છેલ્લા 3 વર્ષોમાં લગભગ 225 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરવામાં આવી, જેનાથી શહેરીકરણની પ્રક્રિયાને મળ્યો વેગ

છેલ્લા 3 વર્ષોમાં લગભગ 225 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરવામાં આવી, જેનાથી શહેરીકરણની પ્રક્રિયાને મળ્યો વેગ


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2025-26માં 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપલાઇન જેવા અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, સાથે જ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શહેરી વિસ્તારોમાં આવાસો પૂરા પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ગાળામાં લગભગ 225 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. શહેરોના સુગઠિત અને આયોજનપૂર્વકના વિકાસથી આજે શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ’ નો અનુભવ કરી રહ્યા છે.

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાં 6 સ્માર્ટ સિટી

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ 6 શહેરોમાં ₹11,451 કરોડથી વધુના 354 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹11,056 કરોડના 348 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ₹395 કરોડના 6 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં મજબૂત રોડ, રેલવે અને એર કનેક્ટિવિટી

વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે. આજે સમગ્ર રાજ્યમાં વધી રહેલા વાહનવ્યવહારના મેનેજમેન્ટ માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા એક સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકો માટે પરિવહન સરળ બની રહ્યું છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા 28,618 કિમી લંબાઈના રોડ-રસ્તાની જાળવણી કરવામાં આવે છે.

ફેબ્રુઆરી, 2024માં ₹979 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ ગુજરાતમાં, જામનગર-ભટિંડા હાઇવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે વગેરેનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, આ વર્ષના બજેટમાં નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે, એમ બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અંદાજિત ₹36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકા આસપાસના વિસ્તારો માટેની કનેક્ટિવિટી સુગમ બનશે.

શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. તેઓએ અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર, 2022માં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. અને ગત વર્ષે એટલે કે સપ્ટેમ્બર, 2024માં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોને આવરી લેતા અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગુજરાત આજે મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું અમદાવાદ તથા મહારાષ્ટ્રનું મુંબઈ, એવા પહેલા શહેરો હશે, જે ઝડપી ગતિની આ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2022માં ગુજરાતમાં સૌપ્રથમ ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની નવી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ વંદે ભારત ટ્રેન ગુજરાતમાં શરૂ કરવામાં આવી, જેમાં જોધપુર-સાબરમતી (અમદાવાદ), અમદાવાદ-ઓખા અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેમાંથી 18 રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે 22 મે, 2025ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એરપોર્ટ્સનો પણ અત્યાધુનિક વિકાસ કર્યો છે. ₹1405 કરોડના ખર્ચે રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ નવા એરપોર્ટના નિર્માણ પછી રાજકોટના વ્યાવસાયિક વિકાસને વેગ મળ્યો છે. આ સાથે જ, ₹3400 કરોડના ખર્ચે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પહેલ ‘ઉડે દેશ કા આમ નાગરિક’ એટલે કે UDAN યોજના હેઠળ ગુજરાતમાં ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા, પોરબંદર એરપોર્ટ પર કનેક્ટિવિટી વધી છે.

સુરત ખાતે ડાયમંડ બુર્સનું નિર્માણ

સુરત સ્માર્ટ સિટી તો બની જ રહ્યું છે, પરંતુ સુરતના હીરા ઉદ્યોગના વિકાસ માટે તેમજ હીરા, અન્ય કીમતી પથ્થરો અને ઘરેણાની આયાત-નિકાસ અને વેપારને પ્રમોટ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, 2023માં ₹3400 કરોડના ખર્ચે નિર્મિત સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતુ. આ બુર્સમાં ભારતના સૌથી મોટા ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેંકિંગ અને સેફ વૉલ્ટની સુવિધા ઉપલબ્ધ છે. સુરતમાં નિર્માણાધીન ડ્રીમ સિટી  (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટના એક ભાગરૂપે આ ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગના કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટરની ભૂમિકા ભજવે છે. સુરત ડાયમંડ બુર્સ હીરા, પ્લેટિનમ-ગોલ્ડ-સિલ્વર અને ડાયમંડ જ્વેલરીના વ્યાપારનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને મળ્યું ઘરનું ઘર

આજે રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબ અને નીચલા મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં 8.96 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત, રાજકોટ શહેરમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, નવસારી, મહેસાણા, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ છે. મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન સંગઠિત રીતે અને સુઆયોજિત હોય છે, જેનો લાભ નવી મહાનગરપાલિકાઓને મળશે. આ મહાનગરપાલિકાઓમાં સંબંધિત સ્થળોના ગ્રામ્ય વિસ્તારોને ભેળવવામાં આવ્યા છે, જેનાથી તેના નાગરિકોને શહેરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. 

અમદાવાદ અને સુરતનો સફળ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ

ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ થયું છે. એમાં પણ અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીસ-જનમાર્ગ પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેન, અટલ ફૂટઓવર બ્રિજ વગેરે જેવા સફળ શહેરીકરણ પ્રોજેક્ટ્સની સાથે-સાથે અમદાવાદમાં જૂની પોળ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવી જૂની ઇમારતો પણ અડીખમ ઉભી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ સૌથી સફળ પ્રોજેક્ટ છે, જે હેઠળ 350 ઇલેક્ટ્રિક બસો આજે 16 રૂટ્સ પર દોડી રહી છે, અને પ્રતિદિન આશરે 1.5 લાખ મુસાફરો તેનો લાભ લઇ રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ બીઆરટીએસ પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યાં 870 બસો 67 રૂટ્સ પર દોડા રહી છે અને દરરોજ લગભગ 1.80 લાખ મુસાફરો તેનો લાભ મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરીકરણ અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને જી-20 હેઠળની શહેરોના વિકાસ અને આયોજન માટેની અર્બન-20 બેઠકો ફક્ત ગુજરાતમાં જ અમદાવાદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી, જ્યાં જી-20 દેશોના શહેરોના પ્રતિનિધિઓએ ભેગા થઈને શહેરીકરણ અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતમાં થયેલું શહેરીકરણ તેની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને રાજ્ય સરકારની પહેલોનું પરિણામ છે. આ પ્રક્રિયાએ ગ્રામીણ વિસ્તારોને ધમધમતા શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે અને રોકાણ, વ્યવસાયો અને સ્થળાંતર કરનારાઓને આકર્ષ્યા છે. શહેરોનો વિકાસ રાજ્યમાં વિવિધ તકોને આકર્ષે છે, અને એટલે જ શહેરી વિકાસનું સંચાલન કરવું અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવું એ નાગરિકોની સુખાકારી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *