રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૨૩૯ સામે ૮૩૩૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૦૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૪૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૦૮ સામે ૨૫૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૫૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ફરી ટ્રેડ વોરની ચિંતામાં લાવી એક તરફ ચાઈના પરની ભીંસ વધારવા તેની ટેરિફ છટકબારીઓ બંધ કરવાના પગલાં લેવા માંડીને હવે વિયેતનામ સાથે ૨૦% ટેરિફ સાથે ટ્રેડ ડિલ કરતાં ફરી ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ મામલો ગૂંચવાવાની આશંકા અને બીજી તરફ ભારત સાથે ૨૬%ના દરે કે ૧૫% થી ૨૦% ના ટેરિફ રેટ પર ટ્રેડ ડિલ થશે એના પર બજારની નજર વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી, જો કે નીચા મથાળે ફંડોની લેવાલીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી મંદગતિનો વ્યાપ અને કેટલીક કંપનીઓના નિરાશાજનક પરિણામો પણ બજાર પર દબાણ લાવે છે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાથી ભારતીય અર્થતંત્ર પર મોંઘાવારીનો દબાણ વધવાની આશંકા તેમજ અમેરિકાના ફેડરલ રિઝર્વની ભવિષ્યની વ્યાજદર નીતિ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક મંદીના ડરના કારણે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, જૂનના પેરોલ ડેટા અપેક્ષા કરતા સારા રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા ઘટતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો બન્યો હતો. જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક છ સપ્તાહમાં પહેલી વખત વધીને આવતા ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરીઝ, ટેલિકોમ્યુનિકેશન, ઓટો અને કોમોડિટીઝ સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૦ અને વધનારની સંખ્યા ૨૨૫૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૧.૬૨% ઈન્ફોસિસ લિ. ૧.૩૬%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૧૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૧%, બજાજ ફિનસર્વ ૦.૬૮%, ટીસીએસ લિ. ૦.૫૯% અને સ્ટેટ બેન્ક ૦.૫૯% વધ્યા હતા, જયારે ટ્રેન્ટ ૧૧.૯૩%, ટાટા સ્ટીલ ૧.૭૨%, ટેક મહિન્દ્ર ૧.૦૭%, મારુતિ સુઝુકી૦.૮૭%, અદાણી પોર્ટ્સ ૦.૪૨%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૩૪%, આઈટીસી લિ. ૦.૨૪%, એશિયન પેઈન્ટ ૦.૨૩% અને ટાટા મોટર્સ ૦.૨૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આંતરરાષ્ટ્રીય વેચાણમાં જોરદાર વધારાને પરિણામે દેશની જૂનની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી દસ મહિનાની ટોચે રહી છે. પ્રવૃત્તિમાં વધારો થતાં રોજગાર નિર્માણ પણ હકારાત્મક રહ્યું હતું. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેકસજે મે માસમાં ૫૮.૮૦ રહ્યો હતો તે જૂનમાં વધી ૬૦.૪૦ જોવા મળ્યો છે. સેવા પૂરી પાડતી કંપનીઓને નવા બિઝનેસ ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારાને કારણે પીએમઆઈ ઊંચો રહ્યો છે. નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માંગમાં વધારો જોવા મળ્યો છે. સેવા માટેની માગમાં વધારો થતા સેવા ક્ષેત્રમાં જૂનમાં સતત ૩૭માં મહિને રોજગારમાં વૃદ્ધિ જોવા મળી છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે મેમાં ૫૯.૩૦ હતો તે જૂનમાં વધી ૬૧ સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જૂન માસમાં ૫૮.૪૦ રહ્યો છે જે મે માસમાં ૫૭.૬૦ રહ્યો હતો. અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરવાની મુદત ૯ જુલાઈ નજીક આવી રહી હોવાને ધ્યાનમાં રાખતા નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in