(જી.એન.એસ) તા. 8
અમદાવાદ,
શહેરના ઘોડાસર વિસ્તારમાં અસામાજિક તત્વો બેલગામ બન્યા હોય તેવી એક ઘટના સામે આવી હતી જેમાં, એક મોબાઇલ શોપ ચલાવતા એક વેપારી પાસેથી ખંડણી માંગ્યા બાદ 15થી વધુ લોકોએ લાકડીઓ અને સળિયાથી ઢોર માર માર્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઘોડાસરના પુનિતનગર ક્રોસિંગ પાસે અસામાજિક તત્ત્વો દ્વારા ઘોડાસરમાં ધંધો કરવા માટે મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પાસે ખંડણીની માંગણી કરવામાં આવી હતી. વેપારીએ આક્ષેપ કર્યો છે કે ખંડણી આપવાની ના પાડતાં 15થી વધુ શખ્સોએ વેપારીને લાકડી અને દંડા વડે હુમલો કરી ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં કમલેશ સામત નામના વેપારીને માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઇજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.