વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત
(જી.એન.એસ) તા. 9
ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા એસોચેમ (ASSOCHAM), FICCI, CII, અને GCCI જેવા અગ્રણી ઉદ્યોગ સંગઠનોના સહયોગથી ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – નોર્થ’ (VGRC-North) ના ભાગરૂપે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવા માટે ‘ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ: પાવર એન્ડ એનર્જી ક્વિઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્યોગ-કેન્દ્રિત ક્વિઝમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં પાવર, ઊર્જા, અને ગ્રીન એનર્જી ક્ષેત્રે જ્ઞાન, જાગૃતિ અને રસ વધારવાનો હતો, જે ગુજરાત અને રાષ્ટ્રના ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
‘ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ: પાવર એન્ડ એનર્જી ક્વિઝ’ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને ઊર્જા ક્ષેત્રના વ્યાપક જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ VGRC-North કોન્ફરન્સના મુખ્ય વિષયો પૈકીના એક, ગ્રીન એનર્જી (Green Energy), સાથે સંકળાયેલો હતો અને વિદ્યાર્થીઓને ઊર્જાના પરંપરાગત અને બિન-પરંપરાગત સ્ત્રોતો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રકારના મંચો દ્વારા રાજ્ય સરકાર ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્યના કુશળ અને જ્ઞાની વર્કફોર્સને તૈયાર કરી રહી છે.
વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતના ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, કૃષિ, ઓટો ઘટકો અને ગ્રીન એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રોની ક્ષમતા દર્શાવવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ છે.
ક્વિઝ જેવા કાર્યક્રમોથી સ્પષ્ટ થાય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માત્ર મૂડીરોકાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન, કૌશલ્ય વિકાસ અને શૈક્ષણિક સંવાદને પણ એટલું જ મહત્ત્વ આપે છે.

