઓ અંદાજીત ૩ સ્કીમ સાથે રૂ.૧ લાખ કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક લોકપ્રિય અને પ્રતિષ્ઠિત નામ બની ચૂક્યા છે.

૬) પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રી માનસી કારિયા

માનસી કારિયા હાલમાં પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસ મ્યુચ્યુઅલ ફંડમાં એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેબ્ટ ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. વર્ષ ૨૦૧૮માં તેમણે પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસ સાથે તેમની યાત્રા ડેબ્ટ ડીલર તરીકે શરૂ કરી હતી અને સમય જતા તેમની ક્ષમતાના આધારે ક્રેડિટ રિસર્ચ એનાલિસ્ટ અને ત્યારબાદ ફંડ મેનેજર તરીકે પ્રગતિ કરીને આજે તેઓ અંદાજીત ૨ સ્કીમ સાથે રૂ.૯૦ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. તેઓ પરાગ પરીખ લિક્વિડ ફંડ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ, આર્બિટ્રેજ ફંડ, ELSS ટેક્સ સેવર ફંડ અને ફ્લેક્સી કેપ ફંડ જેવા મહત્વપૂર્ણ ફંડ્સમાં ડેબ્ટ પોર્ટફોલિયોની જવાબદારી સંભાળે છે.

તેમનો રોકાણ અભિગમ બેલેન્સ્ડ અને કન્સર્વેટિવ છે, જેમાં તે સાવચેતાઈપૂર્વક લિક્વિડિટી અને રિટર્ન વચ્ચે યોગ્ય સમતોલન સાધે છે. તેમણે પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસના નવા ફંડ – પરાગ પરીખ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ માટે પણ ડેબ્ટ મેનેજર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની શૈક્ષણિક લાયકાતમાં B.Com, ફાઈનાન્સમાં માસ્ટર અને સીએફએ (ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ)નો સમાવેશ થાય છે.

પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસમાં તેમની ભૂમિકા માત્ર ફંડ મેનેજમેન્ટ પૂરતી સીમિત નથી – તેઓ બજારની નીતિમાં થતા ફેરફાર અને રિઝર્વ બેંકની ઘોષણાઓનું વિશ્લેષણ કરીને ટીમને સ્ટ્રેટેજીક દિશા પણ આપે છે. તેમની શાંતિપૂર્ણ કાર્યશૈલી, સચોટતા અને મૂલ્યમૂલ્યાંકન ક્ષમતા તેમને પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસિસના ડેબ્ટ રોકાણ ક્ષેત્રે એક વિશ્વસનીય અને મુખ્ય સભ્ય બનાવે છે.

૭) આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડના શ્રી સુનૈના દા કુન્હા

શ્રી સુનૈના દા કુન્હા હાલમાં આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સના અનુભવી અને મહત્વપૂર્ણ ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. તેઓ ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં લગભગ પંદર વર્ષથી વધુ અનુભવ ધરાવે છે અને ખાસ કરીને ડેબ્ટ માર્કેટમાં તેમની ખાસ ઓળખ છે. સુનૈનાએ તેમનો શૈક્ષણિક પ્રવાસ દિલ્હી યુનિવર્સિટીની એફએમએસમાંથી એમબીએ કરીને શરૂ કર્યો અને ત્યારબાદ તેમણે સીએફએ (ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ) પણ પ્રાપ્ત કર્યું, જે તેમની વ્યાવસાયિક નિપુણતા છે.

આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડમાં તેઓએ અનેક મહત્વપૂર્ણ ફંડ્સ – જેમ કે ઇન્ટરવલ ઇન્કમ ફંડ, લો ડ્યુરેશન ફંડ, મની મેનેજર ફંડ અને મીડિયમ ટર્મ ફંડનું સફળ સંચાલન સાથે આજે તેઓ અંદાજીત ૫ સ્કીમ સાથે રૂ.૭૫ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. તેમની રોકાણ શૈલી ખૂબ જ અનુશાસિત અને સાવચેત છે, જેમાં તેઓ ઇન્ટરેસ્ટ રેટ સેન્સીટીવીટી અને ક્રેડીટ રિસ્ક વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખે છે. શ્રી સુનૈના માત્ર નબળા ક્રેડિટના જોખમોથી બચી ફાળવણી નથી કરતી, પણ સફળતાપૂર્વક એવું પોર્ટફોલિયો રચે છે કે જેમાં ગતિશીલતા અને સ્થિરતા બંને હોય.

શ્રી સુનૈના દા કુન્હાના સંચાલિત ફંડ્સે સમય સાથે શ્રેષ્ઠ કામગીરી દર્શાવી છે અને રોકાણકારોનું વિશ્વાસ જીત્યું છે. શાંતીપૂર્ણ વ્યક્તિત્વ અને રોકાણ ફિલોસોફી ધરાવતી સુનૈના દા કુન્યા આજે ભારતીય ડેબ્ટ ફંડ મેનેજમેન્ટ જગતમાં એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ છે.

૮) એડેલવાઇસ મ્યુચ્યુઅલ ફંડનાં શ્રી પ્રણવી કુલકર્ણી

શ્રી પ્રણવી કુલકર્ણી એડેલવાઈસ મ્યુચ્યુઅલ ફંડમાં એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેબ્ટ ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી એમબીએ ઇન ફાઇનાન્સની ડિગ્રી મેળવી છે. નાણાકીય ક્ષેત્રમાં તેમનો અનુભવ ૧૦ વર્ષથી વધુનો છે અને તેઓએ ક્રિસિલ (વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી) અને યસ બેન્કમાં ક્રેડિટ એનાલિસ્ટ તરીકે કાર્ય કર્યું છે. વર્ષ ૨૦૧૭માં તેઓએ એડેલવાઈસમાં ફિક્સ્ડ ઇન્કમ ટીમમાં જોડાઈ પોતાની નોંધપાત્ર યાત્રા શરૂ કરી અને આજે તેઓ અંદાજીત ૧૪ સ્કીમ સાથે રૂ.૬૦ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે.

તેમણે એડલવાઈસ લિક્વિડ ફંડ, મની માર્કેટ ફંડ, ઓવરનાઈટ ફંડ, આર્બિટ્રેજ ફંડ, ઈક્વિટી સેવિંગ્સ ફંડ, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ અને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ સહિત અનેક ડેબ્ટ અને હાઇબ્રિડ ફંડ્સમાં નિષ્ણાત રીતે ડેબ્ટ પોર્ટફોલિયો સંભાળ્યો છે. તેમની રોકાણ શૈલી સાવચેત છે – જેમાં તેઓ ક્રેડિટ ક્વોલિટી, લીક્વીડીટી અને ઇન્ટરેસ્ટ રેટ સેન્સીટીવીટી પર ભાર મૂકે છે, જેથી રોકાણકારોને સ્થિર અને ઉત્કૃષ્ટ રિસ્ક એડજસ્ટેડ રીટર્ન મળી શકે.

શ્રી પ્રણવી કુલકર્ણીનો અભિગમ માત્ર રિટર્ન પાછળ નહિ પણ ડાઉનસાઇડ પ્રોટેક્શન અને પોર્ટફોલિયોની સ્થિરતાના બળ પર આધારિત છે. તેમની સમજદારી, વિશ્લેષણાત્મક દ્રષ્ટિ અને નિયંત્રણવાળી કામગીરીથી આજે તેઓ એડેલવાઈસ ફિક્સ્ડ ઇન્કમ ટીમનું એક અગત્યનું સ્તંભ છે.

૯) ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના શ્રી આયુશા કુંભાટ

શ્રી આયુશા કુંભાટ હાલમાં ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઈક્વિટી ફંડ મેનેજર તરીકે કાર્યરત છે અને કંપનીની “ક્વાન્ટામેન્ટલ” રોકાણ દૃષ્ટિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેમણે ઇકોનોમિક્સમાં B.Sc. (Honours) અને Behavioral & Experimental Economicsમાં M.Sc. (University of East Anglia) નો અભ્યાસ કર્યો છે, તેમજ તેઓ સીએફએ લેવલ – ૩ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે.

ક્વાન્ટ એએમસીમાં તેમના પ્રવેશ પછી ઓછા સમયગાળામાં તેમણે પોતાની વિશ્લેષણાત્મક ક્ષમતા અને ડેટા-ડ્રિવન અભિગમથી પોતાની ઓળખ બનાવી. ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ એનાલિસ્ટ તરીકેની યાત્રા શરૂ કરીને, તેઓ ઝડપથી ફંડ મેનેજર તરીકે પ્રમોટ થયા અને હવે ક્વોન્ટ એક્ટિવ ફંડ, સ્મોલ કેપ ફંડ, બીએફએસઆઈ ફંડ, ટેક ફંડ તથા ક્વોન્ટામેન્ટલ ફંડ સહિત અનેક મહત્વપૂર્ણ ફંડ્સ સાથે આજે તેઓ અંદાજીત ૧૧ સ્કીમ સાથે રૂ.૫૦ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે.

તેમનો અભિગમ રૂલ્સ બેઝડ ક્વોન્ટિટીવ મોડેલ અને ફંડામેન્ટલના મિશ્રણ પર આધારિત છે – જેને “ક્વોન્ટામેન્ટલ” ફિલોસોફી કહેવામાં આવે છે. તેઓ માર્કેટના ડેટા, વ્યવહારિક અર્થશાસ્ત્ર અને સેક્ટરલ એનાલિસિસના આધારે પોર્ટફોલિયોનું સચોટતા સાથે સંચાલન કરે છે. ટૂંકમાં કહીએ તો, શ્રી આયુશા કુંભાટ એ એક યુવા, તેજસ્વી અને ડેટા-સેન્ટ્રીક ફંડ મેનેજર છે, જે ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડની નવી પેઢીની રોકાણ દૃષ્ટિને આગળ વધારતા સૌથી ઉજ્જ્વળ નામોમાંથી એક છે.

૧૦) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી માસૂમી ઝુમરવાલા

શ્રી માસૂમી ઝુરમરવાલા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. માસૂમી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ), M.Com અને B.Com જેવી મજબૂત શૈક્ષણિક લાયકાત ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સાથે જોડાયા પછી, તેમણે બહુવિધ પેસિવ અને મલ્ટિ-એસેટ ફંડ્સનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.

તેમનો મુખ્ય ફોકસ મલ્ટી-એસેટ ફંડ, પેસિવ સ્ટ્રેટેજી ફંડ ઓફ ફંડ્સ, ઇન્કમ ઑપ્ટિમાઇઝર ફંડ અને વેલ્યુ ડિસ્કવરી ફંડ જેવા ફંડ્સ પર છે. ખાસ કરીને મલ્ટી-એસેટ ફંડમાં ઈક્વિટી, ડેટ અને અલ્ટરનેટિવ એસેટ્સ વચ્ચે સંતુલિત વિતરણ દ્વારા તેઓ વૃદ્ધિ અને જોખમ વચ્ચે યોગ્ય સંતુલન જાળવે છે. ઈટીએફ અને પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા લાંબા ગાળાની સ્થિરતા મેળવવાનો તેમની રોકાણ શૈલી સાથે આજે તેઓ અંદાજીત ૬ સ્કીમ સાથે રૂ.૫૦ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે.

માસૂમી પોતાની ટીમ સાથે પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ અને એસેટ એલોકેશન માટે વ્યૂહાત્મક અભિગમ અપનાવે છે. તેમની શાંતિપૂર્ણ અને વિશ્લેષણાત્મક રોકાણ દૃષ્ટિ માટે લાંબા ગાળે લાભદાયી સાબિત થઈ છે. ટૂંકમાં, માસૂમી ઝુરમરવાલાએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીની મલ્ટિ-એસેટ અને પેસિવ રોકાણ નીતિના પાયાનું વ્યક્તિત્વ છે – જે નિષ્ણાંત અને વ્યવસ્થિત અભિગમથી રોકાણકારોને મૂલ્ય આપતી રહી છે.

૧૧) એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડના શ્રી ચીનુ ગુપ્તા

શ્રી ચીનુ ગુપ્તા એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ઈક્વિટી ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. તેઓ પાસે અંદાજીત ૧૨ વર્ષથી વધુનો અનુભવ છે અને તેમણે પોતાનો કારકિર્દીગમન આઈટી ક્ષેત્રથી શરૂ કરીને તેમણે સીએફએ સાથે એમબીએ ઇન ફાઈનાન્સ પૂર્ણ કર્યું છે અને તેઓ યુટીઆઈ, આઈએનજી ફાઇનાન્સિયલ સર્વિસીસ કોર્પોરેશન, કેનેરા રોબેકો અને લાર્સન એન્ડ ટુબ્રો એએમસી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ કામગીરી બજાવી ચુક્યા છે.

તેમના સંચાલન હેઠળ એચએસબીસી મિડકેપ ફંડ, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ, લાર્જ અને મિડ કેપ ફંડ સહિત અનેક મહત્વપૂર્ણ સ્કીમ્સ છે, જેમાં અંદાજીત ૧૧ સ્કીમ સાથે કુલ મળીને રૂ.૪૦,૦૦૦ કરોડથી વધુની એયુએમ સંભાળી રહ્યા છે. શ્રી ચીનુ ગુપ્તાની રોકાણ શૈલી બોટમ-અપ સ્ટોક પિકિંગ અને વેલ્યુએશન પર આધારિત ગ્રોથ ઇન્વેસ્ટીંગ છે, જેમાં તેઓ ડેટા એનાલિસિસ અને કંપનીઓના ફંડામેન્ટલ્સ પર ઊંડું ધ્યાન આપે છે. ટૂંકમાં, ચીનુ ગુપ્તા એ એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડના એક વિઝનરી અને અનોખી શૈલી ધરાવતા ફંડ મેનેજર છે, જેમની દૃઢ મુલ્યાંકન શિસ્ત અને સમયસર નિર્ણય લેવાની ક્ષમતા તેમને રોકાણકારોમાં વિશ્વસનીય બનાવે છે.

૧૨) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી અર્ચના નાયર

શ્રી અર્ચના નાયર હાલમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર તરીકે કાર્યરત છે. તેમણે વર્ષ ૨૦૧૮માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ટૂંક સમયમાં જ પોતાની કુશળતા અને સ્પષ્ટ દૃષ્ટિકોણના આધારે ફંડ મેનેજમેન્ટની મુખ્ય ભૂમિકામાં સ્થાન મેળવ્યું. તેમની સંભાળ હેઠળના મુખ્ય ફંડ્સમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી આર્બિટ્રેજ ફંડ અને  આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી સેવિંગ્સ ફંડનો સમાવેશ થાય છે. આજે તેઓ અંદાજીત ૨ સ્કીમ સાથે રૂ.૩૮ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે જે રોકાણકારોને ઓછા જોખમ સાથે સ્થિર પરફોર્મન્સ આપે છે.

અર્ચનાની રોકાણ શૈલી વેલ્યુએશન ડિસીપ્લીન અને ટેક્સ-એફિશિયન્ટ આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી પર કેન્દ્રિત છે, અને તેઓ ઇન્ટરેસ્ટ રેટ મુવમેન્ટ અને ઇક્વિટી – ડેબ્ટ સંતુલનને સમજીને રીટર્ન ડીલીવર કરવાનો પ્રયાસ કરે છે. ટૂંકમાં, શ્રી અર્ચના નાયર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીની લો-રિસ્ક, સ્ટેબલ – રીટર્ન ઇન્વેસ્ટિંગમાં નિષ્ણાત અને ભરોસાપાત્ર ફંડ મેનેજર છે, જેમની શાંત, ગણતરીપૂર્વક અને ડેટા-આધારિત અપરોચ રોકાણકારોમાં વિશાળ વિશ્વાસ ઊભો કરે છે.

૧૩) ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના શ્રી શાલિની વસંતા

શ્રી શાલિની વસંતા ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર તરીકે કાર્યરત છે અને તેઓ કંપનીના ફિક્સ્ડ ઇન્કમ વિભાગનો મહત્વનો ભાગ છે. એનએમઆઈએમએસ મુંબઈમાંથી ફાઈનાન્સમાં એમબીએ તથા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં બિ.એ. કર્યા પછી, તેમણે ઇકરામાં ક્રેડિટ એનાલિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી અને વર્ષ ૨૦૧૭થી ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયા.

તેઓ ડીએસપી ઓવરનાઇટ ફંડ, લો ડ્યુરેશન ફંડ, લિક્વિડિટી ફંડ અને સેવિંગ્સ ફંડ જેવા મહત્વપૂર્ણ ડેબ્ટ ફંડ્સનું સંચાલન કરે છે, જેમાં આજે તેઓ અંદાજીત ૬ સ્કીમ સાથે રૂ.૩૬ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. શ્રી શાલિની વસંતાની રોકાણ શૈલી ક્રેડિટ ક્વોલિટી, લીક્વીડીટી અને ડ્યુરેશન મેનેજમેન્ટ પર કેન્દ્રિત છે, જ્યાં તેઓ ઇન્ટરેસ્ટ રેટનો અને માર્કેટની સ્થિતિ પ્રમાણે પોર્ટફોલિયોમાં ચાલાકાઈથી ફેરફાર કરે છે.

તેમનો બોટમ-અપ ક્રેડિટ એનાલિસિસ અને કંપનીઓની ફાઈનાસિયલ સ્ટ્રેન્થનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા તેમને કન્ઝર્વેટીવ પરંતુ સ્ટેબલ રીટર્ન આપતા ફંડ્સ માટે વિશિષ્ટ બનાવે છે. ટૂંકમાં, શાલિની વસંતા એ ડીએસપી એએમસીના ડેબ્ટ ફંડ ક્ષેત્રમાં એક વિવિદ અનુભવી, વિશ્લેષણાત્મક અને વિશ્વસનીય ફંડ મેનેજર છે – જેમની શાંતિપૂર્ણ પણ દૃઢ નીતિ રોકાણકારોને સ્થિરતા અને વિશ્વાસ આપે છે.

૧૪) એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના શ્રી રંજના ગુપ્તા

શ્રી રંજના ગુપ્તા એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની એક અનુભવી અને પ્રશંસનીય ફંડ મેનેજર છે, જેમણે ફાઇનાન્સ જગતમાં અંદાજીત ત્રણ દાયકા જેટલો વિશાળ અનુભવ મેળવ્યો છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૫માં ઓવરના કાઉન્ટર એક્સચેન્જ ઑફ ઈન્ડિયામાં એક ડીલર તરીકે કરી હતી અને ત્યાર પછી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી શેર એન્ડ સિક્યોરિટીઝ લિ.માં ૧૩ વર્ષ સુધી બ્રોકિંગ ક્ષેત્રે કામ કર્યું. વર્ષ ૨૦૦૮માં તેમણે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ્ડ ઇન્કમ ડીલર તરીકે જોડાઈ પોતાની યાત્રાની નવી શરૂઆત કરી.

તેઓ હાલમાં ફિક્સ્ડ ઇન્કમ ફંડ મેનેજર તરીકે કામ કરી રહી છે અને તેમના સંચાલનમાં અનેક મહત્વપૂર્ણ સ્કીમ્સ આવે છે, જેમાં એસબીઆઈ સીપીએસઈ બોન્ડ પ્લસ એસડીએલ સપ્ટેમ્બર ૨૦૨૬ ઇન્ડેક્સ ફંડ, એસબીઆઈ ક્રીસીલ આઈબીએક્સ ગિલ્ટ ઇન્ડેક્સ ફંડ્સ જેવી પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અને સુરક્ષિત રોકાણ પર આધારિત સ્કીમ્સ સાથે આજે તેઓ અંદાજીત ૫ સ્કીમ સાથે રૂ.૩૬ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. તેમણે અનેક ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન પણ સફળતાપૂર્વક સંચાલિત કર્યા છે અને તેમના નિર્માણશીલ દૃષ્ટિકોણને કારણે અનેક રોકાણકારોને સ્થિર અને ભરોસાપાત્ર વળતર મળ્યું છે.

શ્રી રંજના ગુપ્તા ફંડ મેનેજમેન્ટ જગતમાં એક સાદગી અને પ્રભાવશાળી નામ છે, જેમના કાર્યથી એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની મજબૂત ઓળખ ઊભી થઈ છે.

૧૫) ફ્રેંકલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના શ્રી રાજસા કાકુળાવારાપુ

શ્રી રાજસા કાકુળાવારાપુ ફ્રાંકલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં એક પ્રતિભાશાળી અને ઉદ્ભવતી ફંડ મેનેજર છે, જેમણે છેલ્લા કેટલાય વર્ષોમાં ઇક્વિટી રોકાણ જગતમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. તેઓ હાલમાં ફ્રાંકલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં વાઈસ પ્રેસિડેન્ટ, પોર્ટફોલિયો મેનેજર અને સિનિયર રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. ખાસ કરીને કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને મિડ-ટુ-લાર્જ કેપ સ્ટોક્સમાં તેમનો ઊંડો અભ્યાસ અને સમજતા રોકાણકારો વચ્ચે વિશેષ માન્યતા પ્રાપ્ત કરી છે.

તેઓએ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બીટેક અને ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદથી મેનેજમેન્ટમાં એમ.બીએ. / પીજીડીએમની ડિગ્રી હાંસલ કરી છે. તેમની વ્યાવસાયિક યાત્રા ક્રેડિટ સ્વિસમાં એક એનાલિસ્ટ તરીકે વર્ષ ૨૦૦૮માં શરૂ થઈ, ત્યારબાદ તેમણે જેફરીસ ઇન્ડિયામાં વિશિષ્ટ કામગીરી કરી અને વર્ષ ૨૦૧૬થી ફ્રાંકલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા છે.

વર્ષ ૨૦૨૩ના અંતથી તેઓ ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ સહિત અનેક મહત્વપૂર્ણ ફંડ્સના સહ-ફંડ મેનેજર તરીકે કાર્ય કરી રહી છે. સાથે આજે તેઓ અંદાજીત ૧૨ સ્કીમ સાથે રૂ.૩૫ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. રાજસા કાકુળાવારાપુનો રોકાણ દૃષ્ટિકોણ ‘બોટમ-અપ’ અને મૂલ્યઆધારિત છે, જ્યાં કંપનીની આંતરિક ક્ષમતાઓ અને વિકાસશક્તિને ધ્યાનમાં રાખીને રોકાણ માટેની પસંદગી થાય છે. તેમની કાર્યશૈલીમાં સંશોધન, ચોક્કસ માહિતી અને શિસ્તબદ્ધ વિચારધારાનો અનોખો સમન્વય જોવા મળે છે – જે તેમને ભારતીય ઇક્વિટી બજારમાં એક આશાસ્પદ નેતા બનાવે છે.

૧૬) ટાટા મ્યુચ્યુઅલ ફંડના શ્રી મીતા શેટ્ટી

શ્રી મીતા શેટ્ટી ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં એક પ્રતિષ્ઠિત અને સજાગ ફંડ મેનેજર છે, જેમણે ફાર્મા, આઈટી અને ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે પોતાની ઊંડી સમજ અને વિશ્લેષણાત્મક ક્ષમતા દ્વારા રોકાણકારો માટે નોંધપાત્ર મૂલ્ય ઉમેર્યું છે. તેઓ વર્ષ ૨૦૧૭માં ટાટા એસેટ મેનેજમેન્ટમાં સંશોધન વિશ્લેષક તરીકે જોડાયા હતા અને તેમના ટેક્નિકલ દૃષ્ટિકોણ અને ઉંડા અભ્યાસના આધારે ખૂબ જ ટૂંકા સમયમાં ફંડ મેનેજર તરીકે નિમાયા. તેમણે હાલમાં ટાટા ડિજિટલ ઈન્ડિયા ફંડ, ટાટા ઈન્ડિયા ફાર્મા અને હેલ્થકેર ફંડ અને ટાટા ફોકસ્ડ ઈક્વિટી ફંડનું સંચાલન જોઈન્ટ ફંડ મેનેજર તરીકે કરી રહ્યા છે. આજે તેઓ અંદાજીત ૭ સ્કીમ સાથે રૂ.૨૮ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે, જે તેમની કામગીરીમાં રોકાણકારોનું વિશ્વાસ દર્શાવે છે.

શ્રી મીતા શેટ્ટીનું રોકાણ જીએઆરપી (ગ્રોથ એટ રીઝનેબલ પ્રાઈઝ) પર આધારિત છે – જ્યાં તેઓ સ્થિર કંપનીઓમાં વિકાસની તકો શોધે છે. તેમના પોર્ટફોલિયો ફ્રેમવર્કમાં તેઓ સ્ટેબિલિટી અને આલ્ફાબેટનો ઉપયોગ કરે છે. તેઓ એક સીએફએ ચાર્ટરહોલ્ડર પણ છે અને તેમની અભ્યાસક્રમની પૃષ્ઠભૂમિ અર્થશાસ્ત્રમાં રહી છે. તેમની શિસ્તબદ્ધ કામગીરી, સત્તામય અભિગમ અને સતત બજાર પર ધ્યાન રાખવાની કુશળતા તેમને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક આદરપાત્ર મહિલાના રૂપમાં સ્થાપિત કરે છે. શ્રી મીતા શેટ્ટીનું નામ આજે ટેક અને હેલ્થકેર ક્ષેત્રના રોકાણ માટે વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ ધરાવતા રોકાણકારો માટે ભરોસાનું પ્રતિક બની ગયું છે.

૧૭) નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના શ્રી મીનાક્ષી દવાર

શ્રી મીનાક્ષી દવાર નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં એક સશક્ત અને વિચારી શકાય તેટલી શાંત પરંતું અસરકારક ફંડ મેનેજર તરીકે જાણીતા છે. તેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને આઈજીઆઈટી, દિલ્હીમાંથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરીને પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિને મજબૂત બનાવી છે.

તેમની કારકિર્દી આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે શરૂ થઈ હતી, જ્યાંથી માર્કેટના માળખાકીય અને મૂળભૂત પાસાઓની ઊંડી સમજ વિકસાવી. ત્યારબાદ આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડમાં અનુભવી ફંડ મેનેજર તરીકે રહ્યા અને વર્ષ ૨૦૨૧માં તેઓએ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડમાં જોડાઈને પોતાનું યશસ્વી અધ્યાય શરૂ કર્યો.

હાલમાં તેઓ નિપ્પોન ઈન્ડિયા વેલ્યુ ફંડ, નિપ્પોન ઈન્ડિયા વિઝન ફંડ અને નિપ્પોન ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ જેવા મુખ્ય ઇક્વિટી ફંડ્સનું સંચાલન આજે તેઓ અંદાજીત ૪ સ્કીમ સાથે રૂ.૨૦ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. તેઓનો રોકાણ અભિગમ જીએઆરપી (ગ્રોથ એટ રીઝનેબલ પ્રાઈઝ) પર આધારિત છે – જે ગુણવત્તાવાળી કંપનીઓમાં તર્કસંગત કિંમતે રોકાણ કરીને લાંબા ગાળે મૂલ્ય સૃષ્ટિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તેમનો સ્ટોક પીકિંગ સ્ટાઈલ ખાસ કરીને બોટમ-અપ છે. કંપનીના મૂળભૂત પાસાઓ, વ્યવસાય મોડલ અને મેનેજમેન્ટની ગુણવત્તાને વિશ્લેષણ કરીને તેઓ મૂલ્યવાન રોકાણ તક શોધે છે. તેમની શાંત પ્રવૃત્તિ, શિસ્તબદ્ધ અભિગમ અને ઊંડા સંશોધન પર આધારિત નિર્ણય ક્ષમતા તેમને એક શક્તિશાળી મહિલા ફંડ મેનેજર તરીકે સ્થાપિત કરે છે.

મીનાક્ષી દવાર માત્ર બજારમાં વળતર મેળવવા માટે નહીં પરંતુ વિશ્વાસ પેદા કરવા માટે કાર્ય કરે છે અને એ વિશ્વાસને તેમણે સતત સાર્થક પણ સાબિત કર્યો છે. તેમની આગવી ઓળખ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડને સ્થિરતાપૂર્વક સફળતાની નવી ઊંચાઈઓ તરફ દોરી રહી છે.

૧૮) એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના શ્રી વંદના સોની

શ્રી વંદના સોની, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની એક ઉદ્ભવતી અને પ્રતિભાશાળી ફંડ મેનેજર છે, જેમણે વિવિધ એસેટ ક્લાસીસમાં જેમ કે ઇક્વિટી, ગોલ્ડ ઈટીએફ અને મલ્ટી એસેટ ફંડ્સમાં મજબૂત અને સંયમિત કામગીરી દ્વારા પોતાની ખાસ ઓળખ બનાવી છે. મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને લાંબી કારકિર્દી સાથે તેમણે અગાઉ ઇન્ફોસિસ, ક્રિસિલ, એસબીઆઇસીએપી સિક્યોરિટીઝ અને એન્ટિક સ્ટોક બ્રોકિંગ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં સંશોધન અને એનાલિસિસનાં મહત્વપૂર્ણ અનુભવ હાંસલ કર્યા છે.

તેઓ ડિસેમ્બર ૨૦૨૧માં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાઈ અને પોતાનો રોકાણ વિષયક અભિગમ ‘બોટમ-અપ સ્ટોક પીકિંગ’ દ્વારા વિકસાવ્યો, જેમાં કંપનીના મૂળભૂત પરિબળો પર વિશ્લેષણ કરીને મૂલ્યમય રોકાણ તક શોધી શકાય છે. તેમની શિસ્તબદ્ધ કામગીરી અને સંશોધનપરક અભિગમ એ તેમના દરેક નિર્ણયમાં સ્પષ્ટ દેખાય છે.

તેમણે હાલમાં એસબીઆઈ ગોલ્ડ ઈટીએફ, એસબીઆઈ મલ્ટી એસેટ એલોકેશન ફંડ અને એસબીઆઈ ઇક્વિટી સેવિંગ્સ ફંડ જેવા ફંડ્સનું સંચાલન સંભાળ્યું છે. ખાસ કરીને એસબીઆઈ ગોલ્ડ ઈટીએફના સંચાલનમાં તેમનો દેખાવ વિશેષ નોંધપાત્ર રહ્યો છે, જ્યાં તેમણે સોના જેવી અસ્થીર માર્કેટમાં પણ સ્થિર અને સૂઝબૂઝભર્યું નેતૃત્વ આપ્યું છે. આજે તેઓ અંદાજીત ૪ સ્કીમ સાથે રૂ.૧૯ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે.

માહિતી આધારિત નિર્ણય, મૂલ્ય પર કેન્દ્રિત દૃષ્ટિકોણ અને સતત શીખવાનું વલણ સાથે શ્રી વંદના સોની એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓ માટે નવો માર્ગદર્શક સ્તંભ બની છે અને રોકાણ જગતમાં આત્મવિશ્વાસ, પારદર્શિતા અને દૃઢતા સાથે આગળ વધી રહી છે.

૧૯) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના શ્રી નિત્યા મિશ્રા

શ્રી નિત્યા મિશ્રા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એક ઊર્જાવાન અને વિચારશીલ ફંડ મેનેજર છે, જેમણે તેમના વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ અને સંશોધન આધારિત અભિગમથી રોકાણકારોમાં વિશેષ વિશ્વાસ જગાવ્યો છે. બી.ટેક અને એમબીએ ઇન ફાઈનાન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સીએફએ ચાર્ટર પ્રાપ્ત કર્યું છે, જે તેમના નાણાકીય જ્ઞાન અને વ્યવસાયિક પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. તેમણે એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને કીસિલ જેવી અગ્રણ્ય સંસ્થાઓમાં રિસર્ચ અને ક્રેડિટ એનાલિસિસના ક્ષેત્રમાં અમૂલ્ય અનુભવ હાંસલ કર્યા બાદ વર્ષ ૨૦૧૮માં તેઓ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સાથે જોડાયા અને ત્યા પોતાનું કારકિર્દીનું એક નવું અધ્યાય શરૂ કર્યું.

હાલમાં નિત્યા મિશ્રા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી અને ડેટ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ યુએસ બ્લુચિપ ઇક્વિટી ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ જેવા મુખ્ય ફંડ્સનું સંચાલન સાથે આજે તેઓ અંદાજીત ૪ સ્કીમ સાથે રૂ.૧૮ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. આજના ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નિત્યા મિશ્રા એક એવી મહિલા અગ્રણી છે જે પોતાના કાર્યથી નવી પેઢીને શિસ્ત, જાણકારી અને આત્મવિશ્વાસથી ભરી રહી છે.

૨૦) આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડના શ્રી મોનિકા ગાંધી

શ્રી મોનિકા ગાંધી, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં એક અનુભવી અને અત્યંત સશક્ત ફંડ મેનેજર તરીકે જાણીતા છે, ખાસ કરીને ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સના સંચાલનમાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સીએઆઈઆઈ બી (સર્ટિફાઇડ એસોસિયેટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકર્સ) જેવી શૈક્ષણિક લાયકાતો ધરાવતા શ્રી મોનિકા ગાંધી પાસે બેંકિંગ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે ૨૦ વર્ષથી પણ વધુનો ગાઢ અનુભવ છે.

તેમણે કારકિર્દીનો મોટો હિસ્સો આઈડીબીઆઈ બેન્કમાં વિતાવ્યો હતો, જ્યાં તેઓ ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને કોર્પોરેટ લોનના રિસ્ક મૂલ્યાંકન તથા સંચાલનનું કાર્ય સંભાળતા હતા. ઑગસ્ટ ૨૦૧૭માં તેઓએ આદિત્ય બિરલા સન લાઇફ એએમસીમાં સિનિયર ક્રેડિટ એનાલિસ્ટ તરીકે પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સના સંચાલન માટે મુખ્ય ફંડ મેનેજર તરીકે સ્થાન મેળવ્યું.

મોનિકા ગાંધી હાલમાં આદિત્ય બિરલા સન લાઇફ સેવિંગ્સ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ કોર્પોરેટ બોન્ડ ફંડ અને અન્ય ઘણા ડેટ આધારિત ફંડ્સનું સંચાલન સાથે આજે તેઓ અંદાજીત રૂ.૧૪ હજાર કરોડ આસપાસનું એયુએમ સંભાળી રહ્યા છે. તેમનો અભિગમ બોટમ-અપ ક્રેડીટ સિલેકશન પર આધારિત છે – તેઓ દરેક કંપનીના ફંડામેન્ટલ્સ, રેટિંગ્સ, કેસ ફ્લોઝ અને ઇન્ડસ્ટ્રી કન્ડિશનના ઘન વિશ્લેષણ દ્વારા ફંડનું પોર્ટફોલિયો રચે છે

મોનિકા ગાંધી આજના સમયમાં એવી મહિલા ફંડ મેનેજર છે, જેઓ શાંતિપૂર્વક પણ અત્યંત અસરકારક રીતે ભારતીય ડેટ માર્કેટમાં રોકાણકારોને સ્થિરતા અને વિશ્વાસ પૂરો પાડી રહી છે. તેમની લીડરશિપ અને પ્રક્રિયા પર આધારિત કામગીરી આદિત્ય બિરલા સન લાઇફને ફિક્સ્ડ ઇન્કમ જગતમાં મજબૂત સ્થાન અપાવી રહી છે.

૨૧) એડલવાઈઝ એસેટ મેનેજમેન્ટના શ્રી રાધિકા ગુપ્તા

શ્રી રાધિકા ગુપ્તા, એડલવાઈઝ એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે આજે ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રસિદ્ધ અને પ્રભાવશાળી નામ છે. પોતાનો જીવન પ્રવાસએક અનોખી લાગણીઓથી ભરેલો છે. તેઓ પોતાને “The Girl With a Broken Neck” તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવે છે, કારણ કે શારીરિક સંઘર્ષો છતાં તેમણે જીવનમાં જે માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ દર્શાવ્યો છે, તે અનેક લોકોને પ્રેરણા આપે છે.

રાધિકાએ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાના વ્હાર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં અને મોર સ્કૂલમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત મેકકિન્સે એન્ડ કંપની, માઈક્રોસોફ્ટ અને એક્યુઆર કેપિટલ જેવી અગ્રગણ્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંથી કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં તેમણે ફોરફ્રન્ટ કેપિટલ નામની પોતાની ફર્મ શરૂ કરી, જે વર્ષ ૨૦૧૪માં એડલવાઈઝ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મર્જ થઈ ગઈ.

વર્ષ ૨૦૧૭માં સીઈઓ તરીકે તેમની નિમણૂક પછી, રાધિકાએ એડલવાઈઝ એસેટ મેનેજમેન્ટ કંપનીને નવું દિશા-દૃષ્ટિ આપી. તેમણે જેપી મોર્ગન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સંપાદન અને ભારતના પહેલા સરકારી આધારિત બોન્ડ ઈટીએફ – ભારત બોન્ડ ઈટીએફનું સફળ લોન્ચિંગ કર્યું. આજની તારીખે કંપનીનું એયુએમ રૂ.૧ લાખ કરોડથી વધુ છે, જે તેના મજબૂત અને દૃઢ નેતૃત્વનું પ્રમાણ છે.

તેમનો રોકાણ અભિગમ ઇન્વેસ્ટમેન્ટમાં સિદ્ધાંતો, શિસ્ત અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર ભાર આપે છે. તેઓ માને છે કે ‘સસ્તું જોઈને ન ખરીદો, યોગ્ય જોઈને રોકાણ કરો’. ઉપરાંત, સ્ત્રીઓ માટે તેઓ એક રોલ મોડલ બની છે. સારાંશરૂપે, રાધિકા ગુપ્તા એ ભારતીય ફાઇનાન્સ ઉદ્યોગમાં એવી નેતા છે જેઓ ક્રાંતિકારી વિચારો, પ્રેરણાદાયક જીવનકથા અને વ્યાવસાયિક કસોટી સાથે ઉદાહરણ રૂપ છે. તેમની સફર માત્ર સફળતાની નહિ પણ સંતુલન, સંવેદના અને મૂલ્યપ્રધાન નેતૃત્વની છે.

૨૨) મિરાએ એસેટ મેનેજમેન્ટના શ્રી એકતા ગાલા

શ્રી એકતા ગાલા, મિરાએ એસેટ મેનેજમેન્ટમાં ઈટીએફ ફંડ મેનેજર તરીકે આજે ભારતીય રોકાણ જગતમાં એક ઉદયમાન અને પ્રશંસનીય નામ બની ચૂક્યાં છે. નાની ઉંમરે પણ તેમણે જે વ્યાવસાયિક પ્રતિષ્ઠા અને અનુભવે સાથે પોતાની ઓળખ બનાવી છે, તે ચોક્કસપણે પ્રશંસનીય છે. શ્રી એકતા ગાલાએ પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીમાંથી ઈટીએફ ડીલિંગ દ્વારા કરી હતી. અહીંથી શરૂ થયેલી યાત્રાએ તેમણે ઈટીએફના ટેક્નિકલ પાસાં, માર્કેટ ડાયનામિક્સ અને રોકાણકારોના વ્યવહારને ઊંડાણપૂર્વક સમજ્યાં.

ત્યારબાદ તેઓ મિરાએ એસેટ મેનેજમેન્ટમાં જોડાયા અને આજે તેઓ અનેક ઈટીએફ જેવી કે નિફ્ટી ૫૦ ઇટીએફ, નેક્સ્ટ ૫૦ ઇટીએફ, ઇએસજી સેક્ટર લીડર્સ ઇટીએફ, મિડસ્મોલકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇટીએફ તથા આંતરરાષ્ટ્રીય ફંડ એનવાયએસઇ ફેંગ+ ઇટીએફ એફઓએફનું સફળ સંચાલન કરી રહી છે. એકતાની વિશેષતા એ છે કે તેઓ માત્ર ઈન્ડેક્સ અનુસરણ કરતા નથી, પરંતુ તેમના બોટમ-અપ અનુસંધાન દ્વારા માર્કેટમાં કંપની- લેવલ પર ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. તેઓ ફંડ્સમાં ડિસીપ્લીન, કોસ્ટ એફીશીયન્સી અને લોંગ ટર્મ વિઝનના ત્રણ સ્તંભો પર કામ કરે છે. ઈટીએફજેવા પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાધનોને તેઓ સક્રિય રીતે વ્યવસ્થિત કરે છે, જે અત્યંત જોખમવાળા માર્કેટમાં સ્થિરતા અને અસરકારકતાનો સંદેશ આપે છે.

સારાંશરૂપે, એકતા ગાલા એ નવી પેઢીની એવી ઇટીએફ ફંડ મેનેજર છે, જેઓ માર્કેટના માત્ર આંકડા કે ચાર્ટ પરથી નહીં, પણ દૃઢ સમજદારી, રીસર્ચ અને આગળનો દૃષ્ટિકોણ લઈને કરે છે. તેમનું શાંત, સ્પષ્ટ અભિગમ તેમને આજે ઇટીએફ ક્ષેત્રમાં સૌથી ભરોસાપાત્ર નામો પૈકીનું એક બનાવે છે.

સ્કીમ્સ સંચાલનના દ્રષ્ટિકોણથી ટોચની મેનેજર્સ

સ્કીમ્સ સંચાલનના દ્રષ્ટિકોણથી જોઈએ તો ફંડ સંખ્યાના આધારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના અશ્વિની શિંદે અંદાજીત ૪૭ સ્કીમ્સ, મિરે એસેટ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના એકતા ગાલા અંદાજીત ૩૦ સ્કીમ્સ અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના કિંજલ દેસાઈ ૨૪ સ્કીમ્સ દ્વારા મહિલા મેનેજર્સ ટોચ પર કાર્યરત છે. આ માહિતી દર્શાવે છે કે ભારતીય ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે અને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.

પડકારો અને સંભાવનાઓ

હાલમાં, મહિલાઓનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝના કુલ ભાગમાં હજુ પણ ઓછો છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં થયેલી વૃદ્ધિ આશાવાદી છે. મહિલાઓને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો તેમની ભાગીદારી અને પ્રભાવ વધુ વધવાનું શક્ય છે. આ સાથે, gender diversity વધવાથી બજાર વધુ સંવેદનશીલ અને સમતોલ બનતું જાય છે. ભારતીય પરંપરાગત સમાજમાં પરંપરાગત લિંગભેદ હમેંશા જોવાયું છે જે મહિલાઓને આ ક્ષેત્રમાં આગળ વધવામાં અવરોધ બની શકે છે સાથે સાથે યોગ્ય તાલીમ, પ્રોત્સાહન અને નેટવર્કિંગની અતિ મહત્વની જરૂરિયાત છે અને તેના વિકાસ માટેના માર્ગ તરીકે મહિલા ફંડ મેનેજરો માટે ખાસ કોર્સ અને તાલીમ કાર્યક્રમો, ફલેકસિબલ કામના કલાકો અને રિમોટ વર્કિંગ સુવિધા આપવી વગેરે સફળ મહિલા ફંડ મેનેજરો માટે આશિર્વાદ બની રહેવાની સંભાવનાઓ છે અને તે ફાઇનાન્સિયલ સેક્ટર માટે એક સકારાત્મક સંકેત છે જે સંચાલિત સંપત્તિ અને સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

આગામી દિવસોમાં જ્યારે વધુ મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગક્ષેત્રમાં ફંડ મેનેજર તરીકે પ્રવેશ કરશે અને પ્રભાવશાળી ભૂમિકા ભજવશે ત્યારે ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વધુ સમતોલ અને વૈવિધ્યસભર બનશે અને છેલ્લા વર્ષોમાં થયેલ પ્રગતિ અને સંખ્યામાં થયેલ વધારો એ ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી સંકેત છે. તેમ છતાં હજુ પણ ઘણા પડકારો દૂર કરવા બાકી છે યાત્રા લાંબી છે, પરંતુ મહિલા પ્રભુત્વ અને તેમના યોગદાનમાં વધારો સ્વાભાવિક અને આવશ્યક છે જે ઉદ્યોગને વધુ સમતોલ અને વૈવિધ્યપૂર્ણ બનાવશે.

Note: Top 20 women fund managers (in terms of assets) who are managing funds either as primary or secondary manager Data as of Jan 31, 2025. (Source: ACE MF, Money control PF Research)

– નિખિલ ભટ્ટ
ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
મો. :- ૯૯૭૯૩ ૮૦૮૦૮

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *