(જી.એન.એસ) તા. ૧૧
નવી દિલ્હી,

ભારતની બ્રિક્સની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ (BRICS) શેરપા/સોસ-શેરપા બેઠક 9 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામા આવી છે. ત્રણ દિવસ ચાલાનારી આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, જેઓ 11 ફેબ્રુઆરી સુધી મુખ્ય પ્રાથમિકતાઓ, સંકલન અને સભ્ય દેશો વચ્ચેના સહયોગ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.
આ મહત્વપૂર્ણ બેઠક અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે સચિવ (આર્થિક સંબંધો) અને ભારતના બ્રિક્સ શેરપા, શ્રી સુધાકર દલેલા આ બેઠકમાં જોડાયા છે. આ ચર્ચામાં ચીનના ઉપવિદેશપ્રધાન મા ઝાઓક્સુ અને ભારતમાં બેલારુસના રાજદૂત એમ. કાસ્કો પણ હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, રાજદૂત કાસ્કોએ બેલારુસને આમંત્રણ આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે BRICS ભાગીદાર દેશોના પ્રતિનિધિઓએ આવી બેઠકોમાં સામેલ થઇ રહ્યા છે.
પ્રવક્તા જાયસ્વાલે તેમની પોસ્ટમાં આ બેઠક અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શેરપા દલેલાએ ભારતની અધ્યક્ષતાની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરી, જે બ્રિક્સ માટે વડાપ્રધાનના ‘પીપલ-સેન્ટ્રિક’ અને ‘હ્યૂમેનિટી-ફર્સ્ટ’ અપ્રોચના વિઝન પર સ્થિત છે અને ‘બિલ્ડિંગ ફોર રેઝિલ્યન્સ, ઇનોવેશન,કોઓપરેશન તથા સસ્ટેનેબિલીટી’ની થીમ સાથે સંરેખિત છે.
આ બેઠક દ્વારા આ વર્ષના અંતમાં થનારી બ્રિક્સની ઘણી બેઠકો માટે ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવાની અપેક્ષા છે, જેમાં મંત્રી સ્તરની બેઠકો તેમજ બ્રિક્સ સમિટ સામેલ છે. બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક, વિકાસલક્ષી અને વૈશ્વિક ગવર્નન્સના મુદ્દાઓ પર સહયોગને મજબૂત બનાવવાનો છે. ખાસ બાબત એ છે કે આ ચોથી વાર છે જ્યારે ભારતે બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. આ પહેલા ભારતે 2012,2016 અને 2021માં આ જવાબદારી નિભાવી છે.

