(જી.એન.એસ) તા. 7
અમદાવાદ,
ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની રાષ્ટ્રીય એકતા શિબિરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ‘કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ’ (કુશલ) યોજનાના પ્રતીક (લોગો)નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાપીઠના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના શૈક્ષણિક ઉત્કર્ષને નવી દિશા આપવાનો છે.
આ ‘કુશલ’ યોજના અંતર્ગત, આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રતિવર્ષ ૧૦૦ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ‘કુલાધિપતિ શિષ્યવૃત્તિ’ એનાયત કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી યોજના માટે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વાર્ષિક રૂપિયા ૧૦ લાખની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠ મંડળ દ્વારા ગત તા. ૨૧ માર્ચના રોજ ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે યોજાયેલી બેઠકમાં વિદ્યાપીઠ ખાતે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન અને વેગ આપવાના ઉમદા હેતુથી આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બનશે અને વિદ્યાપીઠના શૈક્ષણિક વાતાવરણને વધુ ઉન્નત બનાવશે.
આ યોજના ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્કર્ષની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે, તેવી સૌએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.