(જી.એન.એસ) તા. 6
કોલકાતા,
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા ભાજપ ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખગેન મૂર્મુ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ભાજપ નેતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. મામલો કંઇક એમ છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ ભાજપનું પ્રતિનિધિમંડળ પ.બંગાળની મુલાકાતે પહોંચ્યું હતું. ત્યારે આ પથ્થરમારાની ઘટના બની હતી.
આ ઘટના મામલે ભાજપે રાજ્યની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આ પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે, કહ્યું કે, કામગીરી કરનારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ આ હુમલાની ટીકા કરતાં ટીએમસી પર આરોપ મૂક્યો હતો કે, નાગરકાટાના પૂર પ્રભાવિત વિસ્તારોની મદદે જઈ રહેલા ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ટીએમસી અને રાજ્યનું વહીવટી તંત્ર આ હુમલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. મમતા બેનરજી કોલકાતા કાર્નિવલમાં ડાન્સ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વાસ્તવમાં લોકોની મદદ કરવા ગયા હતાં, તેમના પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો.

