‘જનતાના રાજ્યપાલ’; રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો

‘જનતાના રાજ્યપાલ’; રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો


(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેઓ ‘જનતાના રાજ્યપાલ’ છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે, તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના ‘આચાર્ય’ની માફક શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય – મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં તેઓ હંમેશાં બાળકોને ઉભેલા જોતા હોય છે. આ બાળકો નિર્દોષ ભાવે મોટરના કાફલા તરફ હાથ હલાવીને મહાનુભાવોનું અભિવાદન કરતા હોય છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાં એન. એસ. એસ. ની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને પરત રાજભવન, ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે બાળકોને ઉભેલા જોયા. તેમણે તરત પોતાની કાર ઉભી રખાવી, બાળકોને નજીક બોલાવ્યા અને ગાડીમાંથી કાઢીને તેમને બિસ્કીટ્સ આપ્યા. તેઓ શું ભણે છે તેની પૃચ્છા કરી અને બાળકો ભણી-ગણીને હોશિયાર થાય, જીવનમાં ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને સમૃદ્ધ થાય એ માટે ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા આપીને આશીર્વાદ આપ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જે બાળક સાથે સંવાદ કર્યો તે વિહાન મંગલભાઈ રાજપુત રાણીપની શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ પાંચમાં સી.બી.એસ.સી. અભ્યાસક્રમ સાથે ભણી રહ્યો છે. વિહાનનો પરિવાર જુના વાડજ સ્મશાન પાસે દશામાના મંદિર પાસે, રિવરફ્રન્ટ રોડ પાસે, સામાન્ય વસાહતમાં  રહે છે. આ પરિવાર મૂળ અયોધ્યા, ઉત્તર પ્રદેશનો વતની છે. બે પેઢીથી વ્યવસાય અર્થે અમદાવાદમાં વસે છે. વિહાનના પિતા મંગલભાઈ દશામાના મંદિર પાસે વિહુ કાફે ચલાવે છે.

વિહાન ખૂબ સ્વપ્નસેવી, આશાસ્પદ અને હોશિયાર વિદ્યાર્થી છે. તેને રિવરફ્રન્ટ રોડ પરથી નિકળતા મહાનુભાવોના કૉન્વૉય – કાફલાની કાર જોવાનો જબરો ક્રેઝ છે. જ્યારે પણ કૉન્વૉયની સાઇરન વાગે ત્યારે તે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય કે જમતો હોય તો તેને છોડીને કાફલો નિહાળવા દોડીને આવી જાય છે. વિહાન કાફલામાંના મહાનુભાવોને દૂરથી વેવ કરતો, અભિવાદન કરતો ઊભો રહે છે.

બે વખત એવું બન્યું છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રતજીએ નાના વિહાનને જોઈને પોતાનો કાફલો રોક્યો હોય, પાસે બોલાવી બિસ્કીટ-ચોકલેટ આપ્યા હોય અને તેની સાથે વાર્તાલાપ કર્યો હોય.

આજે  રાજ્યપાલે વિહાનને બોલાવીને ખબર અંતર પૂછ્યા ત્યારે વિહાનના માતા કલ્પનાબેન તેની સાથે હતા. રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો વિશે જાણ્યું અને તેમના નામ પૂછ્યા હતા. નાના વિહાનને રાજ્યપાલશ્રીએ ‘ઠાકુર સાબ’ કહીને સ્નેહ પ્રગટ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથેની બે વખતની લાગણીસભર  મુલાકાત પછી વિહાન કહે છે કે, “રાજ્યપાલ ખૂબ સારા છે, મારે પણ રાજ્યપાલ બનવું છે.”



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *