રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૭.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૬૯૭ સામે ૮૩૭૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૪૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૪૩ સામે ૨૪૬૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૫૪૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી ક્ષેત્રે ભારત આયાત મામલે મુક્તિ આપવા તૈયાર નહીં હોવાના અને એને લઈ ટ્રેડ ડિલ વિલંબમાં પડવાના અહેવાલોએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારતીય શેરબજારમાં ગઈકાલે નરમાઈ બાદ આજે સામાન્ય ઉછાળા સાથે ટ્રેડિંગની શરૂઆત થયા છતાં ટ્રેડ ડિલ મામલે અનિશ્ચિતતા અને ફરી ઈરાન મામલે અમેરિકા, ઈઝરાયેલ દ્વારા યુદ્ધનું ટેન્શન વધવાના એંધાણે વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતી રહી હતી.
વૈશ્વિક અસ્થિરતા અને નકારાત્મક સંકેતો, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ વેચવાલી, વૈશ્વિક બજારમાં નરમાશ, ભારતીય રૂપીયાની નબળાઈ, જીઓપોલિટિકલ ટેન્સન વગેરે જેવા પરિબળોને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ જોખમો અને બજેટ બિલથી અમેરિકન અર્થતંત્રમાં અનિશ્ચિતતા ઊભી થતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ઓપેક તથા સાથી દેશોની ૬ જુલાઈની મળી રહેલી બેઠકમાં ઓગસ્ટ માસમાં ઉત્પાદન વધારવાની જાહેરાતની શક્યતાએ ક્રુડઓઈલમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ફાઇનાસીયલ સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ, પાવર, બેન્કેકસ, કેપિટલ ગુડ્સ, યુટીલીટીઝ, એનર્જી, સર્વિસીસ અને એફએમસીજી ઘટ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૫ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૩.૭૨%, એશિયન પેઈન્ટ ૨.૧૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૦%, ટ્રે્ન્ટ ૧.૪૩%, મારુતિ સુઝુકી ૧.૩૮%, સન ફાર્મા ૦.૭૭%, ટાટા મોટર્સ ૦.૬૫%, ભારતી એરટેલ ૦.૫૩% અને ટેક મહિન્દ્રા ૦.૪૮% વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૨.૧૦%, લાર્સન એન્ડ ટૂબ્રો ૧.૮૯%, બજાજ ફાઈનાન્સ ૧.૪૮%, એચડીએફસી બેન્ક ૧.૩૦%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૨૩%, કોટક બેન્ક ૦.૯૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૮૬% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫ લાખ કરોડ ઘટીને ૪૬૦.૭૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જૂન માસમાં ૫૮.૪૦ રહ્યો છે જે મે માસમાં ૫૭.૬૦ રહ્યો હતો. જૂનમાં સતત ૪૮માં મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું વિસ્તરણ થયું છે. સમાપ્ત થયેલા જૂનમાં નિકાસમાં ઝડપી વધારાના ટેકા સાથે દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધવાને કારણે રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળી હોવાનું ખાનગી સર્વેમાં જણાવાયું હતું. છેલ્લા વીસ વર્ષથી જ્યારથી સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી નિકાસ ઓર્ડરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.
માંગ તથા વેચાણમાં વૃદ્ધિને કારણે ઉત્પાદન વોલ્યુમ ઊંચુ જોવા મળ્યું છે. નિકાસ ઓર્ડરમાં માર્ચ, ૨૦૦૫ બાદ ત્રીજો મોટો વધારો થયો છે. અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરવાની મુદત ૯ જુલાઈ નજીક આવી રહી હોવાને ધ્યાનમાં રાખતા નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in