પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) લાવી રહી છે ગુજરાતના યુવાનોના જીવનમાં પરિવર્તન

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) લાવી રહી છે ગુજરાતના યુવાનોના જીવનમાં પરિવર્તન


સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પોતાના સમાજનું નામ રોશન કર્યું

(જી.એન.એસ) તા. 05

સુરત,

જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની આપણામાં હિંમત હોય ત્યારે જ આપણે તેમને હરાવી શકીએ છીએ. ગુજરાતના સુરતના રહેવાસી 23 વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભા તેમને પડકારોનો સામનો કરવામાં હંમેશાં મદદરૂપ થયા છે.

સ્વપ્નિલે સુરત સ્થિત માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. સ્વપ્નિલના પિતાજી શાકભાજી વેચે છે, અને તેમની માતા ગૃહિણી છે. બી.ફાર્મના અભ્યાસ દરમિયાન જ સ્વપ્નિલને એક દિવસ ભારત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે જાણકારી મળી. આ યોજના ફક્ત તાલીમ જ નથી આપતી, પરંતુ સફળ ઉમેદવારોને એક સારી નોકરી મેળવવા માટે સક્ષમ પણ બનાવે છે.

આ યોજના અંગે જાણકારી મળ્યા પચી સ્વપ્નિલના જીવનની એક નવી શરૂઆત થઈ. સ્વપ્નિલ માટે જોકે આ બધું સરળ નહોતું, પરંતુ જ્યારે સપનાંઓ મોટાં હોય ત્યારે દરેક માર્ગ સરળ બની જતો હોય છે. સ્વપ્નિલે PMKVY હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી પોતાના મક્કમ મનોબળ અને પોતાના ટ્રેનર્સના માર્ગદર્શનથી ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. સ્વપ્નિલે કોલેજની સાથે જ આ કોર્સ પૂરો કર્યો છે. તાલીમ દરમિયાન સ્વપ્નિલને મેડિકલ ઇક્વિપમેન્ટ એટલે કે તબીબી ઉપકરણો અને દસ્તાવેજીકરણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. કોલેજમાં મળેલી તાલીમથી સ્વપ્નિલને કૌશલ્યની બારીકાઈઓ શીખવામાં તો મદદ મળી જ પણ સાથે-સાથે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.

સ્વપ્નિલ જણાવે છે કે, “જ્યારે હું કોલેજમાં બી.ફાર્મનો કોર્સ કરી રહ્યો હતો ત્યારે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે મને જણાવવામાં આવ્યું. આ યોજના મારા માટે વરદાન સાબિત થઈ, કારણકે તેનાથી મારા ટેક્નિકલ કૌશલ્યમાં વધારો થયો, મને નવી બાબતો વિશે શીખવા મળ્યું. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તે નિઃશુલ્ક છે અને તેના હેઠળ તાલીમ ઉપરાંત એક પ્રમાણિત સર્ટિફિકેટ પણ મળે છે, જે મારી કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. હવે મને મારા ભવિષ્ય વિશેનો નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ છે. જે યુવાનોને કોઈક કારણોસર નોકરી નથી મળતી, તેવા યુવાનોને હું કહેવા માંગું છું કે તેઓ PMKVY હેઠળ તાલીમ મેળવીને પોતાના સપનાને સાકાર કરી શકે છે. તેનાથી તેમને નોકરી પણ મળશે અને સમાજમાં સન્માન પણ મળશે.”

જીવનમાં કંઈક કરી બતાવવાના સપના સાથે સ્વપ્નિલે પોતાના માતા-પિતા સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે. આ જ કારણ છે કે, આજે સ્વપ્નિલ પોતાની મહેનત અને સમર્પણના બળે સહજાનંદ મૅડિકલ ટેક્નોલૉજીઝમાં કાર્યરત છે અને પ્રતિ માસ ₹21,000 કમાય છે. આનાથી સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ છે, સાથે પોતાના પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ કરી રહ્યો છે. સ્વપ્નિલ ઉપરાંત, તેના આખા પરિવારના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું છે. સ્વપ્નિલ ભારત સરકારનો આભાર માને છે, જેમણે તેને સફળતાની સીડી ચડવામાં મદદ કરી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *