(જી.એન.એસ) તા. 6
જમ્મુ,
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપી હતી. આ નવી પહેલથી રેલ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.
વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.