દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા ગોમતી નદીમાં ડૂબવાની ઘટના બાદ નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકી દીધો
(જી.એન.એસ) તા. 5
દ્વારકા,
દેવભૂમિ દ્વારકામાં હચમચાવે એવી ઘટના બની છે. દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે. જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી છે.
ઊંટ સવારી કરાવનાર વ્યક્તિ પોતાના ઊંટ સાથે ગોમતીના નદીના પ્રવાહમાં ઉતરીને લોકોના જીવ બચાવવા દોડી ગયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને કરાઈ હતી. બંને વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમે 6 લોકોને બચાવી લીધા છે. પરંતુ, એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દ્વારકામાં આવેલ ગોમતી નદીનાં સામે કિનારે 4 યુવક તેમ જ 3 યુવતી ડૂબ્યા હતા.
નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તથા સ્થાનિક ઊંટ સવારના માલિક દ્વારા ડૂબી રહેલા યાત્રિકોને બચાવી લીધા હતાં. નદીમાંથી બહાર કાઢી તમામને 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાગેશ્વરી નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે. ગોમતી નદીમાં ન્હાવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે. આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતાં હોવાની ઘટના બનતી હોય છે.
આ ઘટના બાદ દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા ગોમતી નદીમાં ડૂબવાની ઘટના બાદ નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રવાસીઓને નદીથી દૂર કરવામાં આવ્યાં છે. ગોમતીઘાટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ છે અને કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જો પહેલાથી જ આ પ્રકારની કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટનાને રોકી શકાઈ હોત. સાત લોકોમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે અને એક મહિલા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.