ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો
(જી.એન.એસ) તા. 9
અમદાવાદ/ભરૂચ,
ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્રના કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કોર્ટે કોઈપણ પ્રકારની કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.આ નિર્ણય 100થી વધુ ગરીબ અને વંચિત લોકોના ધર્માંતરણના મામલે આરોપીઓ માટે એક મોટો ઝટકો સાબિત થયો છે.
આ કેસમાં ગુજરાત જણાવ્યું હતું કે, આ ધર્માંતરણ વિદેશમાંથી ભારતમાં ચલાવવામાં આવતું એક વિશેષ અને સુઆયોજિત ષડયંત્ર છે. આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ વિશેષ ધ્યાન આપ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે. કોર્ટે પણ સરકારી વલણને સમર્થન આપતા આ પ્રકરણને વિશેષ ષડયંત્ર ગણાવીને આરોપીઓની રાહતની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે સુનિશ્ચિત કર્યું કે આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કોઈપણ સંજોગોમાં રાહત ન મળે.
FIRમાં દર્શાવ્યા મુજબ, આરોપીઓ ગરીબ અને ભોળા લોકોને આર્થિક કે અન્ય લાલચ આપીને અથવા તેમની ધાર્મિક માન્યતાઓ પર પ્રશ્નાર્થ ઊભા કરીને ધર્માંતરણ કરાવતા હતા. તેઓ ભોગ બનનાર લોકોને કહેતા કે, “તમે તો દેવી, દેવતા, કુળદેવી અને હનુમાન દાદા જેવા અનેક દેવોને માનો છો. તમારા હિન્દુ ધર્મમાં કેટલાય દેવતાઓ છે, જ્યારે અમારે તો ફક્ત એક જ દેવ છે.” આવા ભ્રામક પ્રલોભનો આપીને તેઓ લોકોને કહેતા કે “તમે અમારા એક દેવને માનો, તમારું બધી જ મનોકામના પૂરી થઈ જશે,” જેનાથી ગરીબ અને શ્રદ્ધાળુ લોકો સરળતાથી તેમની વાતોમાં આવી જતા હતા.
FIRમાં આ તમામ બાબતો સ્પષ્ટપણે અને વિગતવાર લખેલી છે, જે દર્શાવે છે કે આ ષડયંત્ર કેટલું ઊંડાણપૂર્વકનું હતું. હાઈકોર્ટે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ક્વોશિંગની અરજીને ફગાવી દેતા જણાવ્યું કે જો આ અરજી મંજૂર કરવામાં આવી હોત તો આવા ધર્માંતરણના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાત અને સમાજમાં તેની ગંભીર અસરો જોવા મળી શકે છે. આ ચુકાદો ધાર્મિક સ્વતંત્રતાના દુરુપયોગ સામે કાયદાનું શાસન સ્થાપિત કરવા અને આવા ષડયંત્રોને રોકવા માટે એક મજબૂત સંદેશ આપે છે.
સમગ્ર મામલો નવેમ્બર 2021માં સામે આવ્યો હતો. જ્યાં આમોદના કાંકરીયા ગામના 37 કુટુંબ અને 100થી વધુ લોકોનું પ્રિ-પ્લાનિંગ સાથે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાયું હતું. આરોપીઓ ગરીબ લોકોને ફોસલાવતા હતા. તમારે તો કેટલાય ભગવાન છે, અમારે ખાલી એક જ દેવતા છે તેવું કહીં વાતોમાં લઈ ધર્માંતરણ કરાવતા હતા.

